નરેશ પટેલ-જયેશ રાદડિયા વચ્ચેની ‘ખટાશ’થી પાટીદાર સમાજ ચિંતિત..: મા ખોડલ, સમાજના બંને માંધાતા પર આશિર્વાદ વરસાવે…

કાઠિયાવાડમાં કહેવત છે ‘પોદળો પડે તો ધૂળ ઉપડે’ : બંને આગેવાનોના ક્ષેત્ર જુદાં છે, બંને પોતાના ક્ષેત્રમાં ‘ખેતી’ કરે: એક જ સમાજના બે સ્થંભ ટકરાય તો, આખરે નુકસાન સમગ્ર સમાજને સહેવું પડે: બંને અગ્રણીઓ સાથે બેસી, મા ખોડલના ધામમાં લાપસી-લાડવા આરોગી લ્યે એવી સમગ્ર પાટીદાર સમાજની અંતરની ભાવના

જામનગર મિરર, તા.10: સૌરાષ્ટ્રના પાટીદાર રાજકારણ અને સહકારી ક્ષેત્રના અડીખમ અગ્રણી જયેશ રાદડીયા અને પાટીદારોના શ્રધ્ધાકેન્દ્ર ખોડલધામના ચેરમેન નરેશ પટેલ વચ્ચે, સાત સાત વર્ષથી એક અંતર છે અને ભૂતકાળમાં સંપ સલાહના પ્રયાસ છતાં આ અંતર ઘટવાને બદલે હવે વધી ગયું હોય, સમગ્ર લેઉવા પાટીદાર સમાજ ચિંતિત છે, સમાજના મોભીઓ સહિત સૌ શુભેચ્છકો અંતરથી એવું ઈચ્છે છે કે, બંને અગ્રણીઓ સંપી જાય કેમ કે આ પ્રકારના મતભેદ અને મનભેદ અંતે તો સમગ્ર સમાજને નુકસાન કરતાં હોય છે. કાઠિયાવાડમાં કહેવત છે જ કે, પોદળો પડે તો ધૂળ ઉપડે, એટલે કે આ પ્રકારની ‘લડાઈ’ બંને પક્ષે અને સરવાળે સમગ્ર સમાજને નુકસાન પહોંચાડી શકતી હોય છે. અખબારો આ અગ્રણીઓ વચ્ચેના મનભેદને ‘ઠંડુ યુદ્ધ’ લેખાવી શકે એવી સ્થિતિ નિર્માણ થઈ ચૂકી છે. બંને બળિયા છે અને બંને પોતાના સમાજમાં અને સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે વજન ધરાવે છે. બંને અગ્રણીઓના ક્ષેત્ર પણ અલગ છે. જયેશ રાદડીયા રાજકાજનો જીવ છે અને નરેશ પટેલ અત્યાર સુધી સમાજ સંગઠક તરીકે ઉભરી આવ્યા છે. જયેશ રાદડીયાની સહકારી ક્ષેત્રમાં ધાક છે અને ખોડલધામ નિર્માણ કરીને નરેશ પટેલ સમગ્ર પટેલ સમાજમાં મોભી બની ગયા છે. આ બંને માંધાતાઓની એકજૂથ તાકાત પાટીદાર સમાજને વધુ શક્તિશાળી બનાવી શકે, તેને બદલે બંને મહાનુભાવો સાત સાત વર્ષથી સામસામા દાવ ખેલી રહ્યા હોય, સમગ્ર પાટીદાર સમાજ ચિંતિત છે. ભૂતકાળમાં નરેશ પટેલ વિધાનસભા ચૂંટણીઓ વખતે જયેશ રાદડીયાને નડેલા, જો કે તેમ છતાં જયેશ રાદડીયા ચૂંટણીમાં વિજેતા બન્યા હતાં. ત્યારબાદ દેશની સૌથી મોટી ખાતર સહકારી મંડળી ઈફકોની ચૂંટણીઓ વખતે જયેશ રાદડીયા ભાજપાનો મેન્ડેટ ધરાવતાં ઉમેદવારને પરાજિત કરી જાયન્ટ સાબિત થયા એ પહેલાં નરેશ પટેલ આ ચૂંટણીઓમાં પણ રાદડીયાની સામેના ઉમેદવારને છૂપા આશિર્વાદ આપી ચૂક્યા હતાં એવી જે ચર્ચાઓ છે, તેના કારણે આ બંને મહાનુભાવો વચ્ચેનું અંતર અને કડવાશ વધી ગયાનું બહાર આવ્યું છે. એમ કહેવાય છે કે, નરેશ પટેલ નજીકના મનાતા કુંભાણીના ખાતરના કારખાનામાંથી રાજકોટ જિલ્લાની સહકારી મંડળીઓએ ખાતર ખરીદવાનું બંધ કરી દીધું છે. જયેશ રાદડીયા તરફથી આ ‘વળતો દાવ’ હોવાની ચર્ચાઓ ઉઠી છે. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, ભૂતકાળમાં જયેશ રાદડીયાનો એક વીડિયો વાયરલ થયેલો જેમાં તેમણે કહેલું કે, સમાજ અને રાજકારણ બે અલગ બાબતો છે. જેણે રાજકારણ કરવું હોય, તેણે અમારી જેમ મેદાનમાં આવવું જોઈએ. આ વીડિયો પણ ઘણાં સમયથી ચર્ચાઓમાં છે. અત્રે એ પણ નોંધનીય છે કે, જયેશ રાદડીયાએ ભાજપાને પણ પોતાની તાકાત ઈફકો ચૂંટણીઓ વખતે દેખાડી દીધી હતી. એ સમયે દેશના પ્રથમ સહકારિતા મંત્રી અમિત શાહને આ ગમ્યું ન હતું. ચર્ચાઓ તો ઘણાં પ્રકારની ચાલતી રહેતી હોય છે પરંતુ લેઉવા પટેલ સમાજના શુભચિંતકો સૌ અંતરથી એવી ભાવના રાખી રહ્યા છે કે, જયેશ રાદડીયા અને નરેશ પટેલ મા ખોડલના ધામમાં સાથે બેસી માતાજીના પ્રસાદ તરીકે લાપસી અથવા લાડવા આરોગે. સૌ ઈચ્છે છે કે, સમાજના તમામ આગેવાનોની શક્તિઓ આંતરિક જૂથબંધીને બદલે સમાજને વધુ ને વધુ ઉપયોગી થાય.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles