જામનગરમાં મેકડોનાલ્ડ્સની ગંભીર બેદરકારી: કોલ્ડ્રિંકના નામે ગ્રાહકોને પધરાવ્યું ‘ગરમ કાળું પાણી’, ભારે હોબાળા બાદ રિફંડ ચૂકવાયું

દરેડ જીઆઇડીસી ફેસ-2 સ્થિત બ્રાન્ચમાં કોકના નામે ગેસ વિનાનું કાળું પાણી અપાતા ગ્રાહકોનો રોષ; આખરે મેનેજરે પોતાના પર્સનલ ગૂગલપેથી ૧૦થી વધુ ગ્રાહકોને નાણાં પરત કરવા પડ્યા

1434639

જામનગરના દરેડ જીઆઇડીસી ફેસ-૨ વિસ્તારમાં આવેલી દેશની નામાંકિત ફૂડ બ્રાન્ડ મેકડોનાલ્ડ્સ (McDonald’s) કાફેમાં ગ્રાહકો સાથે ખુલ્લેઆમ છેતરપિંડી થતી હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ગ્રાહકોએ ૧૩૧ રૂપિયા ચૂકવીને ‘મેક સેવર વેજી મિલ બર્ગર કોમ્બો’ ખરીદ્યો હતો, જેમાં તેમને કોલ્ડ્રિંક (કોક) ના ગ્લાસમાં અસલ કોકને બદલે ગેસ વિનાનું, ઠંડાની જગ્યાએ ગરમ એવું માત્ર ‘કાળું પાણી’ પધરાવી દેવામાં આવ્યું હતું.

1434963

આ ગંભીર બેદરકારી અંગે ઉપસ્થિત રેસ્ટોરન્ટ સંચાલકને ફરિયાદ કરી પીણું બદલવાની માંગ કરવામાં આવી હતી. જોકે, વારંવાર ગ્લાસ બદલાવ્યા બાદ પણ પરિસ્થિતિમાં કોઈ સુધારો ન થતાં અને ગ્રાહકોને એકનું એક જ સ્વાદહીન કાળું પાણી પીરસવામાં આવતાં ગ્રાહકોની ધીરજ ખૂટી હતી. આખરે છેતરાયાનો અહેસાસ થતાં ગ્રાહકોએ રિફંડ માટે આગ્રહ કર્યો હતો, પરંતુ સંચાલકે શરૂઆતમાં આનાકાની કરી રિફંડ આપવાનો સ્પષ્ટ ઇનકાર કરતા મામલો ગરમાયો હતો અને ઉશ્કેરાયેલા ગ્રાહકોએ રેસ્ટોરન્ટમાં ભારે રોષ ઠાલવી હોબાળો મચાવ્યો હતો.

1434951

ગ્રાહકોના ઉગ્ર વિરોધ અને હોબાળાને પગલે આખરે રેસ્ટોરન્ટ મેનેજમેન્ટ હરકતમાં આવ્યું હતું. હાર્ડકેસ્ટલ રેસ્ટોરન્ટ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા સંચાલિત આ રેસ્ટોરન્ટમાં મેનેજમેન્ટનું કામ જોતા ભાર્ગવ નડિયાપરા નામના વ્યક્તિને આખરે ગ્રાહકો સમક્ષ ઝૂકવું પડ્યું હતું. પરિસ્થિતિ વણસતી જોઈને તેમણે ફરજિયાતપણે પોતાના પર્સનલ ગૂગલપે એકાઉન્ટમાંથી અંદાજીત ૧૦થી વધુ ગ્રાહકોને તમામ નાણાં રિફંડ કરવાની નોબત આવી હતી. આ સમગ્ર ઘટનાને નજરે જોનારા અન્ય ઉપસ્થિત ગ્રાહકોમાં પણ ભારે ગણગણાટ જોવા મળ્યો હતો. લોકોમાં એવી ચર્ચા જાગી હતી કે જો દેશની આવી ટોપ લેવલની પ્રતિષ્ઠિત ફૂડ બ્રાન્ડની રેસ્ટોરન્ટમાં પણ આવી ‘લાલિયાવાડી’ ચાલતી હોય અને ગ્રાહકોના નાણાં સાથે ચેડાં કરી તેમને છેતરપિંડીનો ભોગ બનાવવામાં આવતા હોય, તો ગુણવત્તા અને ગ્રાહક સેવાના મોટા દાવાઓનો કોઈ અર્થ રહેતો નથી. આ ઘટનાએ આંતરરાષ્ટ્રીય ફૂડ ચેઇનની વિશ્વસનીયતા સામે મોટા પ્રશ્નાર્થ ઊભા કર્યા છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles