spot_img

જામનગરના રક્ષસી વ્યાજ વસુલાત કેસમા મોટો વળાંક, વેપારીને ઝેર પીવા મજબૂર કરનાર ધર્મેશ રાણપરીયા સહિતના પાંચેય આરોપીઓની જામીન અરજી નામદાર સેશન્સ કોર્ટે ફગાવી

રૂ. ૪૦ લાખ વ્યાજ સહિત ચૂકવ્યા છતાં વધુ નાણાં માટે ૨૦ દિવસ ગોંધી રાખી, મશીનરી અને કાર પડાવી, ખોટા કેસો કરી પરિવારને હેરાન કરતાં હોવાના ગંભીર આરોપો વચ્ચે કોર્ટનો મહત્વનો હુકમ

જામનગર શહેરના બ્રાસપાર્ટ ઉદ્યોગ જગતને હચમચાવી દેનારા વ્યાજખોરી અને માનસિક ત્રાસ આપી વેપારીને મરવા માટે મજબૂર કરવાના અત્યંત ગંભીર ગુનામાં સંડોવાયેલા તમામ આરોપીઓની જામીન અરજીને નામદાર સેશન્સ અદાલતે સખત વલણ અપનાવીને રદ કરી દીધી છે. આ કેસની વિગતો મુજબ, જામનગર ખાતે રહેતા અને બ્રાસપાર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા પીડિત વેપારી લાલજીભાઈ મારકણાએ પોતાના ધંધાકીય જરૂરિયાતો માટે શહેરના ધર્મેશભાઈ રાણપરીયા, જેઠાભાઈ હાથલીયા, ઉપેન્દ્રભાઈ ચાંદ્રા, કીરીટભાઈ ગંઢા અને હરીશભાઈ ગંઢા પાસેથી અલગ-અલગ સમયે વ્યાજે નાણાં લીધા હતા.

ફરિયાદી પક્ષના આરોપો અનુસાર, લાલજીભાઈએ લીધેલી મૂળ રકમ અને તેનું તોતિંગ વ્યાજ મળીને કુલ રૂ. ૪૦ લાખ જેવી માતબર રકમ ચૂકવી દીધી હોવા છતાં, આરોપીઓની પૈસાની ભૂખ સંતોષાઈ ન હતી. મુખ્ય આરોપી ધર્મેશભાઈ રાણપરીયાએ ૧૦ થી ૧૨ ટકા જેટલું માસિક વ્યાજ વસૂલ્યા બાદ પણ, જ્યારે લાલજીભાઈની આર્થિક સ્થિતિ કથળી અને તેઓ વધુ પૈસા ચૂકવી શક્યા નહીં, ત્યારે ધર્મેશભાઈએ તેમને પોતાના ગોડાઉન ખાતે બળજબરીપૂર્વક ૨૦ દિવસ સુધી ગોંધી રાખી, જાનથી મારી નાખવાની ધમકી આપીને તેમના કારખાનાની તમામ કિંમતી મશીનરી પણ પડાવી લીધી હતી.

આ ઉપરાંત, અન્ય આરોપી જેઠાભાઈ હાથલીયા દ્વારા લાલજીભાઈને સતત ફોન પર ધમકીઓ આપી પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી, જ્યારે ઉપેન્દ્રભાઈ ચાંદ્રાએ તેમની માલિકીની એકસયુવી કાર પડાવી લીધી હતી. આટલેથી ન અટકતાં, કીરીટભાઈ ગંઢા અને હરીશભાઈ ગંઢાએ લાલજીભાઈ પર દબાણ લાવવાના બદઈરાદાથી તેમના સગા-સંબંધીઓ પર ચેક રિટર્નના ખોટા કેસો દાખલ કરી દીધા હતા. ચારેય બાજુથી આર્થિક, માનસિક અને શારીરિક ત્રાસ, મિલકતો અને ધંધાની લૂંટ તથા પરિવારની હેરાનગતિથી ભાંગી પડેલા અને ભૂખમરાની સ્થિતિમાં ધકેલાઈ ગયેલા લાલજીભાઈએ અંતે જીવન ટૂંકાવવાનો નિર્ણય કર્યો અને ગત તા. ૨૫/૦૯/૨૦૨૫ના રોજ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

તેમણે લખેલી સ્યુસાઇડ નોટમાં આ તમામ આરોપીઓના નામ અને તેમના દ્વારા આચરવામાં આવેલા ત્રાસની સંપૂર્ણ વિગતોનો ઉલ્લેખ કર્યો હતો. આ બનાવ બાદ લાલજીભાઈના પત્ની સુધાબેન દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી હતી. કોર્ટ સમક્ષ જામીન અરજીની સુનાવણી દરમિયાન, આરોપી પક્ષે આ કેસને ખોટો ગણાવી વ્યવહારોના લખાણો રજૂ કર્યા હતા, જેની સામે ફરિયાદી પક્ષના વકીલોએ ધારદાર દલીલો કરતાં જણાવ્યું કે આરોપીઓએ માત્ર મુદ્દલ અને વ્યાજ જ નહીં, પરંતુ પીડિતનો આખો ધંધો, મશીનરી અને મિલકતો પણ પડાવી લીધી છે અને તેમને મૃત્યુના મુખમાં ધકેલી દીધા છે, તથા અમુક આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ છે..

ફરિયાદી પક્ષે સ્યુસાઇડ નોટને ટાંકીને કહ્યું કે “મરતો માણસ ખોટું ન બોલે”. બંને પક્ષોની દલીલો અને કેસના રેકર્ડ પર રહેલા પુરાવાઓને ધ્યાને લઈ, નામદાર સેશન્સ અદાલતે ગુનાની ગંભીરતાને પારખીને તમામ આરોપીઓની જામીન અરજીઓને રદ કરવાનો હુકમ કર્યો હતો. આ કેસમાં મૂળ ફરિયાદી લાલજીભાઈ મારકણા અને તેમના પત્ની સુધાબેન વતી વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવસિંહ આર. ગોહિલ, નિતેષ મુછડીયા તથા કરણ પટેલ હાજર રહ્યા હતા.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles