બે વર્ષથી ગુમ પતિની બેવફા પત્ની અને પ્રેમીએ સાયનાઇડ આપી કરી હતી ક્રૂર હત્યા: દરેડના કારખાનામાં ૧૫ ફૂટ ઊંડે દાટેલા અવશેષો શોધવા પોલીસ અને એફએસએલ (FSL)નું મેગા સર્ચ ઓપરેશન
છેલ્લા બે વર્ષથી જામનગર શહેરમાં એક સામાન્ય ‘ગુમશુદા’ તરીકે નોંધાયેલો કેસ અચાનક જ એક હચમચાવી મૂકતા અને સનસનાટીભર્યા મર્ડર મિસ્ટ્રીમાં પરિવર્તિત થતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. પોલીસની ઝીણવટભરી તપાસમાં એવો ધ્રુજાવી દેનારો ઘટસ્ફોટ થયો છે કે, બે વર્ષ પૂર્વે ગુમ થનાર યુવાન જીગ્નેશ માધવજીભાઈ માવદીયા ક્યાંય ગાયબ નહોતો થયો, પરંતુ તેના જ ઘરમાં રમાયેલી એક ભયાનક ખૂની ખેલનો શિકાર બન્યો હતો. આ લોમહર્ષક હત્યાકાંડની મુખ્ય સૂત્રધાર અન્ય કોઈ નહીં, પરંતુ મૃતકની પોતાની જ પત્ની પૃથ્વી માવદીયા અને તેનો પ્રેમી નિલેશ મનસુખભાઈ કછેટીયા નીકળ્યા છે. અનૈતિક પ્રેમસંબંધોમાં આડખીલી રૂપ બનતા પતિને કાયમ માટે રસ્તા પરથી હટાવી દેવા માટે આ પ્રેમી પંખીડાઓએ એક અત્યંત ખતરનાક અને પૂર્વયોજિત કાવતરું ઘડી કાઢ્યું હતું, જેનો પર્દાફાશ થતાં ભલભલાના રૂંવાડાં ઊભાં થઈ ગયા છે.આ શાતિર કાવતરાને અંજામ આપવા માટે પત્ની અને તેના પ્રેમીએ એક અત્યંત ક્રૂર રીત અપનાવી હતી.

પ્રાથમિક પોલીસ તપાસમાં ખૂલેલી વિગતો અનુસાર, જીગ્નેશને વિશ્વાસમાં લઈને દારૂની મહેફિલમાં બોલાવવામાં આવ્યો હતો અને તે શરાબના પ્યાલામાં જીવલેણ ‘સાયનાઇડ’ ઝેર ભેળવીને તેને બેરહેમીથી મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. હત્યા કર્યા બાદ પોતાના પાપને છુપાવવા અને પુરાવાનો સંપૂર્ણ નાશ કરવા માટે બંને આરોપીઓએ મૃતદેહને દરેડ વિસ્તારમાં આવેલા એક સૂમસામ કારખાનામાં લઈ જઈ, અંદાજે ૧૨ થી ૧૫ ફૂટ જેટલો ઊંડો ખાડો ખોદીને જમીનમાં દફનાવી દીધો હતો.

આ જઘન્ય અપરાધ આચર્યા બાદ પણ પત્ની પૃથ્વીના ચહેરા પર કોઈ જ શિકન નહોતી. તેણે પોતાના સાસરિયાં અને સમાજને ગેરમાર્ગે દોરવા માટે એક અત્યંત કાલ્પનિક સ્ટોરી ઊભી કરી હતી. તે સતત બે વર્ષ સુધી સૌને એવું જ કહેતી રહી કે તેનો પતિ નોકરી અર્થે ‘ઓસ્ટ્રેલિયા’ ગયો છે અને ત્યાંની કડક કંપનીના નિયમો મુજબ તેને મોબાઈલ ફોન રાખવાની કે વાત કરવાની સખત મનાઈ છે.જોકે, પાપનો ઘડો અંતે ફૂટીને જ રહે છે, તેમ આ શાતિર પત્નીની બે વર્ષથી ચાલતી બોગસ સ્ટોરીનો અંત મૃતકના ભાઈ અશોક ધરમશીભાઈ માવદીયાની દૃઢ શંકાના આધારે આવ્યો હતો. અશોકભાઈએ જ્યારે પોતાના ભાઈ સાથે વાત કરાવવા માટે ભારે દબાણ કર્યું અને જો તેમ ન થાય તો પોલીસના શરણે જવાની ચીમકી ઉચ્ચારી, ત્યારે પૃથ્વી અંદરથી ડરી ગઈ હતી.

પરિણામે, પોલીસની કડક પૂછપરછમાં પત્ની ભાંગી પડી હતી અને સમગ્ર ષડયંત્રનો કાચો ચિઠ્ઠો ખુલી ગયો હતો. હાલમાં, આરોપીઓની કબૂલાત અને તેમના દ્વારા દર્શાવવામાં આવેલા દરેડના કારખાનાના સ્થળે જામનગર પોલીસ અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ના નિષ્ણાતોની ટીમે સંયુક્ત રીતે મેગા ખોદકામ ઓપરેશન હાથ ધર્યું છે. જમીનમાં દફન થયેલા માનવ અવશેષોને બહાર કાઢી તેની સઘન વૈજ્ઞાનિક ચકાસણીની કવાયત શરૂ કરી દેવામાં આવી છે. પોલીસે પૃથ્વી અને નિલેશ સામે હત્યા, પુરાવા નષ્ટ કરવા અને કાવતરું ઘડવા સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહીને વધુ વેગવંતી બનાવી છે.


