જિલ્લા પોલીસવડા સહિતનો પોલીસ કાફ્લો દોડતો થયો: મુસ્લિમ સમાજના આગેવાનો જી.જી. હોસ્પિટલે દોડી આવ્યા
બેડી વિસ્તારમાં બાઈક લઈને રોઝું ખોલવા જતા હતા દરમિયાન અજાણ્યા શખ્સો એ પથ્થર મારો કર્યા પછી છરી જેવા હથિયારો સાથે તૂટી પડ્યા.

જામનગર તા ૧૩, જામનગરના મુસ્લિમ વાઘેર સમાજના આગેવાન અને જાણીતા એડવોકેટ હારુન પલેજાની બેડી વિસ્તારમાં મોડી સાંજે સરા જાહેર હત્યા નિપજાવાતાં ભારે તંગદિલી ફેલાઈ છે. જિલ્લા પોલીસવડા સહિતનો પોલીસ કાફલો દોડતો થયો છે, અને હત્યારાઓને શોધવા માટેની દોડધામ શરૂ કરાઈ છે. જામનગરના મુસ્લિમ સમાજમાં પણ માતમ છવાયો છે. આ ચકચારજનક બનાવની વિગતો એવી છે કે જામનગરના બેડેશ્વર વિસ્તારમાં રહેતા અને વાઘેર સમાજના અગ્રણી તેમજ જાણીતા એડવોકેટ હારુનભાઈ પલેજાની બેડી વિસ્તારમાં સરાજાહેર હત્યા નીપજાવાતાં મુસ્લિમ સમાજમાં માતમ છવાયો છે.

એડવોકેટ હારુન પલેજા સાંજે સાડા છ વાગ્યાના અરસામાં પોતાનું બુલેટ મોટરબાઈક લઈને બેડેશ્વર વિસ્તારમાં આવેલી વાછાણી ઓઇલ મીલ પાસેથી પસાર થઈ રહ્યા હતા, અને રોઝું ખોલવા માટે જઈ રહ્યા હતા, તે દરમિયાન સૌ પ્રથમ તેમના ઉપર પથ્થરમારો થયો હતો.

જેથી તેઓ મોટરસાયકલ પરથી નીચે પડી ગયા હતા. ત્યારબાદ કેટલાક શખ્સો છરી જેવા ધારદાર હથીયાર સાથે ધસી આવ્યા હતા, અને તેમના પર હીચકારો હુમલો કરી દેતાં લોહી લોહાણ થઈને ઢળી પડ્યા હતા. આ ઘટના બાદ તેઓના ભત્રીજા વોર્ડ નંબર ૧ના કોંગી કોર્પોરેટર નૂરમહંમદ પલેજા અને અન્ય મિત્રો દ્વારા તાત્કાલિક અસરથી સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે પહોંચાડ્યા હતા, પરંતુ ત્યાં માત્ર તેઓનો મૃતદેહ જ પહોંચ્યો હતો, અને તબીબો દ્વારા તેમનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કરાતાં આ બનાવ હત્યામાં પલટાયો હતો. આ ઘટનાની જાણ થતાં મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ મૃતકના અન્ય સમર્થકો વગેરે જી.જી. હોસ્પિટલમાં દોડી આવ્યા હતા, અને ભારે તંગદીલી ભર્યું વાતાવરણ બની ગયું હતું.

હત્યાના બનાવની જાણ થતાં જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ સૌપ્રથમ જી.જી. હોસ્પિટલમાં અને ત્યારબાદ જે વિસ્તારમાં બનાવ બન્યો હતો, ત્યાં પહોંચ્યા હતા, અને જાત નિરીક્ષણ કર્યું હતું. જેઓની સાથે શહેર વિભાગના ડી.વાય. એસ.પી. જયેન્દ્રસિંહ ઝાલા, સીટી બી. ડિવિઝનના પી.આઇ. એચ.પી. ઝાલા તથા અન્ય સ્ટાફ, એલ.સી.બી. ની ટુકડી વગેરે ઘટના સ્થળે દોડી ગયા હતા. તેમજ જી.જી. હોસ્પિટલમાં પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ હત્યા પ્રકરણમાં બેડી વિસ્તાર ના નામચીન સાયચા બંધુઓ અથવા તો તેના મળતીયાઓ સંડોવાયેલા છે કે કેમ, તે દિશામાં પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરાયા છે. અને હાલ આ બનાવ સમયે સાયચા પરિવાર અને તેના માળતીયાઓ વગેરે તમામના મકાનો ને તાળા લાગી ગયા છે, અને તેઓ સૌ ભાગી છૂટયા છે. સમગ્ર પ્રકરણમાં પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે.


