હંગામી કર્મચારીએ વહીવટી ખામીઓનો લાભ ઉઠાવી સરકારી ગ્રાન્ટના ૧૫ ચેકોમાં ચેડાં કર્યા, દર્દીઓની સારવારના નાણાં પોતાના અંગત બેંક ખાતામાં જમા કરાવતા પોલીસ ફરિયાદ નોંધાઈ
હંગામી કર્મચારીએ રોગી કલ્યાણ સમિતિના ચેકમાં કથિત ફેરફાર કરી રૂા. ૧.૩૬ કરોડ પોતાના ખાતામાં જમા કરાવ્યાનો ગુન્હો નોંધાવાતાં ભારે ચકચાર
જામનગર તા ૧૯, જામનગરની સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાં નેશનલ હેલ્થ મિશન હેઠળ કોન્ટ્રાક્ટ આધારિત ફરજ બજાવતા એક કર્મચારી દ્વારા રોગી કલ્યાણ સમિતિના ખાતામાંથી કરોડો રૂપિયાની ઉચાપત અને ચીટિંગ કરવામાં આવી હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. સમગ્ર પ્રકરણ અંગે સંસ્થાના જવાબદાર અધિકારી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા ભારે ખળભળાટ મચી ગયો છે.
મળતી વિગતો મુજબ જામનગરની સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાં એન.એચ.એમ. ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટ કર્મચારી તરીકે ફરજ બજાવતા શોભીત ગર્ગ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. આરોપ છે કે, રોગી કલ્યાણ સમિતિના સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના ખાતામાંથી અલગ અલગ તારીખે ચેક દ્વારા રકમ ઉપાડી પોતાના અંગત બેંક ખાતામાં જમા કરાવી કુલ રૂા. ૧,૩૬,૧૯,૩૫૦ની ઉચાપત કરવામાં આવી હતી.
આ મામલે ટ્યુટર વર્ગ-૨ તરીકે ફરજ બજાવતા ડો. સંજયભાઈ વલ્લભદાસભાઈ ઉમરાણીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ સંસ્થામાં વહીવટી સ્ટાફની ભારે અછત હોવાથી અનેક નાણાકીય અને વહીવટી જવાબદારીઓ કોન્ટ્રાક્ટ કર્મચારીઓને સોંપવામાં આવી હતી. જેમાં શોભીત ગર્ગને રોગી કલ્યાણ સમિતિના નાણાકીય રેકોર્ડ અને વ્યવહાર સંભાળવાની જવાબદારી લેખિતમાં સોંપવામાં આવી હતી.
ફરિયાદ અનુસાર ગત તા. ૧૬ મે, ૨૦૨૬ના રોજ જી.જી. હોસ્પિટલના ડો. કણસાગરા દ્વારા ડેન્ટલ કોલેજના ડીનને ફોન કરી જાણ કરવામાં આવી હતી કે, બેંક મેનેજરે માહિતી આપી છે કે ડેન્ટલ કોલેજના રોગી કલ્યાણ સમિતિના ચેક મારફતે શોભીત ગર્ગના વ્યક્તિગત ખાતામાં લાખો રૂપિયાની રકમ જમા થઈ છે. આ માહિતી મળ્યા બાદ ડીન દ્વારા સમિતિના સભ્યો અને અન્ય અધિકારીઓને બોલાવી પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમિયાન શોભીત ગર્ગ સંતોષકારક જવાબ ન આપી શકતાં શંકા વધુ ગાઢ બની હતી. ત્યારબાદ રોગી કલ્યાણ સમિતિના સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના ખાતાનું સ્ટેટમેન્ટ ચકાસવામાં આવતા છેલ્લા છ માસ દરમિયાન કુલ ૧૫ ચેક મારફતે રૂા. ૧,૩૬,૧૯,૩૫૦ની રકમ શોભીત ગર્ગના બેંક ઓફ ઇન્ડિયાના વ્યક્તિગત ખાતામાં ટ્રાન્સફર થયાનું સામે આવ્યું હતું.
તપાસમાં સામે આવેલા ચેક મુજબ અલગ અલગ તારીખે રૂા. ૪૬ હજારથી લઈને રૂા. ૨૮.૫૫ લાખ સુધીની રકમો જમા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. તેમાં તા. ૨૩ માર્ચે રૂા. ૧૯.૪૫ લાખ, તા. ૨૭ માર્ચે રૂા. ૨૪.૬૦ લાખ, તા. ૩૦ માર્ચે વધુ રૂા. ૨૪.૬૦ લાખ તેમજ તા. ૨ એપ્રિલે રૂા. ૨૮.૫૫ લાખની મોટી રકમ જમા કરાવાઈ હોવાનું ખુલ્યું છે.
ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, દર્દીઓની સારવાર તથા આઉટસોર્સ કર્મચારીઓના પગાર માટે ગાંધીનગરથી મળતી સરકારી ગ્રાન્ટના નાણાંમાં ચેડાં કરી ચેકની રકમમાં ફેરફાર કરીને આ સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું હતું. પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી સરકારશ્રી સાથે ગુનાહિત વિશ્વાસઘાત કરાયો હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.
હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસ દરમિયાન અન્ય કોઈની સંડોવણી બહાર આવશે તો તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી માહિતી મળી રહી છે.


