જામનગર દરેડ GIDC એસોસિએશનની ચૂંટણીમાં સત્તાનો જંગ જામ્યો: ‘પ્રગતિશીલ પેનલ’ અને ઉદ્યોગિક હિતકારી પેનલ’ વચ્ચે સીધો મુકાબલો, ઉદ્યોગકારોમાં ભારે ઉત્તેજના

99565

૧૨ ઓક્ટોબરે યોજાનારી ચૂંટણી પૂર્વે ગરમાવો, વર્તમાન પેનલના ૭ વર્ષે બનેલા રોડના ગુણગાન સામે કેમિકલયુક્ત પાણીના ભૂગર્ભ રિચાર્જ અને વિવાદાસ્પદ એમઓયુ મુદ્દે વિપક્ષી પેનલ આક્રમક, સત્તા પરિવર્તનના એંધાણ

જામનગરના બ્રાસ ઉદ્યોગ જગતનું કેન્દ્રબિંદુ ગણાતા દરેડ જીઆઈડીસી વિસ્તારમાં હાલ ચૂંટણીનો માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે, જ્યાં જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશનની ૨૧ કારોબારી સભ્યોની પસંદગી માટેની પ્રતિષ્ઠાભરી ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે ઉદ્યોગકારોમાં ભારે ઉત્સાહ અને ગરમાવો જોવા મળી રહ્યો છે.

બ્રાસ પાર્ટ ઉદ્યોગકારોના આ મહત્વપૂર્ણ એસોસિએશનમાં થોડા સમય પહેલા યોજાયેલી સાધારણ સભામાં થયેલા નિર્ણય અનુસાર, બંધારણીય નિયમોને આધીન રહીને એક ચૂંટણી પંચની નિમણૂક કરવામાં આવી હતી, જેણે સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું સંચાલન હાથ ધર્યું હતું. કારોબારી સમિતિમાં સ્થાન મેળવવા માટે ઉદ્યોગકારોના ઉત્સાહનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે ચૂંટણી પંચ સમક્ષ રેકોર્ડબ્રેક ૬૯ જેટલા ઉમેદવારી ફોર્મ ભરાઈને આવ્યા હતા. જોકે, નિયમ મુજબ ૨૧ સભ્યોની કારોબારી સમિતિની રચના કરવાની હોવાથી, આખરે બે મુખ્ય પેનલો વચ્ચે સીધો ચૂંટણી જંગ નિર્ધારિત થયો છે. વર્તમાન સત્તાધારી જૂથે પોતાની પેનલને ‘પ્રગતિશીલ પેનલ’ નામ આપ્યું છે, એમનું ચૂંટણી પ્રતીક સૂર્ય છે, જેની સામે પરિવર્તનની માંગ સાથે મેદાનમાં ઉતરેલા વિપક્ષી જૂથે ‘ઉદ્યોગિક હિતકારી પેનલ’ ના નામે ઉદ્યોગકારો પાસેથી મત માંગી રહી છે. એમનું પ્રતીક સિંહ ત્રિશુલ છે. આમ, ૨૧ બેઠકો માટે હવે બંને પેનલના કુલ ૪૨ ઉમેદવારો સામસામે ટકરાશે અને આગામી ૧૨ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ મતદાન દ્વારા ઉદ્યોગકારો પોતાના નવા પ્રતિનિધિઓ નક્કી કરશે.

99566

ચૂંટણી પ્રચાર દરમિયાન મુદ્દાઓની ગરમાગરમ ચર્ચાઓએ સમગ્ર જીઆઈડીસીના વાતાવરણને ગજવી મૂક્યું છે. વર્તમાન ‘પ્રગતિશીલ પેનલ’ પોતાના સાત વર્ષના શાસનકાળની સિદ્ધિઓ ગણાવી રહી છે, જેમાં મુખ્યત્વે સરકાર સમક્ષ સાત-સાત વર્ષ સુધી કરેલી રજૂઆતો અને આજીજી બાદ અંતે મંજૂર થયેલા અને બનેલા જીઆઈડીસીના આંતરિક રસ્તાઓને પોતાના મેનિફેસ્ટોનો મુખ્ય મુદ્દો બનાવીને ફરીથી સત્તા હાંસલ કરવાનો પ્રયાસ કરી રહી છે. જોકે, તેમની કામગીરી સામે ગંભીર સવાલો પણ ઉઠી રહ્યા છે. ખાસ કરીને, એસ્ટેટના ત્રણ કોમન પ્લોટમાં વરસાદી પાણીને બોર અને કુવા દ્વારા રિચાર્જ કરી ભૂગર્ભ જળ સ્તર ઊંચું લાવવાના દાવા પોકળ સાબિત થઈ રહ્યા હોવાનો વિપક્ષી જૂથ અને જાગૃત ઉદ્યોગકારો આક્ષેપ કરી રહ્યા છે. ઉદ્યોગ વર્તુળોમાં એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે, આ વરસાદી પાણીની ગટરોમાં એસિડિક નિકલ અને ઈલેક્ટ્રોપ્લેટિંગ જેવા અત્યંત ઝેરી કારખાનાઓનું કેમિકલયુક્ત પાણી પણ બેરોકટોક ઠાલવવામાં આવી રહ્યું છે, જે ભૂગર્ભમાં ઉતરીને પાણીના સ્તરને સુધારવાને બદલે તેને કાયમ માટે ઝેરી બનાવી રહ્યું છે. શું આ ગંભીર બેદરકારી વર્તમાન સત્તાધીશોની નજરમાં નથી આવતી? શું ઈલેક્ટ્રોપ્લેટિંગના તમામ યુનિટોને એક જ વિસ્તારમાં સ્થાપિત કરી, તેમના કેમિકલયુક્ત પાણીના નિકાલ માટે પાઈપલાઈન દ્વારા કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (CETP) સ્થાપીને આ સમસ્યાનું કાયમી નિરાકરણ ન લાવી શકાય? આ સવાલો સાથે ઉદ્યોગકારો સત્તાધીશોની ઈચ્છાશક્તિ પર જ પ્રશ્નાર્થ ઉભો કરી રહ્યા છે.

IMG 20250921 WA0187

આ ઉપરાંત, તાજેતરમાં યોજાયેલી સાધારણ સભામાં વર્તમાન પેનલ દ્વારા લાવવામાં આવેલા એક વિવાદાસ્પદ એમઓયુ (MOU)નો ઉદ્યોગકારોએ સખત અને સંગઠિત વિરોધ કર્યો હતો, જે ઘટના બાદ વર્તમાન પેનલ માટે જીતના સમીકરણો વધુ કપરા બન્યા છે. ઉદ્યોગકારોમાં એવો ગણગણાટ ચાલી રહ્યો છે કે વર્તમાન પેનલના મુખ્ય પદાધિકારીઓ સત્તાનો મોહ છોડવા તૈયાર ન હોવાથી અને સત્તા પર ચાલુ રહેવાની લાલસાને કારણે જ આ ચૂંટણી યોજવાની ફરજ પડી છે. આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં લેતા, જીઆઈડીસીના સામાન્ય ઉદ્યોગકારોની ચર્ચાઓ પરથી એવું તારણ નીકળી રહ્યું છે કે, મોટાભાગના મતદારોએ પરિવર્તનનું મન બનાવી લીધું છે અને વર્તમાન પેનલને પરાજિત કરવા માટે તેઓ કટિબદ્ધ જણાય છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles