જો સાંસદ નિર્દોષ હોત તો પીડિત પરિવારને આંગણે આવ્યા હોત, ૨૧ લોકોના જીવન-મરણના સંઘર્ષ પાછળ પોલીસ અત્યાચાર અને રાજકીય ષડયંત્ર જવાબદાર હોવાના આક્ષેપથી તંત્ર પર દબાણ વધ્યું, આગામી ૩૦ તારીખનું અલ્ટીમેટમ

જામનગરમાં રાણપરીયા પરિવારના ૨૧ સભ્યો દ્વારા આગામી ૩૦ તારીખે સામૂહિક આત્મહત્યા કરવાની લેખિત ચીમકીના પગલે માત્ર જામનગર જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતના રાજકીય અને સામાજિક વાતાવરણમાં ભૂકંપ સર્જાયો છે. કુખ્યાત જયેશ પટેલ (રાણપરીયા)ના ભાઈ ધર્મેશ રાણપરીયા અને તેમના પરિવાર પર પોલીસ દ્વારા ગુજારવામાં આવેલા કથિત અત્યાચાર અને રાજકીય દબાણ હેઠળ ખોટા કેસ કરવાની ઘટનાના વિરોધમાં ઉઠેલો અવાજ હવે રાજ્યવ્યાપી આંદોલનનું સ્વરૂપ લઈ રહ્યો છે.

આ ગંભીર ઘટનાના પડઘા સ્વરૂપે, ગઈકાલે મંગળવારના રોજ ગુજરાતભરમાંથી ખ્યાતનામ સામાજિક સંસ્થાઓના હોદ્દેદારો, પાટીદાર સમાજના આગેવાનો, સોશિયલ મીડિયાના પ્રભાવશાળી વ્યક્તિઓ અને વિવિધ જ્ઞાતિના અગ્રણીઓ પીડિત પરિવારને સાંત્વના આપવા અને પોતાનો સંપૂર્ણ સહકાર જાહેર કરવા જામનગર ખાતે દોડી આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન, સામાજિક કાર્યકર જીગીશા પટેલે અત્યંત આક્રોશપૂર્વક અને સીધા શબ્દોમાં સ્થાનિક સાંસદ પૂનમબેન માડમની સંડોવણી પર ગંભીર આરોપો લગાવ્યા હતા. જીગીશા પટેલે જણાવ્યું હતું કે, “આ સમગ્ર કેસની પાછળ પૂનમબેન માડમની સીધી સામેલગીરી છે. જો આ પ્રકરણમાં તેમનો કોઈ રોલ ન હોત અને તેઓ નિર્દોષ હોત, તો એક જનપ્રતિનિધિ તરીકે તેમની ફરજ હતી કે તેઓ આટલા ગંભીર રીતે પ્રતાડિત થયેલા પરિવારની રૂબરૂ મુલાકાત લઈને તેમને સાંત્વના આપે. એક પરિવારના ૨૧ લોકો જ્યારે જીવન ટૂંકાવવાનો નિર્ણય લેવા મજબૂર બને, ત્યારે પણ સ્થાનિક સાંસદનું મૌન તેમની સંડોવણી તરફ સ્પષ્ટ ઈશારો કરે છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે, ગુજરાતમાં આ એક નવી પેટર્ન બની ગઈ છે, જ્યાં સત્તાધીશોના ઈશારે તંત્રના અધિકારીઓ સામાન્ય અને નિર્દોષ પરિવારોને હેરાન-પરેશાન કરે છે અને જ્યારે તેમને પૂછવામાં આવે તો ‘ઉપરથી પ્રેશર છે’ એવો લાચાર જવાબ આપે છે. જીગીશા પટેલે આવા અધિકારીઓને પડકાર ફેંકતા કહ્યું કે, “તમને કોનું પ્રેશર છે? બહાર આવો અને સત્ય કહો, અમે તમારી સાથે છીએ, પરંતુ સત્તાનો દુરુપયોગ કરીને પરિવારને પીડવાનું બંધ કરો.”

આ ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળમા પાટીદાર અનામત આંદોલન સમિતિ ના અગ્રણી દિનેશભાઈ બામભણીયા, પાટીદાર આગેવાન વરુણ પટેલ, મનોજ પનારા, કરણી સેનાના પ્રમુખ શક્તિસિંહ જાડેજા, જે.પી. મારવિયા, મનોજ કથીરિયા અને ભીમ આર્મી સેનાના ગુજરાત પ્રમુખ કમલેશભાઈ ઘવડ સહિત અનેક મોટા માથાઓએ પીડિત પરિવારની મુલાકાત લીધી હતી. દિનેશભાઈ બામભણીયાએ પરિવારને હિંમત આપતા જણાવ્યું કે, “આત્મહત્યા કોઈ સમસ્યાનો વિકલ્પ નથી. અમે અને સમગ્ર સમાજ તમારી સાથે છીએ. અમે કેસની તમામ વિગતોનો અભ્યાસ કર્યો છે અને અમને ન્યાયતંત્ર પર પૂરો વિશ્વાસ છે. અમે ટૂંક સમયમાં જામનગરના પોલીસ વડા અને રેન્જ આઈ.જી.ને મળીને આ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ માટે રજૂઆત કરીશું.”
ઉલ્લેખનીય છે કે, ધર્મેશ રાણપરીયાની પત્ની મેઘના રાણપરીયા દ્વારા વાયરલ કરાયેલા વીડિયોમાં સાંસદ પૂનમબેન માડમ અને હસુ પેઢડીયાના ત્રાસ તેમજ પોલીસના દમનને કારણે આ પગલું ભરવાની ફરજ પડી હોવાની ફરિયાદ આઈ.જી. સમક્ષ કરવામાં આવી હતી, જેમાં ધર્મેશ રાણપરીયાના ૭૦ વર્ષીય વૃદ્ધ માતા-પિતાને સવારે ચાર વાગ્યે ઉઠાડીને પટ્ટા વડે માર મારવામાં આવ્યો અને પંચકોશી ડિવિઝનના પોલીસ અધિકારી દ્વારા ૧૦ કોરા કાગળો પર બળજબરીથી સહીઓ કરાવી લેવાના ગંભીર આક્ષેપોએ સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચાવી દીધો છે. હવે સામાજિક સંગઠનોની સક્રિયતાને કારણે આ મામલો વધુ ગરમાયો છે અને તંત્ર પર નિષ્પક્ષ કાર્યવાહી કરવા માટે ભારે દબાણ સર્જાયું છે.


