
એક તરફ બ્રાસ સ્ક્રેપના ભાવ આસમાને અને ૭૦ ટકા ઉદ્યોગો મરણપથારીએ, બીજી તરફ શંકર ટેકરી ઉદ્યોગ એસોસિએશનના નેતાઓ મુંબઈના ‘બ્રાસ મેક ભારત’ એક્ઝિબિશનના નામે સુમેર ક્લબમાં રાજકીય મેળાવડા અને મિજબાનીઓ માણવામાં મસ્ત.
જામનગર:
બધી ચમકતી ચીજ સોનું નથી હોતી, અને જામનગરના પ્રખ્યાત બ્રાસ ઉદ્યોગની વર્તમાન વાસ્તવિકતા પણ આ કહેવતને સંપૂર્ણપણે સાર્થક કરે છે. જે ઉદ્યોગ પોતાના ઉત્પાદનો થકી દર વર્ષે કરોડો રૂપિયા સરકારી તિજોરીમાં ટેક્સ સ્વરૂપે ઠાલવે છે, તે જ ઉદ્યોગના એસોસિએશનના નેતાઓ અત્યારે માત્ર રાજકીય પક્ષો અને સત્તાધીશોની શરણમાં જઈને સિમ્પથી મેળવવામાં વ્યસ્ત છે. ભૂતકાળમાં એક એક્સ્પો સંપૂર્ણપણે ફ્લોપ રહ્યા બાદ, હવે ફરીથી મુંબઈના ગોરેગાંવ ખાતે માર્ચ ૨૦૨૭માં ‘બ્રાસ મેક ભારત’ નામનું નવું એક્ઝિબિશન યોજવાની જાહેરાત કરવામાં આવી છે. આ એક્ઝિબિશનના બહાને છેક ૧૦-૧૧ મહિના અગાઉ એટલે કે ૧૬મી મે ના રોજ જામનગરની સુમેર સ્પોર્ટ્સ ક્લબ ખાતે જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન દ્વારા એક ભવ્ય VIP લોન્ચિંગ સેરેમની અને રાત્રિભોજનનો તાયફો યોજવામાં આવ્યો. આ મોટા ગજાના નેતાઓના મતે જાણે ઉદ્યોગમાં કોઈ મંદી જ નથી અને બધું જ બરાબર ચાલી રહ્યું છે તેવો ભ્રમ ઊભો કરવામાં આવી રહ્યો છે. હકીકતમાં, આ રાજકીય મેળાવડાઓમાં નાના કદના ઉદ્યોગકારોની પીડા કે તેમની ચિંતા વિશે સ્ટેજ પરથી અપાતા ભાષણોમાં એક શબ્દ પણ ઉચ્ચારવામાં આવતો નથી, જે નેતાઓની વાસ્તવિકતા પ્રત્યેની ઉદાસીનતા છતી કરે છે.

આ ભવ્ય ઉજવણીઓની પાછળની કાળી સચ્ચાઈ એ છે કે જામનગર બ્રાસ પાર્ટ ઉદ્યોગના ૭૦ ટકાથી વધુ કારખાનેદારો આજે સંપૂર્ણપણે પાયમાલ થવાના આરે ઉભા છે. આ પાયમાલીનું મુખ્ય કારણ એસોસિએશનની પીતળના ભંગારના બજાર ભાવ નક્કી કરતી ‘રેટ કમિટી’ અને ટેલિગ્રામ પર ચાલતો B2B સટ્ટો છે. આ બોગસ ટેલિગ્રામ ચેનલો મારફતે પીતળના ભંગારના ભાવમાં મોટા પાયે મેનિપ્યુલેશન કરવામાં આવે છે અને કાળાબજારિયાઓ દ્વારા બોગસ વેચાણ દર્શાવીને ભાવને સોના-ચાંદીની પેઠે આસમાને પહોંચાડી દેવામાં આવ્યા છે. ઉદ્યોગ વર્તુળોમાં એવી સઘન ચર્ચા છે કે શંકર ટેકરી ઉદ્યોગ એસોસિએશનના અમુક મોટા માથાઓ જ પિત્તળ ભંગારના આ ગોરખધંધા અને સટ્ટાખોરી સાથે સીધી રીતે સંકળાયેલા છે. આ હોદ્દેદારો ટેલિગ્રામની બોગસ ચેનલોમાં ઉતાર ચઢવાનો દાવ રમીને મલાઈ તારવી રહ્યા છે અને કાયમી ધોરણે ઘી-કેળાની મોજ માણી રહ્યા છે. પરિણામે, સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગ તરીકે જાણીતા જામનગરના બ્રાસ ઉદ્યોગના નાના કારખાનેદારો માટે મોંઘીદાટ સોનાની લગડી જેવો પીતળનો ભંગાર ખરીદવો અને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું અશક્ય બની ગયું છે.

વર્તમાન સમયમાં જ્યારે એક બાજુ વૈશ્વિક સ્તરે યુદ્ધનું સંકટ મંડરાઈ રહ્યું છે અને તેના પરિણામે ઉદ્યોગોમાં વપરાતા ગેસ, પેટ્રોલ અને ડીઝલની અછત તેમજ રો-મટીરીયલના ભાવ ભડકે બળી રહ્યા છે, ત્યારે ઉદ્યોગના નેતાઓએ આ ગંભીર પરિસ્થિતિનો સામનો કરવા મેદાને આવવું જોઈએ. ખરેખર તો આ સમય લઘુ ઉદ્યોગકારોને પડતી આર્થિક અને ઔદ્યોગિક મુશ્કેલીઓના નિવારણ માટે ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરવાનો અને સરકારી તંત્ર સાથે નક્કર મીટિંગો યોજવાનો છે. પરંતુ, તેનાથી તદ્દન વિપરીત, એ જ એસોસિએશનના પદાધિકારીઓને અત્યારે માત્ર એક્ઝિબિશનના નામે ભવ્ય લોન્ચિંગ સેરેમનીઓ, રાજકીય સ્વાગત-સત્કારના કાર્યક્રમો અને VIP ભોજનની લુફ્ત માણવામાં જ રસ જાગ્યો છે. શું ઉદ્યોગ નગરના એસોસિએશનના મોટા હોદ્દેદારોનું આ જ વિઝન છે? નાના કારખાનેદારોના પરસેવાની કમાણી અને તેમના અસ્તિત્વના ભોગે જ્યારે નેતાઓ પોતાના રાજકીય રોટલા શેકતા હોય અને મિજબાનીઓ ઉડાવતા હોય, ત્યારે આ પ્રકારના મેળાવડાઓને કોઈપણ રીતે યોગ્ય ઠેરવી શકાય નહીં. આખી પરિસ્થિતિ જામનગરના બ્રાસ ઉદ્યોગના ભવિષ્ય માટે અત્યંત ચિંતાજનક અને નિરાશાજનક ચિત્ર રજૂ કરી રહી છે.


