સરકારી ભંડોળ ઉચાપત કેસમાં શંકાસ્પદ ડીન સામે ઢીલી નીતિ દાખવનાર પોલીસ અધિકારીઓ સામે ગૃહ તથા આરોગ્ય વિભાગને કડક કાર્યવાહીનો આદેશ
જામનગરની સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાં ચાલતા ‘રોગી કલ્યાણ સમિતિ’ના ફંડમાં રૂપિયા ૧,૩૬,૧૯,૩૫૦/- ની ઉચાપતનું એક અત્યંત ગંભીર કૌભાંડ સપાટી પર આવ્યું છે, જેણે સમગ્ર વહીવટી તંત્રમાં ખળભળાટ મચાવી દીધો છે. આ ચકચારગ્રસ્ત કેસમાં ઝડપાયેલા આસિસ્ટન્ટ હોસ્પિટલ એડમિનિસ્ટ્રેટર (કોન્ટ્રાક્ટ કર્મી) શોભિત રાજેન્દ્રપ્રસાદ ગર્ગ દ્વારા કરવામાં આવેલી રેગ્યુલર જામીન અરજીને જામનગરના ત્રીજા એડિશનલ સેશન્સ જજ શ્રી રસિકકુમાર વી. મંગાણીની અદાલતે સખત વલણ અપનાવીને નામંજૂર કરી દીધી છે.
ન્યાયાધીશે સ્પષ્ટપણે નોંધ્યું છે કે, દર્દીઓની સારવાર તેમજ આઉટસોર્સ કર્મચારીઓના પગાર માટે ફાળવવામાં આવતી સરકારી ગ્રાન્ટની રકમ આરોપીએ પોતાના સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના અંગત ખાતામાં ટ્રાન્સફર કરી હોવાના પ્રાથમિક અને સજ્જડ પુરાવાઓ હોવાથી, આવા ગંભીર આર્થિક ગુનામાં આરોપીને જામીન મુક્ત કરવો ન્યાયના હિતમાં જરાય ઉચિત નથી. સરકારી તિજોરીને સીધું નુકસાન પહોંચાડનાર આ સુનિયોજિત ષડયંત્રમાં માત્ર નીચલા સ્તરના કર્મચારીઓ જ નહીં, પરંતુ ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા પણ હવે શંકાના ઘેરામાં આવી ગઈ છે.
આ કૌભાંડની કાર્યપદ્ધતિ (મોડસ ઓપરેન્ડી) અને તેમાં સંસ્થાના સર્વોચ્ચ અધિકારીની કથિત સંડોવણી અત્યંત ચોંકાવનારી છે. ધરપકડ પૂર્વે આરોપી શોભિત ગર્ગે ડીએસપીને આપેલી અરજીમાં ઘટસ્ફોટ કર્યો હતો કે, ડેન્ટલ કોલેજના ડીન નયનાબેન પટેલની સીધી સૂચનાથી જ તેમના દ્વારા સહી કરાયેલા ચેક બેંકમાં જમા કરાવવામાં આવ્યા હતા.
કોર્ટ સમક્ષ રજૂ કરાયેલા દસ્તાવેજી પુરાવાઓ અનુસાર, નવેમ્બર ૨૦૨૫ થી એપ્રિલ ૨૦૨૬ના સમયગાળા દરમિયાન કુલ ૧૫ ચેકો તેમજ RTGS અને પોઝીટીવ પે સિસ્ટમ (PPS) ફોર્મ પર ડીન નયનાબેન પટેલે સહીઓ કરી હતી.ડીને પોતાના બચાવમાં ‘પોતે કોરા ચેક પર સહી કરી હતી’ તેવો લૂલો બચાવ રજૂ કર્યો હતો, જેને કોર્ટે ફગાવી દેતા આકરા શબ્દોમાં જણાવ્યું હતું કે કોઈપણ D.D.O. (ડ્રોઇંગ એન્ડ ડિસ્બર્સિંગ ઓફિસર) સરકારી નાણાંના વહીવટ માટે કોરા ચેક પર ક્યારેય સહી ન કરે. વધુમાં, સુનાવણી વેળાએ ડીન નયનાબેન પટેલના વકીલે સહ-આરોપીની જામીન પ્રક્રિયામાં દખલગીરી કરવાનો પ્રયાસ કરતા કોર્ટે લાલ આંખ કરી હતી અને સ્પષ્ટ કર્યું હતું કે ડીન ખુદ આ કેસમાં મુખ્ય શંકાસ્પદ આરોપી છે. સરકારી ભંડોળ લૂંટાયું હોવાથી અહીં અસલી ભોગ બનનાર (Victim) સરકાર છે, જેથી ડીનને આ પ્રક્રિયામાં ભાગ લેવાનો કોઈ કાનૂની અધિકાર રહેતો નથી. આ તમામ હકીકતો સ્પષ્ટ કરે છે કે ડીનની સીધી મિલીભગત વિના ૧.૩૬ કરોડ રૂપિયાનું આ મસમોટું આર્થિક કૌભાંડ આચરવું અશક્ય છે.આ સમગ્ર પ્રકરણમાં સૌથી વધુ શરમજનક અને ચિંતાજનક પાસું પોલીસ તંત્રની શંકાસ્પદ કામગીરી અને નિષ્ક્રિયતા છે.
ગત ૧૯ મે ૨૦૨૬ના રોજ FIR દાખલ થયા બાદ અત્યાર સુધીમાં પીએસઆઇ એસ.જી. કેશવાલા, આર.કે. ખલીફા અને આર.બી. ઠાકોર એમ ત્રણ અલગ-અલગ અધિકારીઓએ તપાસ હાથ ધરી હોવા છતાં, કોઈએ મુખ્ય શંકાસ્પદ એવા ડીન નયનાબેન પટેલ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની હિંમત દાખવી નથી. કોર્ટે જયારે આ ભેદી નિષ્ક્રિયતા અંગે પોલીસ પાસે ખુલાસો માંગ્યો ત્યારે કોઈ પણ અધિકારી સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા. આથી ન્યાયાલયે અત્યંત ગંભીર અવલોકન કરતા નોંધ્યું છે કે તપાસ અધિકારીઓ પર કોઈ રાજકીય કે મોટા માથાઓનું ભારે દબાણ હોઈ શકે છે અથવા તેઓ કોઈ અંગત સ્વાર્થ ખાતર ડીનને બચાવી રહ્યા હોવાની પ્રબળ શંકા છે. ન્યાયતંત્રએ પોલીસની આ શંકાસ્પદ કામગીરી અને કૌભાંડની ગંભીરતાને ધ્યાને લઈને એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. કોર્ટે પોતાના આદેશની નકલ ગાંધીનગર સ્થિત ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ અને આરોગ્ય વિભાગના સચિવને મોકલી આપી છે, જેથી ફરજમાં બેદરકારી અને નિષ્ક્રિયતા દાખવનાર કસૂરવાર પોલીસ અધિકારીઓ તેમજ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા ડીન સામે તાત્કાલિક ધોરણે કડક કાયદેસરની અને ખાતાકીય કાર્યવાહી સુનિશ્ચિત કરી શકાય.


