જામનગરમા આપ ની જનસભામાં ભયંકર હોબાળો: આપ નેતા ગોપાલ ઈટાલિયા પર ચાલુ ભાષણે જૂતું ફેંકાયું, રોષે ભરાયેલા કાર્યકર્તાઓએ હુમલાખોરને મેથીપાક ચખાડ્યો

જનસભા મા ટાઉનહોલમાં સ્ટેજ પર ભાષણ આપી રહેલા વિસાવદરના ધારાસભ્ય પર અચાનક હુમલો; ઈટાલિયાનો ગંભીર આરોપ – મારા પરના હુમલા પાછળ સામાન્ય નાગરિક નહીં પણ પોલીસ હોવાનો આરોપ

376263

જામનગરના રાજકીય માહોલમાં આજે સાંજે એક અણધારી અને અત્યંત નિંદનીય ઘટનાએ જોર પકડ્યું હતું, જ્યારે વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાની આગેવાની હેઠળ યોજાયેલી ‘ગુજરાત જોડો અભિયાન ના ભાગરૂપે રેલી બાદ ટાઉન હોલ મા જનસભા’ દરમિયાન ભારે અફરાતફરી મચી ગઈ હતી. રેલી પૂર્ણ થયા બાદ જામનગરના મ્યુનિસિપલ ટાઉન હોલ ખાતે આયોજિત આ જનસભામાં, જ્યારે ગોપાલ ઈટાલિયા સ્ટેજ પર ઉપસ્થિત રહીને માઈક પર જનમેદનીને પૂરા જોશ અને ઉત્સાહ સાથે સંબોધિત કરી રહ્યા હતા, ત્યારે અચાનક જ સભાખંડની શાંતિ ડહોળાઈ ગઈ હતી. સ્ટેજની બરાબર નીચે પ્રેક્ષકગણમાં બેઠેલા બ્લુ જીન્સ પહેરેલા એક અજાણ્યા શખ્સે પોતાની બાજુમાં પડેલું સફેદ રંગનું પગરખું (બુટ) ઉપાડીને વીજળીક વેગે અને પૂરી તાકાત સાથે સ્ટેજ પર ભાષણ આપી રહેલા ગોપાલ ઈટાલિયા તરફ નિશાન તાકીને ફેંક્યું હતું, જેના કારણે સભા મેદાન માં ઉપસ્થિત સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા.

376252

આ આકસ્મિક હુમલાની ઘટના બનતાની સાથે જ સભામાં સોપો પડી ગયો હતો અને સ્ટેજ પર હાજર નેતાઓમાં રોષ ફાટી નીકળ્યો હતો. આ તકે સ્ટેજ પર કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં તાજેતરમાં જોડાયેલા કાર્યકર અસલમ ખીલજી અને મહિલા અગ્રણી જેનબબેન ખફી પણ ઉપસ્થિત હતા. જેવું પેલું જૂતું સ્ટેજ પર આવ્યું કે તરત જ કાર્યકર જેનબબેન ખફી અને ત્યાં હાજર પબ્લિકનું ટોળું પેલા હુમલાખોર તરફ દોડી ગયું હતું. ઉશ્કેરાયેલા કાર્યકરો અને લોકોએ હુમલાખોરને ઘેરી લઈ ત્યાં ને ત્યાં જ મેથીપાક ચખાડવાનું શરૂ કરી દીધું હતું. પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ હતી કે ઉશ્કેરાયેલા ટોળાના હાથમાંથી પેલા યુવાનને બચાવવા માટે ત્યાં હાજર પોલીસ કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવવી પડી હતી અને ખાસ્સી મથામણ બાદ પોલીસ તેને ટોળાના મારથી બચાવીને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળ રહી હતી.

376181

આ સમગ્ર હાઈવોલ્ટેજ ડ્રામા બાદ ગોપાલ ઈટાલિયાએ મંચ પરથી અને બાદમાં મીડિયા સમક્ષ અત્યંત ગંભીર અને સનસનાટીભર્યા આક્ષેપો કર્યા હતા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં દાવો કર્યો હતો કે તેમના પર હુમલો કરનાર કે પથ્થરબાજી કરનાર કોઈ સામાન્ય અસામાજિક તત્વ નહીં પરંતુ પોલીસ તંત્ર સાથે સંકળાયેલો જ એક વ્યક્તિ છે. ઈટાલિયાએ પોતાના પર થયેલા આ હુમલાને એક પૂર્વયોજિત કાવતરાનો ભાગ ગણાવતા કહ્યું હતું કે, ભૂતકાળમાં પણ તેમના પર પથ્થરમારો થયો છે અને આજે જૂતું ફેંકવાની જે ઘટના બની છે તે વિરોધ પક્ષના અવાજને કચડી નાખવાનો એક હીન પ્રયાસ છે. તેમણે પોલીસ તંત્રની કામગીરી પર સવાલો ઉઠાવતા કહ્યું હતું કે જ્યારે એક ચૂંટાયેલા જનપ્રતિનિધિ પર જાહેરમાં આ રીતે હુમલાઓ થાય અને તેમાં સુરક્ષા વ્યવસ્થા જ શંકાના દાયરામાં હોય, ત્યારે લોકશાહીની ગરિમા જોખમાય છેઆ ઘટનાએ માત્ર જામનગર જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે, કારણ કે જાહેરસભામાં નેતા પર જૂતું ફેંકાવું અને ત્યારબાદ થયેલી મારામારીની ઘટના ચિંતાજનક છે.

376251

એક તરફ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આ ઘટનાને લઈને આક્રમક મૂડમાં છે અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે, તો બીજી તરફ પોલીસે હુમલાખોરની અટકાયત કરી તેની સઘન પૂછપરછ શરૂ કરી છે જેથી તેની ઓળખ અને આ કૃત્ય પાછળનો તેનો સાચો ઈરાદો જાણી શકાય. જોકે, ગોપાલ ઈટાલિયા દ્વારા પોલીસ પર જ લગાવવામાં આવેલા ગંભીર આરોપોને પગલે આ પ્રકરણ વધુ વિવાદાસ્પદ બન્યું છે અને આગામી દિવસોમાં આ મુદ્દે પક્ષ અને વિપક્ષ વચ્ચે શાબ્દિક યુદ્ધ અને રાજકીય આક્ષેપબાજી વધુ તેજ બને તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે.

376115

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles