અધિકારીઓ વિરુદ્ધ થયેલા આક્ષેપોને ગણાવ્યા પાયાવિહોણા: અનામી ઇમેઇલ સાથે કોઈ લેવાદેવા ન હોવાનું જણાવી ડીનને સોંપ્યું લેખિત આવેદન
જામનગર તા ૧૨, જામનગરની સુપ્રસિદ્ધ જી.જી. હોસ્પિટલ અને એમ.પી. શાહ મેડિકલ કોલેજમાં છેલ્લા બે દિવસથી એક મોટા વિવાદે જન્મ લીધો છે. કોલેજ અને હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ, જેમાં ઈન્ચાર્જ અધિક્ષક, ડીન અને એડિશનલ ડીનનો સમાવેશ થાય છે, તેમના વિરુદ્ધ ગંભીર આક્ષેપો કરતો એક અંગ્રેજીમાં લખાયેલો અનામી પત્ર વાયરલ થયો છે. આ પત્રમાં રેસિડેન્ટ ડોક્ટરોનું હેરેસમેન્ટ થતું હોવાના અને અધિકારીઓ દ્વારા ભારે માનસિક ત્રાસ અપાતો હોવાના સનસનીખેજ આક્ષેપો કરવામાં આવ્યા છે.

આ અનામી અરજીઓ સીધી દેશના આરોગ્ય વિભાગ, નેશનલ મેડિકલ કમિશન (એન.એમ.સી.), રાજ્યના મુખ્યમંત્રી, વડાપ્રધાન અને સ્થાનિક મીડિયા કચેરીઓ સુધી રૂબરૂ પહોંચાડવામાં આવતા તબીબી આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે. અધિકારીઓને બદનામ કરવાના હેતુથી કરાયેલા આ કથિત ગંદા આક્ષેપોને પગલે હોસ્પિટલ કેમ્પસમાં તંગદિલીનો માહોલ જોવા મળી રહ્યો છે અને જવાબદાર અધિકારીઓ પણ આ પ્રકારની આક્ષેપોથી ફફડી રહ્યા છે.
આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે, જી.જી. હોસ્પિટલના પેથોલોજી વિભાગના તમામ રેસિડેન્ટ ડોક્ટરો તેમના એચ.ઓ.ડી. અને ઇન્ચાર્જ અધિક્ષક ડૉ. વિજય પોપટના બચાવમાં મેદાનમાં આવ્યા છે. પેથોલોજી વિભાગના મોટી સંખ્યામાં રેસિડેન્ટ ડોક્ટરોએ પોતાની સહી સાથે ડીનને એક લેખિત આવેદન સોંપ્યું છે. આ આવેદનમાં તેઓએ સ્પષ્ટતા કરી છે કે અખબારો અને સોશિયલ મીડિયામાં ડૉ. વિજય પોપટ વિરુદ્ધ ફરતા અહેવાલો તદ્દન પાયાવિહોણા, ભ્રામક અને તથ્યહીન છે. તેઓએ ડૉ. પોપટને સંસ્થાના ‘શ્રેષ્ઠ શિક્ષક’ અને દરેક રેસિડેન્ટની અંગત કાળજી લેનાર ઉમદા વ્યક્તિ ગણાવ્યા છે.
વધુમાં, ડોક્ટરોએ સ્પષ્ટ કર્યું છે કે એનએમસીને કરવામાં આવેલો અનામી ઈમેઈલ કે પત્ર સાથે પેથોલોજી વિભાગના કોઈપણ ડોક્ટરને કોઈ જ લેવાદેવા નથી અને તેઓએ આવી કોઈ નકારાત્મક પ્રવૃત્તિમાં જોડાઈને કોઈની પાસે મદદ માંગી નથી. જોકે, એક તરફ ડૉ. પોપટના સમર્થનમાં રેસિડેન્ટ્સ ખુલીને સામે આવ્યા છે અને તેઓ એનએમસીને તથા ગુજરાત સરકારમાં પણ આ અંગે રજૂઆત કરવાના છે, પરંતુ બીજી તરફ ડીન અને એડિશનલ ડીન વિરુદ્ધ થયેલા પત્ર-આક્ષેપો મામલે હજુ સુધી તે અધિકારીઓ તરફથી કોઈ જ સત્તાવાર પ્રતિક્રિયા કે બચાવ સામે આવ્યો નથી, જેની રાહ જોવાઇ રહી છે. આ સમગ્ર પ્રકરણ અનેક નવા તર્ક-વિતર્કોને જન્મ આપી રહ્યું છે.


