જામનગર મિરર, તા.8: રાજકોટ ગેમઝોન અગ્નિકાંડની એક નવી અને જબરી ઈફેક્ટ રાજકોટમાં જોવા મળતાં સંબંધિતોમાં ભારે દોડધામ મચી ગઈ છે. અહીં ઈમ્પેક્ટ ફી ના કાયદા અનુસાર જે ગેરકાયદેસર બાંધકામ કાયદેસર થઈ ગયા હતાં (અરજીઓ મંજૂર થઈ ગઈ હતી અને ફી પણ વસૂલી લેવામાં આવી હતી) એ બાંધકામો પર હવે રાજકોટ મહાનગરપાલિકાએ હથોડો ઝીંકવાનો નિર્ણય કરતાં સમગ્ર રાજકોટ શહેરમાં ગેરકાયદેસર બાંધકામોના ધારકોમાં ફફડાટ મચી ગયો હોવાનું જાણવા મળે છે. જામનગર અને રાજકોટ સહિત રાજયભરના શહેરોમાં હાલ વધુ એક વખત સરકારે ઈમ્પેક્ટ ફી નો કાયદો અમલી બનાવેલો છે, થોડાં સમય પહેલાં જ તેની મુદ્દત વધુ એક વખત 6 માસ માટે લંબાવવામાં આવી છે. જે બાંધકામધારકોએ કમ્પ્લીશન પ્રમાણપત્ર મેળવી લીધાં પછી વધારાનું ગેરકાયદેસર બાંધકામ કરેલું છે તેવા અસંખ્ય લોકો હાલ ઈમ્પેક્ટ ફી ભરી આવા ગેરકાયદેસર બાંધકામો કાયદેસર કરાવી રહ્યા છે. રાજકોટમાં પણ આવી ઘણી અરજીઓ મંજૂર થઈ ચૂકી છે, અનેક લોકોએ ગેરકાયદેસર બાંધકામ કાયદેસર કરાવવા મહાનગરપાલિકાને નિયત ફી પણ આપી દીધી છે. પછી રોન નીકળી. જો કે, રાજકોટ અગ્નિકાંડને પગલે સરકારે આ નિયમોમાં ફેરફાર કરી, ઈમ્પેક્ટ ફી માટેના નવા નિયમો અમલમાં મૂક્યા છે. રાજકોટ મહાનગરપાલિકામાં આ માટેની કમિટીએ નવા નિયમો ધ્યાનમાં લઈ, ઈમ્પેક્ટ ફીમાં મંજૂર થયેલી અને ફી ભરી દીધેલી 82 અરજીઓ રદ્દ કરી દીધી. આ અરજીઓ રદ્દ થતાં રાજકોટ શહેરમાં ચકચાર મચી ગઈ છે. રાજકોટમાં ખાસ કરીને શાળાઓએ અગાશીમાં બનાવેલા વધારાના બાંધકામ તેમજ અમુક હોસ્પિટલ અને હોટેલ્સ દ્વારા સેલરમાં ખડકી દેવાયેલા ગેરકાયદેસર બાંધકામો નિયમિત કરવા માટે ઘણાં લોકો ઈમ્પેક્ટ ફી અરજીઓ કરી રહ્યા છે. કમિટીએ આ અરજીઓનો અભ્યાસ કર્યો તો ખ્યાલ આવ્યો કે, આ ગેરકાયદેસર બાંધકામો કાયદેસર કરવામાં આવે તો ભવિષ્યમાં ગેમઝોન અગ્નિકાંડ જેવી દુર્ઘટના સર્જાઈ શકે છે. આથી કમિટીએ આવી 82 અરજીઓ મંજૂર કર્યા બાદ ફરી રદ્દ કરી નાંખી. આ રીતે જે અરજીઓ રદ્દ થઈ તે બાંધકામો હવે ગેરકાયદેસર લેખાશે. આવા બાંધકામો હવે મિલ્કતધારકોએ જાતે તોડી પાડવા એવી સૂચનાઓ આપવામાં આવશે. જો આ મિલ્કતધારકો જાતે આ બાંધકામો તોડી નહીં પાડે તો, મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા અને એસ્ટેટ શાખા સાથે મળી આવા ગેરકાયદેસર બાંધકામ (વધારાના બાંધકામ) તોડી પાડશે.


