મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ સંપન્ન, મતગણતરી શરૂ; આજે રાત્રે ‘પ્રગતિશીલ સૂર્ય’ વિરુદ્ધ ‘હિતકારી ત્રિશૂળ’નું ભાવી નક્કી થશે, ઉદ્યોગ જગતમાં ભારે ઉત્સુકતા
*જામનગરના બ્રાસ ઉદ્યોગના કેન્દ્ર સમા દરેડ GIDC પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશનની ૨૧ કારોબારી બેઠકો માટેનો ચૂંટણીજંગ આજે સાંજે ૫ વાગ્યે ઐતિહાસિક અને વિક્રમી મતદાન સાથે પૂર્ણ થયો છે. આ ચૂંટણીમાં ઉદ્યોગકારોએ જબરજસ્ત ઉત્સાહ દર્શાવતા, કુલ ૧૮૪૬ મતદારો પૈકી ૧૬૪૯ સભ્યોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે, જે ૯૦% જેટલું રેકોર્ડબ્રેક મતદાન છે અને GIDCના ઇતિહાસમાં સૌથી વધુ નોંધાયેલું મતદાન છે. મતદાન પૂર્ણ થતાં જ ગણતરીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આજના મતદાનને કારણે ઉદ્યોગકારોમાં જબરદસ્ત જાગૃતિ અને પરિવર્તન પ્રત્યેની ઉત્સુકતા જોવા મળી છે. બંને મુખ્ય પેનલો, ‘પ્રગતિશીલ પેનલ’ (સૂર્ય પ્રતીક) અને ‘ઉદ્યોગિક હિતકારી પેનલ’ (ત્રિશૂળ પ્રતીક), તરફથી સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ છે. ચૂંટણી પંચની ઉત્તમ કામગીરીને કારણે મતદાન વ્યવસ્થાપન સુચારુ રીતે પાર પડ્યું હતું. હવે સમગ્ર ઉદ્યોગ જગતની નજર પરિણામ પર ટકેલી છે, જે આજે રાત્રે જ જાહેર થવાની શક્યતા છે. આ વિક્રમી મતદાન સૂચવે છે કે ઉદ્યોગકારો વર્તમાન શાસકોના સાત વર્ષના શાસન અને તેની નીતિઓ પર સ્પષ્ટ જનાદેશ આપવા માંગતા હતા, અને હવે મતગણતરીના પરિણામો નક્કી કરશે કે ઉદ્યોગકારોએ ‘સૂર્ય’ના શાસનને પુનરાવર્તિત કર્યું છે કે પછી ‘ત્રિશૂળ’ના રૂપમાં ઉદ્યોગના વિકાસ માટે નવા નેતૃત્વને તક આપી છે. ઉંચા મતદાનના કારણે રાજકીય પંડિતોમાં એવી ચર્ચા છે કે આ મતદાન પરિવર્તન તરફ ઈશારો કરે છે, પરંતુ અંતિમ ફેંસલો તો મતગણતરી બાદ જ સ્પષ્ટ થશે.


