૩૩૯૧ જેટલી આડેધડ નોટિસો અને રૂ. ૨૧૫૦ કરોડના આકરા દંડથી ત્રસ્ત ૪૫૦૦ ઉદ્યોગકારો મેદાને, બોનાફાઇડ ખરીદદારોના રક્ષણ માટે ઉગ્ર માંગ
ભારતના સૌથી મોટા બ્રાસ મેન્યુફેક્ચરિંગ હબ ગણાતા જામનગરમાં ૭૦૦૦ જેટલા ઔદ્યોગિક એકમો કાર્યરત છે, જે અંદાજિત ૩.૫ લાખથી વધુ લોકોને સીધી કે આડકતરી રોજગારી પૂરી પાડે છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી આ જીવાદોરી સમાન બ્રાસ ઉદ્યોગ જીએસટી વિભાગ દ્વારા અપાતી આડેધડ નોટિસો અને કાયદાકીય જટિલતાઓના ચક્રવ્યૂહમાં ફસાયો છે. આ ગંભીર મુશ્કેલીઓના નિવારણ માટે જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન, જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ અને જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશન ફેસ ૨/૩ સહિતની તમામ સંલગ્ન સંસ્થાઓના સહયોગથી આજે એક વિશાળ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.

આ આવેદનપત્ર થકી માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સમક્ષ જીએસટી કાયદામાં યોગ્ય અને વ્યવહારુ સુધારાઓ કરવાની અને કાયદાનું સરળીકરણ કરવાની પ્રબળ માંગણી કરવામાં આવી છે.આ જટિલ સમસ્યા અંગે ઉદ્યોગના અગ્રણીઓએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જામનગર બ્રાસ પાર્ટ્સનું મોટું હબ હોવાથી અહીં વર્ષોથી મોટા પ્રમાણમાં બ્રાસ સ્ક્રેપ ડમ્પ થાય છે અને કેટલાક તત્વો દ્વારા આચરવામાં આવતી જીએસટીની ચોરીની સજા નિર્દોષ અને પ્રામાણિક બ્રાસ ઇન્ડસ્ટ્રીઝ તથા વેપારીઓએ ભોગવવી પડી રહી છે.

પ્રામાણિકપણે ખરીદી કરતા બોનાફાઇડ ખરીદદારોને આ કાયદાની આંટીઘૂંટીઓમાંથી મુક્તિ મળવી જોઈએ અને જેઓ ખરેખર જીએસટીની ચોરી કરે છે તેમને જ સજા થવી જોઈએ તેવી માંગ ઉઠાવવામાં આવી છે. ગેરકાયદેસર અને આડેધડ રીતે અપાતી નોટિસો બંધ થવી જોઈએ તેવી માંગ સાથે ઉદ્યોગકારો દ્વારા જીએસટી કાયદાને સરળ બનાવવાની અપીલ કરવામાં આવી છે જેથી એમએસએમઇ એકમો પર કાર્યકારી મૂડીનો વધતો જતો બોજ અને આઈટીસી સંબંધિત ગૂંચવણો દૂર થઈ શકે.જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર એસોસિએશનના પ્રેસિડેન્ટ વિષ્ણુ પટેલે આંકડાકીય માહિતી આપતા જણાવ્યું હતું કે, જામનગરના સાડા ચાર હજાર જેટલા ઉદ્યોગકારોને અત્યાર સુધીમાં ૩૩૯૧ જેટલી ડીમાન્ડ નોટિસો ફટકારવામાં આવી છે.

આ નોટિસો થકી ઉદ્યોગકારો પાસે કુલ રૂ. ૨૧૫૦ કરોડથી વધુની જંગી રકમની માંગણી કરવામાં આવી છે, જે અત્યંત ચિંતાજનક છે. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે જામનગરમાં માસિક ૨૦,૦૦૦ ટન બ્રાસનું કન્ઝપ્શન થાય છે અને આ ઉદ્યોગ દર મહિને સરકારને અંદાજે ૪૫૦ થી ૫૦૦ કરોડ રૂપિયાનું જીએસટીનું ચૂકવણું કરે છે. આમ છતાં, જીએસટી વિભાગના અધિકારીઓ દ્વારા મનફાવે તેમ જીએસટી કલમ ૭૩, ૭૪, ૭૪એ અને ૧૨૨ હેઠળ નોટિસો આપીને ઉદ્યોગકારોને પરેશાન કરવામાં આવી રહ્યા છે, જે એક પ્રકારે સરકાર વિરુદ્ધનું કામ છે.
જીએસટીના ઘટક ૯૮, ૯૯ અને ૧૦૦ હેઠળ આવરી લેવાયેલા જીઆઈડીસીના આ તમામ ઉદ્યોગકારો દ્વારા વ્યક્ત કરવામાં આવેલી લાગણી અને માંગણીઓ બિલકુલ વાજબી છે, કારણ કે પ્રામાણિક ખરીદદારોના ઇનપુટ ટેક્સ ક્રેડિટ અધિકારોનું રક્ષણ થવું અત્યંત આવશ્યક છે. જો કાયદાની પ્રક્રિયા સરળ બનશે, તો જ એમએસએમઇ ક્ષેત્રનો અનુપાલન ખર્ચ ઘટશે અને આંતરરાષ્ટ્રીય બજારમાં જામનગરના બ્રાસ ઉદ્યોગની સ્પર્ધાત્મકતા ટકી શકશે. ત્રણેય મુખ્ય સંસ્થાઓ અને અન્ય તમામ સંલગ્ન સંગઠનો આશા રાખી રહ્યા છે કે સરકાર વહેલી તકે કલેક્ટરશ્રી મારફતે પહોંચાડાયેલા આ પ્રશ્નોનો હકારાત્મક અભિગમથી વિચાર કરશે અને ઉદ્યોગકારોને રાહત મળે તેવા સકારાત્મક પગલાં લેશે.


