શંકર ટેકરી ઔદ્યોગિક વસાહતમાં પ્રદૂષણ ફેલાવતા એકમો પર GPCB ની લાલ આંખ

કેમિકલયુક્ત ગંદુ પાણી જાહેરમાં છોડવા બદલ સીતારામ ઇલેક્ટ્રોપ્લેટર્સ સામે ગાંધીનગર રિપોર્ટ કરાયો, જ્યારે અન્ય ૫ એકમોના વીજ કનેક્શન કાપવા PGVCL ને આદેશ

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા પર્યાવરણને નુકસાન પહોંચાડતા અને નિયમોનું ઉલ્લંઘન કરતા ઔદ્યોગિક એકમો સામે કડક સપાટો બોલાવવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, તાજેતરમાં શંકર ટેકરી ઔદ્યોગિક વિસ્તારમાં ચેકિંગ દરમિયાન ‘સીતારામ ઇલેક્ટ્રોપ્લેટર્સ’ નામનું કારખાનું ઔદ્યોગિક ગંદુ પાણી ગેરકાયદેસર રીતે જાહેરમાં બહાર છોડતા રંગેહાથ ઝડપાઈ ગયું છે.

જળ પ્રદૂષણની આ ગંભીર બેદરકારી અને નિયમોના સરેઆમ ભંગ બદલ સ્થાનિક તંત્ર દ્વારા પ્રાથમિક તપાસ પૂર્ણ કરી લેવામાં આવી છે અને આગામી આકરા પગલાં લેવા અર્થે તેનો વિસ્તૃત અહેવાલ જીપીસીબીની વડી કચેરી, ગાંધીનગર ખાતે મોકલી આપવામાં આવ્યો છે.

આ ઉપરાંત, આ જ ઔદ્યોગિક વસાહતમાં પ્રદૂષિત એસિડ અને કેમિકલવાળું અતિ જોખમી ગંદુ પાણી જાહેર ખુલ્લી ગટરોમાં છોડીને લોકોના સ્વાસ્થ્ય અને પર્યાવરણ સાથે ચેડાં કરતા અન્ય એકમો પર પણ વડી કચેરીએ સીધી કાર્યવાહી કરી છે. GPCB ની વડી કચેરીના હુકમ મુજબ મેસર્સ તકદીર ઇલેક્ટ્રોપ્લેટર્સ, મેસર્સ વી. આર. પ્રોડક્ટસ, મેસર્સ શ્રીનાથજી ઇલેક્ટ્રોપ્લેટર્સ, મેસર્સ જય અલખધણી અને મારૂતિ ઇલેક્ટ્રોપ્લેટર્સ સહિતના તમામ યુનિટોને તાત્કાલિક અસરથી બંધ કરવાનો આદેશ ફટકારવામાં આવ્યો છે.

બોર્ડના અધિકારીઓએ આ તમામ ઔદ્યોગિક એકમોની રૂબરૂ મુલાકાત લીધી હતી અને પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) ને લેખિતમાં જાણ કરીને આ તમામ પ્રદૂષણ ફેલાવતા યુનિટનો વીજ પુરવઠો તાત્કાલિક ધોરણે ખંડિત કરવા (કાપી નાખવા) કડક સૂચના આપી દીધી છે. બોર્ડની આ મેગા ડ્રાઇવથી પ્રદૂષણ ફેલાવતા અન્ય ઔદ્યોગિક એકમોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles