૬ એપ્રિલ -આજે રામ નવમી ના પાવન પર્વ સાથે દેશના સૌથી ધનાઢ્ય પરિવારના સુપુત્ર અનંત અંબાણીનો આજે જન્મદિવસ દ્વારકા નગરીમાં હર્ષોલ્લાસભેર ઉજવાયો. સનાતન ધર્મ પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવતા અનંત અંબાણીએ તેમના નિવાસસ્થાન રિલાયન્સ ગ્રીન્સથી રાજાધિરાજ ભગવાન શ્રી દ્વારકાધીશ મંદિર સુધીની ૧૦૦ કિલોમીટરની પદયાત્રા રામનવમીના પાવન દિને સંપન્ન કરી હતી, અને આજે તેમના જન્મદિવસે દ્વારકામાં ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પદયાત્રાને ઠેર-ઠેર દ્વારકા તેમજ આસપાસના વિસ્તારના રહેવાસીઓએ ઉમળકાભેર વધાવી હતી.દ્વારકા ખાતેના સનાતન ધર્મના જગદગુરુ શંકરાચાર્યજીના શ્રી શારદામઠમાંથી બ્રહ્મચારી નારાયણાનંદજીના નેતૃત્વમાં દ્વારકાના તમામ જ્ઞાતિ-સમાજો, હોટેલ એસોસિયેશન, વેપારી મંડળો, સામાજિક સંસ્થાઓ તથા નગરશ્રેષ્ઠીઓએ એકત્ર થઈને પદયાત્રાના આગમન પૂર્વે અનંત અંબાણીના ભવ્યાતિભવ્ય સ્વાગતની રૂપરેખા તૈયાર કરી હતી.અનંત અંબાણીએ પદયાત્રાના સમાપન પ્રસંગે પવિત્ર ગોમતીઘાટની મુલાકાત લઈને ગોમતીપૂજન કર્યું હતું તથા શારદાપીઠ ખાતે શ્રી પાદૂકાપૂજનનો લાભ લીધો હતો. આ ઉપરાંત બ્રહ્મચારી નારાયણાનંદજીના આશીર્વચન મેળવી તેમણે દ્વારકાધીશની ધજાનું પૂજન પણ કર્યું હતું.
આ પ્રસંગે જિલ્લા વહીવટીતંત્ર અને શ્રી દ્વારકાધીશ દેવસ્થાન સમિતિ દ્વારા તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું.છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલી અનંત અંબાણીની પદયાત્રાની પૂર્ણાહૂતિને વધાવવા દ્વારકાવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. જગતમંદિરને દૂરદૂરથી નિહાળી શકાય તે માટે સમગ્ર મંદિરને આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યું હતું. મંદિર પરિસરની સાથે ગર્ભગૃહને પણ આકર્ષક અને સુગંધીદાર પુષ્પોથી નયનરમ્ય રીતે સજાવવામાં આવ્યું હતું.આ પદયાત્રાના વધામણાં કરતાં રબારી-માલધારી સમાજના લોકોએ કાળિયા ઠાકરના ભક્ત અનંત અંબાણીનું પોતાના પારંપરિક અને સાંસ્કૃતિક વિધિ વિધાનથી સ્વાગત કર્યું હતું. અનંત અંબાણીના સ્વાગતમાં દૂરદૂરથી હાથી-ઘોડા લાવીને તેમની સુંદર સજાવટ કરવામાં આવી હતી, જેનાથી પદયાત્રાની શોભામાં અભિવૃદ્ધિ થઈ હતી.
આ પ્રસંગે ૪૦૦થી વધુ ઋષિકુમારો તથા ૨૫૦થી વધુ ભૂદેવો વેદોક્ત મંત્રોચ્ચાર સાથે મંગલગાન કરતા પદયાત્રામાં જોડાયા હતા અને મંદિર સુધી સાથે ચાલ્યા હતા. દ્વારકા નગરના જુદાજુદા ક્ષેત્રના કલાકારોએ પોતાની કલાના અદભુત પ્રદર્શન દ્વારા નગરને વિશેષ શોભા પ્રદાન કરી હતી.આ પ્રસંગે અંબાણી પરિવાર દ્વારા દ્વારકાના તમામ નગરજનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતાં તમામ જ્ઞાતિના આશરે ૧૦ હજાર જેટલા પરિવારના ૧ લાખથી વધુ સભ્યો માટે ભવ્ય પ્રસાદી સેવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત રામનવમીના પવિત્ર દિવસે દ્વારકાધીશના દર્શને આવેલા તમામ શ્રદ્ધાળુઓને અંબાણી પરિવાર તરફથી પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. જગતમંદિરના સ્વર્ગદ્વાર પર આવેલા અન્નક્ષેત્રમાં દિવસ દરમિયાન સતત અન્નસેવા ચાલુ રાખવામાં આવી હતી. એટલું જ નહીં, મંદિર પરિસરના આજુબાજુના તમામ વિસ્તારોમાં પણ દિવસ દરમિયાન પ્રસાદ સેવા અવિરતપણે ચાલુ રહી હતી.શારદાપીઠના નેતૃત્વમાં સ્થાનિક વહીવટીતંત્ર, નગરપાલિકા અને મંદિર પ્રશાસનનો સહયોગ, સમાજના તમામ વર્ગના લોકોનો સ્વયંભૂ ઉત્સાહ, ઉપસ્થિત સંતો-મહંતોના આશીર્વાદ અને આગેવાનોની શુભેચ્છાઓએ અનંત અંબાણીની પદયાત્રાની પૂર્ણાહૂતિના આ પ્રસંગને વધુ ગૌરવપૂર્ણ બનાવ્યો હતો.નોંધનીય છે કે, પદયાત્રાની પૂર્ણાહૂતિ પૂર્વે શારદાપીઠના બ્રહ્મચારી નારાયણાનંદજીએ દ્વારકાના તમામ જ્ઞાતિના આગેવાનોની એક બેઠક બોલાવીને અનંત અંબાણીનું ઉષ્માભર્યું સ્વાગત કરવા માટે અનુરોધ કર્યો હતો, જેને નગરના તમામ શ્રેષ્ઠીઓએ ઉમંગભેર સ્વીકારીને ઉત્સાહપૂર્વક અભૂતપૂર્વ સ્વાગત કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ ભવ્ય ઉજવણીએ દ્વારકા નગરીમાં એક અનેરો ઉત્સવનો માહોલ સર્જ્યો હતો.


