spot_img

જામનગરની ધર્મપ્રિય જનતા માટે ખુશખબર: લોટસ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ‘સરગમ નવરાત્રી મહોત્સવ ૨૦૨૫’નું ભવ્યાતિભવ્ય આયોજન

જામનગર શહેરમાં નવલા નોરતાના પાવન પર્વની ઉજવણી માટે તડામાર તૈયારીઓ

પ્રાચીન સંસ્કૃતિના વારસાને જીવંત રાખવા ૧૪૨ બાળાઓ કરશે માં ભગવતીની આરાધના, પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે દસ દિવસીય મહોત્સવમાં હજારો નગરજનો મ્હાણશે ગરબાની મોજ

જામનગર શહેરમાં નવલા નોરતાના પાવન પર્વની ઉજવણી માટે તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે, ત્યારે શહેરની અગ્રગણ્ય સેવાભાવી સંસ્થા, લોટસ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ફરી એકવાર ‘સરગમ નવરાત્રી મહોત્સવ ૨૦૨૫’નું ભવ્ય અને જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. તારીખ ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૫, સોમવારથી લઈને તારીખ ૧ ઓક્ટોબર ૨૦૨૫, બુધવાર સુધી, શહેરના સાત રસ્તા પાસે આવેલા વિશાળ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે આ દસ દિવસીય મહોત્સવ યોજાશે, જ્યાં દરરોજ રાત્રે ૮:૩૦ કલાકે માં જગદંબાની આરાધના અને રાસ-ગરબાની રમઝટ જામશે.

આ મહોત્સવ આપણી ભાતીગળ અને પ્રાચીનતમ સંસ્કૃતિના વૈભવને ઉજાગર કરવાના ઉમદા હેતુ સાથે આયોજિત કરવામાં આવ્યો છે, જેમાં જામનગરની ધર્મપ્રિય જનતાને પારિવારિક માહોલમાં ગરબા મહોત્સવ માણવા માટે નિ:શુલ્ક પ્રવેશ આપવામાં આવશે. લોટસ ચેરીટેબલ ટ્રસ્ટ, જે સમગ્ર વર્ષ દરમિયાન યુવાનોમાં વ્યક્તિત્વ વિકાસ, સામાજિક, શૈક્ષણિક, આરોગ્યલક્ષી અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ જેવી કે તાલીમ વર્ગો, મેડિકલ કેમ્પ અને શિબિરોનું આયોજન કરે છે તથા જેની શિરમોર સેવા વિનામૂલ્યે અંતિમ યાત્રા રથની છે, તે સંસ્થા દ્વારા આપણા સાંસ્કૃતિક વારસાના જતન માટે આ ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.

આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ભરતભાઈ ઢોલરીયા, શૈલેષભાઈ પટેલ, બીપીનભાઈ સોરઠીયા, જમનભાઈ બાબીયા, હેમંતભાઈ દોમડીયા અને અરવિંદભાઈ કોડીનારીયાના માર્ગદર્શન હેઠળ નવરાત્રી કન્વીનર તરીકે રાજનભાઈ મુંગરા, સુનીલભાઈ પટેલ, મયુરભાઈ ઠેસીયા, હસમુખભાઈ રાબડીયા, ભાવેશભાઈ કાનાણી, અલ્કેશભાઈ કપુરીયા અને ચંદુભાઈ સાંગાણી સહિતની સમગ્ર પ્રોજેક્ટ ટીમ અને વિવિધ વ્યવસ્થા કમિટીના ચેરમેનો ખભેખભા મિલાવીને જહેમત ઉઠાવી રહ્યા છે.

આયોજનની વિશિષ્ટતાઓ પર નજર કરીએ તો, મહોત્સવ માટે ૬૦ × ૬૦ ફૂટનું વિશાળ સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું છે, જેના પર જગદંબા સ્વરૂપ ૧૪૨ જેટલી દીકરીઓ માં ની આરાધના કરશે. આ બાળાઓને પાંચ અલગ-અલગ ગ્રુપમાં વિભાજીત કરવામાં આવી છે અને છેલ્લા બે મહિનાથી પણ વધુ સમયથી ૩૧ થી વધુ અવનવા રાસ-ગરબાઓની તાલિમ લઈ રહી છે, જેમાં ‘રૂણઝૂણ બાજે ઘૂઘરા’, ‘માડી તારા અઘોર નગારા વાગે’, ‘ડાકલા પેરોડી’ અને ‘ક્રિષ્ના મેડલી’ જેવા પરંપરાગત અને આકર્ષક ગરબાઓનો સમાવેશ થાય છે.

આ સમગ્ર રાસ-ગરબાની કોરિયોગ્રાફી પાછળ બે માસથી વધુ સમયની મહેનત કરવામાં આવી છે. મહોત્સવ માણવા આવનાર ૬ થી ૭ હજાર નાગરિકો શાંતિપૂર્વક બેસીને ગરબા નિહાળી શકે તે માટે સુંદર બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત, શહેરના સંતો-મહંતો, રાજકીય અગ્રણીઓ, પદાધિકારીઓ, અધિકારીઓ, ઉદ્યોગપતિઓ, ડોક્ટરો, દાતાઓ, આમંત્રિત મહેમાનો અને પત્રકાર મિત્રો માટે પણ વિશેષ બેઠક વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે.

સમગ્ર આયોજન સ્થળની સુરક્ષા માટે ૨૫ થી વધુ પ્રાઇવેટ સિક્યોરિટી ગાર્ડ્સ અને ૧૫ થી વધુ સ્વયંસેવકોની ટીમ તૈનાત રહેશે, તેમજ સમગ્ર એરેનાને ૧૦ થી વધુ સી.સી.ટી.વી. કેમેરાથી સુસજ્જ કરવામાં આવ્યું છે જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને. નગરજનોની સુવિધા માટે વાહન પાર્કિંગની પણ નિ:શુલ્ક વ્યવસ્થા કરવામાં આવી છે અને કોઈ પણ પ્રકારની ઇમરજન્સીને પહોંચી વળવા માટે ગ્રાઉન્ડ પર મેડિકલ ટીમ પણ સજ્જ રહેશે.

આ વર્ષનું ખાસ આકર્ષણ એ છે કે, ગુજરાતના જાહેર નવરાત્રી કાર્યક્રમોમાં પ્રથમવાર જામનગરમાં ૫૪ × ૧૪ ફૂટની વિરાટ એલઈડી સ્ક્રીન પર ગરબાઓનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે, જે દર્શકોને એક અનોખો અને અવિસ્મરણીય અનુભવ પ્રદાન કરશે. એટલું જ નહીં, જય કેબલ દ્વારા આ મહોત્સવનું જીવંત પ્રસારણ કરવામાં આવશે તથા વિદેશ કે અન્ય શહેરોમાં વસતા સ્નેહીજનો પણ www.jaycable.com વેબસાઈટ પર ઓનલાઈન આ કાર્યક્રમ લાઈવ માણી શકશે. આમ, લોટસ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ‘સરગમ નવરાત્રી મહોત્સવ ૨૦૨૫’ સંસ્કૃતિ, સુરક્ષા અને સુવિધાઓના સુભગ સમન્વય સાથે જામનગરના નવરાત્રી ઇતિહાસમાં એક સુવર્ણ પ્રકરણ ઉમેરવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles