સેશન્સ કોર્ટની ફટકાર બાદ અચાનક રચાયેલી સમિતિ સામે જનતાના વેધક સવાલો; આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની મુલાકાત માત્ર ‘ઠંડુ પાણી રેડવા’ માટે હતી?
આ સમિતિની રચના પાછળનો અસલી હેતુ શું છે? શું આ કરોડોના કૌભાંડમાં સંડોવાયેલા મોટા માથાઓ અને અધિકારીઓને રક્ષણ આપવા માટે આ ‘બચાવ સમિતિ’ રચવામાં આવી છે?
બેંક ચેક અને એકાઉન્ટ ટ્રાન્સફરથી થયેલા આ ખુલ્લા કૌભાંડને જોવા માટે મંત્રીશ્રીની નજર કેમ પહોંચતી નથી?
રિપોર્ટ: સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ડેસ્ક | જામનગર
જામનગરની સરકારી ડેન્ટલ કોલેજની રોગી કલ્યાણ સમિતિના ખાતામાંથી ૧૫ ચેક મારફતે રૂ. ૧.૩૬ કરોડની રકમની ઉચાપતના ચકચારી કૌભાંડમાં નવો વળાંક આવ્યો છે. સેસન્સ કોર્ટના સ્પષ્ટ આદેશ અને ફટકાર બાદ, ડીજીપી કચેરી મારફતે રાજ્યના આરોગ્ય અને ગૃહ વિભાગના સચિવોને હુકમની નકલ મોકલવામાં આવી છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, જામનગર શહેરના મીડિયા સમક્ષ અચાનક જ આરોગ્ય વિભાગની એક કથિત ‘તપાસ સમિતિ’ ની વાત વહેતી કરવામાં આવી છે. લોકો હવે સવાલ કરી રહ્યા છે કે કોર્ટ દ્વારા ડેન્ટલ કોલેજના ડીન ડો. નયનાબેન પટેલની ભૂમિકા અંગે શંકા વ્યક્ત કરવામાં આવી હોવા છતાં, આ સમિતિની રચના પાછળનો અસલી હેતુ શું છે? શું આ કરોડોના કૌભાંડમાં સંડોવાયેલા મોટા માથાઓ અને અધિકારીઓને રક્ષણ આપવા માટે આ ‘બચાવ સમિતિ’ રચવામાં આવી છે? આ સમિતિના અધ્યક્ષ કોણ છે અને સભ્યો કોણ છે, તેનો કોઈ જ સ્પષ્ટ ખુલાસો ન હોવાથી આ ધડમાથા વગરની તપાસ સામે અનેક સવાલો ઊભા થયા છે.

રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ તાજેતરમાં જ જામનગરમાં ત્રણ દિવસની મહેમાનગતિ માણી હતી. આ દરમિયાન તેઓએ જામનગરના આરોગ્ય તંત્ર અને હોસ્પિટલના વડાઓ સાથે બેઠકો યોજીને માત્ર પ્રશંસાના પુષ્પો જ વેર્યા હતા, પરંતુ આ ૧.૩૬ કરોડના મહાકૌભાંડ મામલે મંત્રીશ્રીએ ભેદી મૌન સેવી લીધું હતું. જનતા આક્રોશભેર પૂછી રહી છે કે, શું રાજ્યના આરોગ્ય મંત્રાલયને કે ખુદ મંત્રીને આટલા મોટા કૌભાંડની કોઈ જ જાણકારી ન હતી? શું આરોગ્ય મંત્રીની આ મુલાકાત માત્ર સ્થાનિક સમાચાર પત્રોના માધ્યમ થકી આ સળગતા મુદ્દા પર ઠંડુ પાણી રેડવા અને ભીનું સંકેલવા માટે જ હતી? આજે માત્ર તપાસ સમિતિની નાટકીય વાર્તા શરૂ કરીને સરકાર શું નિષ્કર્ષ લાવવા માંગે છે તે સમજાતું નથી. જો આરોગ્ય વિભાગને ડિજિટલ કરવાની વાતો માત્ર પોકળ ન હોય, તો બેંક ચેક અને એકાઉન્ટ ટ્રાન્સફરથી થયેલા આ ખુલ્લા કૌભાંડને જોવા માટે મંત્રીશ્રીની નજર કેમ પહોંચતી નથી?

આ સમગ્ર મામલે ગરીબ દર્દીઓના હક્કના અને સરકારી તિજોરીના કરોડો રૂપિયા કોણ ઓહિયા કરી ગયું તે કોર્ટ અને જામનગરની સમગ્ર જનતા સારી રીતે જાણે છે. ક્લાર્કે પોતાના ખાતામાં રકમ ટ્રાન્સફર કરી હોવાની કબૂલાતના વિડીયો રેકોડિંગ સહિતના પુરાવાઓ મોજૂદ છે અને બેંકના તમામ ટ્રાન્ઝેક્શન દીવા જેવા સ્પષ્ટ નજરે દેખાઈ રહ્યા છે. એટલું જ નહીં, ડીનને રક્ષણ આપવા જેવું વલણ રાખનાર ત્રણ પોલીસ અધિકારીઓ (પીએસઆઇ એસ.જી. કેશવાલા, આર.કે. ખલીફા અને આર.બી. ઠાકોર) સામે પણ કોર્ટે ગંભીર નોંધ લીધી છે. તેમ છતાં તપાસ સમિતિ રચવાનું તરકટ શા માટે? સ્પષ્ટ પુરાવાઓ હોવા છતાં, ગુનેગારો સામે કડક કાનૂની પગલાં લેવાને બદલે તપાસના નામે સમય પસાર કરવાનું ષડયંત્ર રચાઈ રહ્યું હોવાની પ્રતીતિ સામાન્ય નાગરિકને થઈ રહી છે. ભ્રષ્ટાચારની આ ઉધઈને ડામવાને બદલે તેને ઢાંકવાનો આ પ્રયાસ અત્યંત ચિંતાજનક છે.


