જામનગર સરકારી ડેન્ટલ હોસ્પિટલમાં રૂ. ૧.૩૬ કરોડનું કૌભાંડ: ડીનની ભૂમિકા શંકાના ઘેરામાં

૧૫ ચેક પર ડીનની અસલ સહી અને સરકારી નાણાકીય પ્રક્રિયાના ઉલ્લંઘન છતાં તપાસ કરી રહેલા ત્રણ પોલીસ અધિકારીઓ દ્વારા મુખ્ય આરોપીને બચાવવાના પ્રયાસોથી કોર્ટ નારાજ

આગામી ૨૭ જુલાઈ સુધીમાં ખુલાસો નહીં કરાય તો ગૃહ અને આરોગ્ય સચિવને રિપોર્ટ કરવાની કડક ચીમકી.

ડીન તરફથી વકીલ અન્ય આરોપીની જામીન અરજીની સુનાવણીમાં કેવી રીતે હાજર રહી શકે, તે મુદ્દે પણ કોર્ટે ગંભીર નોંધ લઈ વકીલ પાસે સ્પષ્ટતા માંગી

જામનગરની સરકારી ડેન્ટલ હોસ્પિટલમાં થયેલા રૂ. ૧,૩૬,૧૯,૩૫૦ ના સરકારી ફંડના ઉચાપત કેસમાં જામનગરના ત્રીજા એડિશનલ સેશન્સ જજ દ્વારા એક અત્યંત કડક અને ઐતિહાસિક હુકમ પસાર કરાયો છે. આ કેસમાં તપાસ કરનાર ત્રણ પોલીસ અધિકારીઓ (પી.એસ.આઇ. એસ.જી. કેશવાલા, આર.કે. ખલીફા અને આર.બી. ઠાકોર) દ્વારા મુખ્ય સાઇનિંગ ઓથોરિટી અને કોલેજના ડીન નયનાબેન પટેલને આરોપી ન બનાવવા અંગે કોર્ટે ગંભીર નારાજગી વ્યક્ત કરી છે.

કોર્ટે સ્પષ્ટપણે નોંધ્યું છે કે, પોલીસ અધિકારીઓ પર કોઈ ઉચ્ચ અધિકારીઓનું દબાણ હોવાની અથવા વ્યક્તિગત ફાયદા માટે ડીનને બચાવવામાં આવી રહ્યા હોવાની પ્રબળ શંકા છે. આ ગંભીર બેદરકારી બદલ કોર્ટે ત્રણેય તપાસ અધિકારીઓને આગામી ૨૭ જુલાઈ, ૨૦૨૬ ના રોજ રૂબરૂ હાજર રહી ખુલાસો કરવા આદેશ કર્યો છે, અને જો સંતોષકારક જવાબ નહીં મળે તો ગાંધીનગર ખાતે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ અને આરોગ્ય વિભાગના સચિવને કડક કાર્યવાહી માટે લેખિત રિપોર્ટ કરવાની સ્પષ્ટ ચીમકી આપી છે.

આ સમગ્ર કૌભાંડની કાર્યપ્રણાલી અને દસ્તાવેજી પુરાવાઓ તપાસતા કોર્ટે નોંધ્યું છે કે, તારીખ ૧૮/૧૧/૨૦૨૫ થી ૦૨/૦૪/૨૦૨૬ ના ૬ મહિનાના સમયગાળા દરમિયાન કુલ ૧૫ ચેકો દ્વારા લાખો રૂપિયા ટ્રાન્સફર થયા હતા. આશ્ચર્યની વાત એ છે કે માત્ર બે ચેકમાં જ ચેડાં થયા હોવાનું જણાયું છે, જ્યારે બાકીના ૧૩ ચેક પર ડીનની અસલ સહીઓ છે અને તેમાં કોઈ સુધારા-વધારા કે છેકછાક નથી.

કોર્ટે ડીનના એ બચાવને પણ સદંતર ફગાવી દીધો છે કે તેમણે ‘બ્લેન્ક ચેક’ (કોરા ચેક) પર સહી કરી હતી; કારણ કે કોઈપણ સરકારી ડી.ડી.ઓ. વેન્ડરના પાકા બિલ મંજૂર થયા વિના અને આર.ટી.જી.એસ. તથા ‘પ્રોમિસ ટુ પે’ ફોર્મની સંપૂર્ણ ચકાસણી કર્યા વિના ક્યારેય સહી કરતા નથી.

વધુમાં, આરોપી શોભિત ગર્ગે ૧૯/૦૫/૨૦૨૬ ના રોજ જિલ્લા પોલીસ અધિક્ષકને આપેલી અરજીમાં પણ સ્પષ્ટ કર્યું હતું કે તેણે માત્ર ડીનની સૂચનાથી અને તેમણે સહી કરીને આપેલા ચેકો જ પોતાના અને અન્ય ખાતામાં જમા કરાવ્યા હતા, જે દર્શાવે છે કે ડીનની સીધી સંડોવણી વિના આટલું મોટું સરકારી ફંડ સગેવગે કરવું બિલકુલ અશક્ય છે.પોલીસની તપાસની દિશા પર સવાલ ઉઠાવવાની સાથે કોર્ટે કાનૂની પ્રક્રિયામાં થયેલી ગંભીર અનિયમિતતા પર પણ ધ્યાન દોર્યું છે.

અદાલતની પૂર્વ મંજૂરી મેળવ્યા વિના જ, આ કેસમાં જેમને મુખ્ય આરોપી બનાવવાના પ્રસ્તાવિત છે તેવા સાક્ષી (ડીન) તરફથી વકીલ દ્વારા અન્ય આરોપીની જામીન અરજીની સુનાવણીમાં કેવી રીતે હાજર રહી શકે, તે મુદ્દે પણ કોર્ટે ગંભીર નોંધ લઈ વકીલ પાસે સ્પષ્ટતા માંગી છે.

સરકારી તિજોરીના હિસાબોનું દર મહિને ક્રોસ-ચેકિંગ થતું હોવા છતાં ૬ મહિના સુધી આ ગેરરીતિઓ ચાલુ રહી, તે બાબત તપાસ એજન્સીની કામગીરી અને ડીનની ભૂમિકા સામે મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા કરે છે. હવે આગામી ૨૭મી તારીખની નિર્ણાયક સુનાવણીમાં ત્રણેય પોલીસ અધિકારીઓ અને ડીનના વકીલ કોર્ટ સમક્ષ શું બચાવ રજૂ કરે છે, તેના પર સમગ્ર કેસ અને ભવિષ્યની કાર્યવાહીનો મોટો દારોમદાર રહેશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles