spot_img

જામનગરના બ્રાસપાર્ટ વેપારી ઓનલાઈન ટ્રેડિંગ ફ્રોડનો શિકાર બન્યા, ઊંચા વળતરની લાલચમાં ગુમાવ્યા રૂ. ૧.૮૭ કરોડ ગુમાવ્યા

વોટ્સએપ પર સંપર્ક કરી, સાત મહિના સુધી કટકે-કટકે રોકાણ કરાવ્યા બાદ ઠગ ટોળકી ફરાર; સાયબર ક્રાઇમ પોલીસે તપાસ મધ્યપ્રદેશ, હૈદરાબાદ અને મુંબઈ સુધી લંબાવી

જામનગર શહેર અને જિલ્લામાં ઓનલાઈન નાણાકીય છેતરપિંડીના બનાવોમાં ચિંતાજનક ઉછાળો જોવા મળી રહ્યો છે, ત્યારે વધુ એક મોટા ગજાના ફ્રોડનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં જામનગર તાલુકાના ઠેબા ગામમાં રહેતા અને બ્રાસપાર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા એક વેપારીને ઓનલાઈન ટ્રેડિંગમાં મોટા નફાની લાલચ આપી એક કુખ્યાત સાયબર ઠગ ટોળકીએ પોતાની માયાજાળમાં ફસાવ્યા હતા. આ ઠગ ટોળકીએ વેપારી પાસેથી સાત મહિનાના લાંબા સમયગાળા દરમિયાન કટકે-કટકે કરીને કુલ રૂ. ૧,૮૭,૪૪,૪૦૭ જેવી માતબર રકમનું રોકાણ કરાવી લીધું હતું અને ત્યારબાદ અચાનક કંપની અને એકાઉન્ટ બંધ કરી દઈ સમગ્ર રકમ પચાવી પાડી હતી.

આ સમગ્ર મામલે ભોગ બનનાર વેપારીએ જામનગર સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને તપાસનો દોર મધ્યપ્રદેશ, હૈદરાબાદ તેમજ મુંબઈ જેવા રાજ્યો સુધી લંબાવવામાં આવ્યો છે, જેમાં એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી સઘન પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે.

આ બનાવની વિગતવાર માહિતી મુજબ, જામનગર તાલુકાના ઠેબા ગામના રહેવાસી અને બ્રાસપાર્ટના વેપારી કૌશિકભાઈ જયસુખભાઈ અગ્રાવતે જામનગર સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેમની સાથે આ છેતરપિંડીની શરૂઆત ગત જાન્યુઆરી માસમાં થઈ હતી, જ્યારે તેમના વોટ્સએપ નંબર પર એક અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો. આ મેસેજમાં એક ટ્રેડિંગ કંપનીની પ્રોફાઈલ મોકલવામાં આવી હતી અને સંપર્ક કરનાર વ્યક્તિએ પોતાને ટ્રેડિંગ એડવાઈઝર તરીકે ઓળખાવી હતી. તેણે કૌશિકભાઈને સિલ્વર, ગોલ્ડ અને પ્લેટિનમ જેવી આકર્ષક મેમ્બરશીપ સ્કીમમાં નાણાંનું રોકાણ કરવાથી ટૂંકા ગાળામાં ખૂબ ઊંચું વળતર અને મોટો નફો મળવાની લાલચ આપી હતી.

શરૂઆતમાં વિશ્વાસ કેળવવા માટે ઠગ ટોળકીએ કૌશિકભાઈને નાના રોકાણથી શરૂઆત કરાવી અને તેમને એક વોટ્સએપ પ્રોફાઈલમાં એવું બતાવવાનું શરૂ કર્યું કે તેમના દ્વારા રોકાયેલી રકમ પર મોટો નફો જમા થઈ રહ્યો છે. આભાસી નફો જોઈને કૌશિકભાઈ વધુને વધુ રોકાણ કરવા માટે પ્રોત્સાહિત થયા અને સાયબર ઠગોની યોજના મુજબ તેઓએ જામનગરમાં આવેલી પોતાની બેંકના ખાતામાંથી ઠગો દ્વારા આપવામાં આવેલા મહારાષ્ટ્રની એક બેંકના એકાઉન્ટમાં જાન્યુઆરીથી જુલાઈ માસ સુધીમાં અલગ-અલગ સમયે ટુકડે-ટુકડે કરીને કુલ રૂ. ૧,૮૭,૪૪,૪૦૭ ની રકમ ટ્રાન્સફર કરી દીધી હતી.

સાત મહિના સુધી રોકાણ કરાવ્યા બાદ, જુલાઈ માસમાં અચાનક જ તે કંપનીની વેબસાઈટ અને વોટ્સએપ એકાઉન્ટ બંધ થઈ ગયું અને ઠગોનો સંપર્ક પણ કપાઈ ગયો. આથી, કૌશિકભાઈને પોતાની સાથે મોટી નાણાકીય છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તેમણે તાત્કાલિક જામનગર સાયબર ક્રાઇમ પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો અને પોતાની સાથે થયેલ સમગ્ર ઘટનાની વિગતવાર ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કૌશિકભાઈ અગ્રાવતની ફરિયાદના આધારે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ ની કલમ ૩૧૬(૫), ૩૩૬(૩), ૩૧૮(૪), ૬૧(૨) તથા આઇટી એક્ટની કલમ ૬૬(સી) અને ૬૬(ડી) મુજબ ગુનો નોંધીને તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આ હાઈ-પ્રોફાઈલ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જામનગર પોલીસની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બેંકિંગ ટ્રાન્ઝેક્શનની વિગતોના આધારે તપાસનો દોર ત્રણ રાજ્યો – મધ્યપ્રદેશ, હૈદરાબાદ અને મુંબઈ સુધી લંબાવ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ તપાસ દરમિયાન એક શંકાસ્પદ વ્યક્તિને હિરાસતમાં લેવામાં આવ્યો છે અને તેની સઘન પૂછપરછ ચાલી રહી છે, અને નજીકના ભવિષ્યમાં જ આ મોટા ઓનલાઈન ફ્રોડના મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવામાં જામનગર સાયબર ક્રાઇમ પોલીસને સફળતા મળશે તેવી પ્રબળ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles