માત્ર કાગળ પર ચાલતી ડમી કંપનીઓનો પર્દાફાશ; એન્જલ, રિધમ, માંડોવરા સહિતની અનેક પેઢીઓના દસ્તાવેજો જપ્ત કરી માસ્ટરમાઇન્ડ્સ સામે ITC બ્લોકથી મિલકત એટેચમેન્ટ સુધીની કડક કાર્યવાહીનો ધમધમાટ.
જામનગર જિલ્લામાં લાંબા સમયથી મૂળ જમાવીને બેઠેલા બોગસ બિલિંગ અને કરોડો રૂપિયાની જીએસટી કરચોરીના સંગઠિત નેટવર્ક સામે રાજ્ય વેરા વિભાગે હવે સંપૂર્ણ આરપારની લડાઈનો પ્રારંભ કર્યો છે. વિભાગ દ્વારા હાથ ધરાયેલા વ્યાપક સર્વે અને દરોડાના પ્રારંભિક તબક્કામાં એન્જલ એન્ટરપ્રાઇઝ, રિધમ મેટલ, માંડોવરા ટ્રેડિંગ કંપની, નકુલ એન્ટરપ્રાઇઝ, વાય.પી. ઇમ્પેક્સ, પિત્તલ મેટલ, બેલસિપ ઇન્ડસ્ટ્રીઝ પ્રા. લિ., દેવ ઇમ્પેક્સ, ખોડલ એન્ટરપ્રાઇઝ, રાહુલ એન્ટરપ્રાઇઝ, નારાયણ એન્ટરપ્રાઇઝ, હરિ ઓમ એન્ટરપ્રાઇઝ, ઓનેસ્ટ ઇમ્પેક્સ અને શ્રી રામ એન્ટરપ્રાઇઝ સહિત ૧૪ જેટલી ફર્મો પર એકસાથે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
આ મેગા ઓપરેશન દરમિયાન અધિકારીઓએ મોટી સંખ્યામાં હિસાબી દસ્તાવેજો, મોબાઇલ ફોન, કમ્પ્યુટર, લેપટોપ અને ડિજિટલ ડેટા સહિતના મહત્વપૂર્ણ પુરાવાઓ કબજે કરી સઘન ટેકનિકલ તપાસનો આરંભ કર્યો છે. સ્પોટ વેરિફિકેશનમાં એવો ચોંકાવનારો ખુલાસો થયો છે કે અનેક નોંધાયેલા સરનામાઓ પર કોઈ વાસ્તવિક વ્યવસાય ચાલતો જ ન હતો, માત્ર કાગળ પર જ કંપનીઓ અસ્તિત્વમાં હતી અને દસ્તાવેજી માલિકો તેમજ વાસ્તવિક સંચાલકો અલગ હતા; જેથી આવી ફર્મોને નોન-જેન્યુઈન ટેક્સેબલ પર્સન જાહેર કરવાની પ્રક્રિયા શરૂ થઈ શકે છે. આ ઉપરાંત તપાસનો વ્યાપ વિસ્તરતા મોમાઇ એન્ટરપ્રાઇઝ, કે.ડી. મેટલ, શ્રી એન્ટરપ્રાઇઝ, કુદરત એન્ટરપ્રાઇઝ અને ભાગીરથ એન્ટરપ્રાઇઝ સહિતની અન્ય અનેક પેઢીઓ પણ હવે વિભાગના શંકાના દાયરામાં આવી ગઈ છે.

આ મસમોટા કૌભાંડની સઘન તપાસ દરમિયાન વિવિધ નાણાકીય વ્યવહારોમાં સુમિત પટેલ, અભયસિંહ વાળા, હાર્દિક સચદેવ, હાર્દિક ગઢિયા, સુરેશ વસોયા, સિદ્ધરાજસિંહ રાણા અને કાદિર સહિતના નામો સપાટી પર આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ યાદી પૈકીના હાર્દિક ગઢિયા અને સુરેશ વસોયા હજુ સુધી તપાસ એજન્સી સમક્ષ હાજર ન થતાં તેમની હિલચાલ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી જણાયે તેમની સામે વધુ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી શકે છે. રાજ્ય વેરા વિભાગ હવે માત્ર તપાસ કે બોગસ જીએસટી નોંધણી રદ કરવા પૂરતો સીમિત નહીં રહે, પરંતુ કરચોરો સામે અત્યંત આક્રમક વલણ અપનાવીને ખોટી રીતે લેવામાં આવેલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) બ્લોક કરવાની કાર્યવાહી પણ કરશે. તદુપરાંત, બાકી કરની કડક વસૂલાત કરવા, કૌભાંડીઓના બેંક ખાતાઓ ફ્રીઝ કરાવવા, મિલકતો એટેચ (જપ્ત) કરાવવા તેમજ સંડોવાયેલા તમામ લોકોની નાણાકીય લેવડદેવડની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે વિભાગે પૂરી તૈયારી કરી લીધી છે. વિભાગના આ કડક કાયદાકીય વલણ અને આરપારની લડાઈના નિર્દેશોથી કરચોરી કરતા તત્વોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.


