


મામલો ગોકુલનગર નજીકની ગંદી, મોટી અને ઉંડી કેનાલનો: સફાઈ કામદારો પાસે નિયમ વિરુદ્ધ કામો કરાવવામાં આવતાં હોય, એકાદ-બે દિવસમાં આવેદન સહિતના આકરાં પ્રત્યાઘાતો આપવાની યુનિ. પ્રમુખની ચેતવણી: જામનગર મિરરે જાણ કરતાં મેયર બોલ્યા..આવું તો ના હોવું જોઈએ, ચાલો વરણવાને ફોન કરી લઉં: કોર્પોરેટર (ધારાસભ્ય) કહે છે, આ કામથી અજાણ છું..સ્ટેન્ડિંગ ચેરમેન કોન્ટ્રાક્ટની વિગતો જાણતાં હોય…
જામનગર મિરર, તા.26: જામનગર મહાનગરપાલિકા દરેક કામમાં વિવાદો સર્જવા ટેવાયેલી છે. શાસકો અને અધિકારીઓને આ પદ્ધતિ જાણે કે અનુકૂળ આવી ગઈ છે. જેનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે, શહેરમાં પ્રિ મોન્સૂન કામગીરીઓ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હોવા છતાં ગંદી, ઉંડી અને જોખમી કેનાલોની સફાઈ કામગીરીઓ કોન્ટ્રાક્ટરના માણસો પાસે કરાવવાને બદલે દાદાગીરીથી સફાઈ કામદારો પાસે કરાવવામાં આવતી હોય, આ મામલે ભડકો થયો છે અને રાષ્ટ્રીય સફાઈ કર્મચારી મજદૂર યુનિયનના પ્રમુખે સ્પષ્ટ આરોપ લગાવ્યો છે કે, કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતથી કેનાલોની સફાઈના કોન્ટ્રાક્ટ બાબતે ઉઘાડો ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે. જામનગર શહેરમાં ગોકુલનગર- હરિયા કોલેજ વિસ્તારમાં એક ઉંડી અને જોખમી તથા ગંદકીથી ખદબદતી કેનાલ આવેલી છે, કોર્પોરેશને આ કેનાલની સફાઈનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો, આમ છતાં કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય કામગીરીઓ કરવામાં આવી ન હોય, મહાનગરપાલિકાએ યોગ્ય સુપરવિઝન કર્યું ન હોય, કાલે મંગળવારે ગંદકીથી ખદબદતી આ જોખમી કેનાલની સફાઈ કામગીરીઓ કોર્પોરેશનના સફાઈ કામદારોને સોંપવામાં આવી હતી જેથી સફાઈ કામદારોમાં ભારે નારાજગીઓ અને ગુસ્સો છે. સફાઈ કામદારોએ સલામતીના સાધનો વિના આ જોખમી કામગીરીઓ જીવના જોખમે કરવી પડી. આ મુદ્દે જામનગર મિરર સાથેની વાતચીતમાં યુનિયનના પ્રમુખ મહેશ બાબરિયાએ જણાવ્યું હતું કે, ગોકુલનગર મોહનનગર વિસ્તારમાં આશાપુરા હોટેલ નજીકની કેનાલની સફાઈ માટે કોર્પોરેશન દ્વારા અગાઉ કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવ્યું હતું. છતાં વોર્ડના સફાઈ કામદારો પાસે આ કેનાલ સફાઈની કામગીરીઓ કરાવવામાં આવે છે. જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી મહાનગરપાલિકા દ્વારા આ સફાઈ કામગીરીઓ બાબતે ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે. કેનાલ સફાઈના કોન્ટ્રાક્ટ આપવા છતાં કેનાલોની બરાબર સફાઈ કરવામાં આવતી નથી, અધિકારીઓને આ કોન્ટ્રાક્ટર બાબતે ફરિયાદ કરવામાં આવે છે ત્યારે અધિકારીઓ હડધૂત કરે છે અને કહે છે, કામ તો આમ જ થશે, તમારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરો. આ કેનાલ સફાઈ બાબતે રાષ્ટ્રીય સફાઈ કર્મચારી મજદૂર યુનિયનના પ્રમુખ મહેશ બાબરિયાએ વોર્ડ નંબર 8 ના એસ એસ આઈને ટેલિફોનિક રજૂઆત કરી હતી. એમના કહેવા પ્રમાણે, એમને ઉપરી અધિકારીઓએ આ સફાઈ કામગીરીઓ કરાવવા કહ્યું છે. આ સફાઈ કામગીરીઓ દરમિયાન સફાઈ કામદારોનું રક્ષણ શું ? સફાઈ કામદારો અહીં કામ કરતાં હોય એ દરમિયાન કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદારીઓ કોની ? આ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની તપાસ થવી જોઈએ. જામનગર મિરર દ્વારા આ મુદ્દે મેયર વિનોદભાઈ ખીમસૂર્યાનો ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવેલો અને આ હકીકત જણાવતાં મેયરે કહ્યું: આવું તો ના હોવું જોઈએ, ચાલો વરણવાને ફોન કરી લઉ . અત્રે ઉલ્લેખનિય છે કે, મુકેશ વરણવા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના મુખ્ય અધિકારી છે. જામનગર મિરર દ્વારા આ મુદ્દે આ વોર્ડના કોર્પોરેટર અને ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીનો પણ ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવ્યો હતો. તેઓએ જણાવ્યું કે, આ કામ તથા કોન્ટ્રાક્ટની શરતો, ટેન્ડર વગેરે અંગે તેઓ અજાણ છે, આ બધી બાબતોની જાણકારીઓ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને હોય છે. જામનગર મિરર દ્વારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનો ટેલિફોનિક સંપર્ક સાધવાનો પ્રયાસ કરવામાં આવેલો. તેઓ નેટવર્ક બહાર હતાં. ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલાનો પણ ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવેલો. તેઓ હાલ રજા પર છે. કમિશનરને પણ કોલ કરવામાં આવ્યો હતો પરંતુ તેઓનો સંપર્ક થઈ શક્યો ન હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, જામનગર મહાનગરપાલિકાની પ્રિ મોન્સૂન સહિતની સફાઈ કામગીરીઓ હંમેશા ચર્ચાસ્પદ અને વિવાદાસ્પદ રહે છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગનો બેફામ ભ્રષ્ટાચાર અનેકવખત શહેરમાં જુદી જુદી રીતે ગાજયો હોવા છતાં શાસકપક્ષ અને કમિશનરની કૃપાને કારણે આ વિભાગ વર્ષોથી ‘સલામત’ છે, જેના પર કયારેય આકરાં પગલાંઓની વીજળી ત્રાટકી નથી.
જામનગર મહાનગરપાલિકા દ્વારા ઊંડી કેનાલ સફાઈ કરાવવાનો વિવાદ: કર્મીઓના જીવન જોખમમાં!
સફાઈ કર્મચારી મંડળના પ્રમુખ મહેશ બાબરીયા દ્વારા જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓને સીધો સવાલ ઉઠાવવામાં આવ્યો છે, જેમાં તેમણે ઊંડી કેનાલની સફાઈ કરાવવાનું કામ સફાઈ કર્મીઓને સોંપવા બદલ ચિંતા વ્યક્ત કરી છે. આ કામ ખૂબ જ જોખમી હોવાનું જણાવીને, તેમણે કર્મચારીઓના જીવન-જોખમ ઉપર પ્રશ્ન ઉઠાવ્યો છે.પ્રમુખ બાબરીયા એ જણાવ્યું હતું કે, “મહાનગરપાલિકા દ્વારા ઊંડી કેનાલોની સફાઈ કરાવવા માટે સફાઈ કર્મીઓને મજબુર કરવામાં આવી રહ્યા છે. આ કામ ખૂબ જ જોખમી છે અને કોઈપણ ક્ષણે કોઈ દુર્ઘટના ઘટી શકે છે. શું કોર્પોરેશન કર્મચારીના મૃત્યુ કે ગંભીર ઈજા થવા બદલ જવાબદારી લેશે?”તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “આ કામ માટે યોગ્ય સલામતી સાધનો અને તાલીમ આપવામાં આવતી નથી. કર્મચારીઓને ખાડામાં ઉતરીને કચરો કાઢવાનું કામ સોંપવામાં આવે છે, જે ખૂબ જ ખતરનાક છે. શું કોર્પોરેશન કર્મચારીઓના જીવન કરતાં વધુ મહત્વ કચરાને આપે છે?”પ્રમુખ દ્વારા મહાનગરપાલિકાને ઊંડી કેનાલોની સફાઈ માટે યોગ્ય મશીનરીનો ઉપયોગ કરવા અને કર્મચારીઓને સુરક્ષા સાધનો અને તાલીમ આપવા માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે. આ મુદ્દા ઉપર ઘણો ગભરાટ ફેલાયો છે અને લોકો સફાઈ કર્મીઓના સમર્થનમાં આવી રહ્યા છે. મહાનગરપાલિકા દ્વારા આ મામલે શું નિર્ણય લેવામાં આવે છે તે જોવાનું બાકી છે.


