આખી દુનિયા 52 વર્ષથી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરે છે, બીજી બાજુ ભારત સહિત આખી દુનિયા પ્રદૂષણના ભરડામાં:

જામનગર મિરર :
ઘટતાં જતાં કુદરતી સંશાધનો, પર્યાવરણના વિષયને રાજકારણનો ચેપ અને ધીમી-બિનઅસરકારક યોજનાઓને કારણે આ દિશામાં ન-ગણ્ય કામગીરીઓ…આપણામાંથી જે લોકો સંવેદનશીલ અને સમજદાર છે તેઓ જાણે છે કે, પ્રકૃતિ કેટલો મોટો અને મહત્ત્વનો વિષય છે. પર્યાવરણની જાળવણી અને તેનું સંવર્ધન માનવજાત સહિત સમગ્ર જીવસૃષ્ટિ માટે અનિવાર્ય બાબત હોવા છતાં સમાજનો મોટો વર્ગ તથા સરકારો પર્યાવરણ અંગે લિટરલી બેદરકારીઓ દાખવે છે. એક તરફ પર્યાવરણ દિવસની ઢંગધડા વિનાની ઉજવણીઓ થતી રહે અને બીજી તરફ સર્વત્ર પ્રદૂષણનો ભરડો. સમગ્ર વિશ્વ છેલ્લા 52 વર્ષથી વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીઓ કરે છે, બીજી તરફ આપણે સૌ જાણીએ છીએ કે, આપણે સૌ સાથે મળી પર્યાવરણ અને પ્રકૃતિની કેવી ઘોર ખોદી રહ્યા છીએ. આપણાં ઘરો અને ઓફિસના એસીથી માંડીને આપણાં વાહનો, આપણાં ઉદ્યોગો અને આપણી ખાણકામ સહિતની પ્રવૃતિઓ પર્યાવરણના પતન માટે જવાબદાર છે. આપણે એવો વહેમ ધરાવીએ છીએ કે, નિશાળોમાં પર્યાવરણ સંબંધે નિબંધ કે વક્તૃત્વ સ્પર્ધાઓ યોજવાથી કે સાયકલ રેલી જેવા દેખાડાના કાર્યક્રમો યોજવાથી આપણે કલાયમેટ ચેન્જની માઠી અસરોથી બચી શકીશું. આપણાં પર્યાવરણને રાજકારણે અભડાવી નાંખ્યું છે. સરકારોની પ્રદૂષણ નિયંત્રણ કામગીરીઓ ફારસ હોય છે. રોપા વિતરણ અને વૃક્ષ ઉછેર જેવી યોજનાઓ સંપૂર્ણ ધીમી, બિનઅસરકારક અને સરકારી બનીને રહી ગઈ છે. વાહનોમાંથી નીકળતો ધૂમાડો પ્રદૂષણ ફેલાવવામાં કેમ ઓછામાં ઓછો જવાબદાર બને, તેની આપણે ચિંતાઓ કરતાં નથી. આપણાં જ ઉદ્યોગો જળ, જમીન અને હવાનું પ્રદૂષણ ફેલાવે છે. ગેરકાયદેસર ખાણકામ અને વરસાદી પાણીના વહેણમાં તથા નદીઓના પટમાં થતાં ગેરકાયદે બાંધકામો પણ પ્રદૂષણ ફેલાવવામાં સિંહફાળો આપે છે. ટૂંકમાં, ન સરકારો- ન નાગરિકો તરીકે આપણે સૌ, પ્રદૂષણ અંગે ચિંતિત છીએ. આપણે કોઈ પર્યાવરણની ચિંતાઓ કરતાં નથી. આજે પાંચ જૂને, વિશ્વ પર્યાવરણ દિવસે આપણે સૌ દેખાડા જેવી ઉજવણીઓથી બચી, પર્યાવરણને બચાવવા, તેના સંવર્ધન માટે નવેસરથી કશુંક વિચારીએ, તો કુછ બાત બને. વિચારીશું ? કે, આવતી ચોથી જૂન સુધી પર્યાવરણ વિષયને જ ભૂલી જઈશું ?


