સ્થાનિક અને બહારગામના તત્વો દ્વારા ભાડાના શેડ રાખી બોગસ બિલિંગ કૌભાંડથી સરકારને કરોડોનો ચૂનો; મંદીના માહોલમાં સ્થાનિક ઉદ્યોગકારોની લોકલ હેરફેર ઠપ્પ, ચેકિંગ હજુ ૮-૧૦ દિવસ ચાલવાનુ અનુમાન.

જામનગર શહેરના ઔદ્યોગિક હબ સમાન દરેડ જીઆઈડીસી (GIDC) વિસ્તારમાં આજે વહેલી સવારથી જ સ્ટેટ જીએસટી (GST) વિભાગ દ્વારા ૨૨થી વધુ વાહનોના વિશાળ કાફલા સાથે ત્રાટકીને ઐતિહાસિક મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવતા પિત્તળના ભંગાર સહિતના નાના-મોટા કારખાનેદારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
ઉદ્યોગનગરના આધારભૂત સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી પ્રાથમિક માહિતી અનુસાર, બહારગામથી આવેલા કેટલાક ભેજાબાજ તત્વોએ જામનગરના દરેડ વિસ્તારમાં માત્ર ભાડાના શેડ રાખીને તેને પોતાના ધંધાકીય સ્થળ તરીકે દર્શાવી, બોગસ GST નંબર મેળવી લીધા હતા. આ લેભાગુ તત્વોએ કાગળ પર જ મોટા પાયે ખોટી વેરાશાખ (ઇનપુટ ટેક્સ ક્રેડિટ) ઉભી કરીને સરકારી તિજોરીને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડ્યો હોવાની આશંકાએ આ વ્યાપક દરોડાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

આ કૌભાંડના મૂળિયાં ખૂબ ઊંડા હોવાથી આગામી આઠથી દસ દિવસ સુધી આ જ પ્રકારે બોગસ પેઢીઓ અને ભાડાના એકમો બતાવીને ગેરરીતિ આચરનારા ધંધાર્થીઓને ઝડપી લેવા સઘન તપાસનો ધમધમાટ યથાવત રહેશે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.એક તરફ વૈશ્વિક મંદી અને આસમાને પહોંચેલી મોંઘવારીના કારણે જામનગરનો બ્રાસપાર્ટ ઉદ્યોગ આર્થિક સંકળામણનો સામનો કરી રહ્યો છે, ત્યારે બીજી તરફ GST વિભાગના આ મેગા ચેકિંગે સ્થાનિક અને પ્રામાણિક કારખાનેદારો માટે જાણે કે ‘દાઝ્યા પર ડામ’ દીધો હોય તેવી અત્યંત કફોડી સ્થિતિ નિર્માણ કરી છે.
વ્યાપક દરોડાના ભય અને સઘન તપાસના માહોલને પગલે ઉદ્યોગનગરમાં કાચા અને તૈયાર માલની લોકલ હેરફેર સંપૂર્ણપણે અટકી ગઈ છે, જેનાથી દૈનિક વ્યાપારિક ગતિવિધિઓ પર ગંભીર બ્રેક વાગી છે. સરકારી તિજોરીને નુકસાન પહોંચાડતા કરચોરોને ડામવા માટે લેવાયેલું આ પગલું કડક અને જરૂરી છે, પરંતુ સતત ચાલનારા આ મેરાથોન સર્ચ ઓપરેશનના કારણે જામનગરના સમગ્ર ઔદ્યોગિક જગતમાં હાલ પૂરતો ભારે સન્નાટો અને વ્યાપારિક અનિશ્ચિતતાનો માહોલ છવાઈ ગયો છે.


