શંકર ટેકરી ખાતે ધારાસભ્ય અને જીએસટી ડે. કમિશનરની ઉપસ્થિતિમાં યોજાઈ મહાબેઠક: કાયદાની ગૂંચવણ અંગે સવાલોનો વરસાદ, ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનના એંધાણ; ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ ઉચ્ચ સ્તરેથી કાયમી નિરાકરણ લાવવાની આપી ખાતરી.


જામનગરના બ્રાસ ઉદ્યોગ સહિતના અન્ય લઘુ અને મધ્યમ ઉદ્યોગો જીએસટી વિભાગ દ્વારા ફટકારવામાં આવતી આડેધડ અને અકારણ નોટિસોથી ત્રસ્ત થઈ ચૂક્યા છે, જેને પગલે હવે ઉદ્યોગકારોએ આક્રમક વલણ અપનાવ્યું છે. જો સરકાર કાયદાની આ ગૂંચવણો સત્વરે દૂર નહીં કરે તો કાયદાના મૂળ સુધી જઈને લડી લેવાના મૂડમાં કારખાનેદારો જોવા મળી રહ્યા છે.

આ રોષ ત્યારે બહાર આવ્યો જ્યારે એક પેઢીના કિસ્સામાં વેપારીએ ૨૦૨૦માં પાકું બિલ બનાવીને કાયદેસર રીતે માલનું વેચાણ કર્યું હોવા છતાં અને પૂરો ટેક્સ ભર્યો હોવા છતાં, સામેવાળી (ખરીદનાર) પેઢી બોગસ હોવાનો હવાલો આપીને સીજીએસટી ડિપાર્ટમેન્ટે બન્ને બિલ સામે શો-કોઝ નોટિસ ફટકારી દીધી. આ ઘટનાથી વફરેલા ઉદ્યોગકારોએ તાજેતરમાં મળેલી એક બેઠકમાં જીએસટીના અધિકારીઓ પર પ્રશ્નોનો વરસાદ વરસાવ્યો હતો.
એક કારખાનેદારે મિટિંગમાં ઊભા થઈને વેધક સવાલ કર્યો હતો કે, “અત્યાર સુધી ખરીદીમાં તમે કહેતા હતા કે ખોટી વેરાશાખ લીધી છે, પરંતુ હવે કાયદેસર વેચાણમાં પણ અમારે કેમ બચવું? હવે અમારે અમારો તૈયાર માલ કોને વેચવો?” આવા અનેક સવાલોથી મિટિંગનું વાતાવરણ એટલું ઉગ્ર બની ગયું હતું કે ઉપસ્થિત ધારાસભ્યને પણ વારંવાર ઉદ્યોગકારોને શાંત પાડવા અને બેસાડવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી.
આ સળગતા પ્રશ્નોના નિરાકરણ માટે જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન, જામનગર ચેમ્બર ઑફ કોમર્સ અને જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે શંકર ટેકરી ઉદ્યોગનગર ખાતે તાજેતરમાં એક અત્યંત અગત્યની જનરલ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શંકર ટેકરી, દરેડ જીઆઇડીસી ફેઝ-2 અને ફેઝ-3 તેમજ કનસુમરાના નાના-મોટા કારખાનેદારો જંગી બહુમતીમાં ઉમટી પડ્યા હતા.

આ બેઠકમાં જામનગર દક્ષિણના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, જીએસટીના ડેપ્યુટી કમિશનર હિતેશ દેસાઈ, ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના રામજીભાઈ ગઢિયા, ચેમ્બરના પ્રમુખ રમણીકભાઈ અકબરી, જીઆઇડીસી એસોસિએશનના પ્રમુખ વિષ્ણુભાઈ પટેલ, મંત્રી મેહુલભાઈ જોબનપુત્રા અને જિગ્નેશભાઈ લાવટી સ્ટેજ પર ઉપસ્થિત હતા. મિટિંગની શરૂઆતમાં થયેલા ફૂલહાર અને સ્વાગત સત્કારને જોઈને એક તબક્કે હજારો ઉદ્યોગકારોના મનમાં એવો કટાક્ષ પણ રમતો હતો કે તેઓ અહી કાળા કાયદાની મુશ્કેલીઓ વર્ણવવા આવ્યા છે કે કોઈ સત્કાર સમારોહમાં? જોકે, ઉદ્યોગકારોના આક્રોશને પારખી ગયેલા ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીએ સભાને સંબોધતા સ્પષ્ટ કર્યું હતું કે, તેઓ પોતે પણ બ્રાસના વ્યવસાય સાથે જોડાયેલા હોવાથી ઉદ્યોગકારોની પીડા અને લાગણી સારી રીતે સમજે છે. તેમણે ખાતરી આપી હતી કે, તાજેતરમાં નાણામંત્રીની જામનગર મુલાકાત વખતે તેમણે સમય માંગીને આ પ્રશ્નની રજૂઆત કરી હતી. તદુપરાંત, રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના જીએસટી કમિશનર સાથે પણ તેમની વાતચીત થઈ છે. મંત્રીઓના સુચન મુજબ સ્થાનિક ડેપ્યુટી કમિશનર સાથે બેઠક કરી તમામ વિગતો મેળવ્યા બાદ, ઉચ્ચ સ્તરે રાજ્યના જીએસટી કમિશનર અને જામનગરના બૌદ્ધિક ઉદ્યોગકારોની એક સંયુક્ત બેઠક યોજીને ખોટી રીતે પડતી નોટિસોનું કાયમી સમાધાન લાવવામાં આવશે.

બીજી તરફ, મિટિંગમાં ઉપસ્થિત જીએસટીના ડેપ્યુટી કમિશનર હિતેશ દેસાઈએ ઉદ્યોગકારો પ્રત્યે હકારાત્મક અભિગમ દર્શાવતા જણાવ્યું હતું કે, કોઈપણ સાચા અને પ્રમાણિક કરદાતાએ ગભરાવાની જરૂર નથી. નોટિસ અંગેની કોઈ પણ મૂંઝવણ કે ચોક્કસ જાણકારી માટે તેઓ સીધી જ જીએસટી કચેરીની મુલાકાત લઈ શકે છે. તેમણે જીએસટી કાયદાની કલમ 16(2)(સી) ની ટેકનિકલ બાબતો સમજાવતા સ્પષ્ટ કર્યું હતું કે, ઇનપુટ ટેક્સ ક્રેડિટ (આટીસી) મેળવવા માટેની આ અત્યંત મહત્વપૂર્ણ શરત છે. સરળ શબ્દોમાં કહીએ તો, ખરીદનારને તે માલ કે સેવા પરની આઈટીસી ત્યારે જ મળવાપાત્ર થાય છે, જ્યારે સપ્લાયર (વેપારી) દ્વારા તે ટેક્સ ખરેખર સરકારની તિજોરીમાં જમા કરાવવામાં આવ્યો હોય. જોકે, તેમણે ઉદ્યોગકારોને આશ્વાસન આપતા ઉમેર્યું હતું કે, સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સરકાર પણ માને છે કે સાચા કરદાતાને કોઈપણ ભોગે મુશ્કેલી ન પડવી જોઈએ. આ દિશામાં સરકાર ટૂંક સમયમાં એક સ્પષ્ટ એસઓપી પણ બનાવી શકે છે. અંતમાં અધિકારીઓએ ઉદ્યોગકારોના વ્યક્તિગત પ્રશ્નો સાંભળીને તેના કાયદાકીય જવાબો પણ આપ્યા હતા, જેનાથી પ્રશ્નની ગંભીરતા વચ્ચે પણ સંવાદનો એક સેતુ બંધાયો હતો.


