જામનગર મિરરના એડિટર દિપક ઠુંમર સાથેની વાતચીતમાં વર્ણવી સંઘર્ષગાથા; ૪૪ અઠવાડિયાની આકરી તાલીમ બાદ હવે નોર્થ બંગાળમાં પશુ તસ્કરી અને ડ્રગ્સ માફિયાઓ સામે બજાવશે ફરજ; સામાન્ય ખેડૂત પરિવારની દીકરીનું અસામાન્ય સાહસ.
જામનગર જિલ્લાના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાય તેવી ગૌરવવંતી ઘટના સામે આવી છે, જેમાં વરણા ગામના મૂળ વતની અને હાલ જામનગરના ગોકુલનગર, મુરલીધર નગર ખાતે વસવાટ કરતા સામાન્ય ખેડૂત પરિવારની ૨૨ વર્ષીય સુપુત્રી મિરલબેન દિનેશભાઈ મોલિયાએ અદમ્ય સાહસ અને રાષ્ટ્રપ્રેમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તાજેતરમાં પોતાની આ જ્વલંત સફળતા બાદ મિરલબેને પોતાના પરિવાર સાથે ‘જામનગર મિરર’ ન્યૂઝ કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

આ દરમિયાન ‘જામનગર મિરર’ના એડિટર શ્રી દિપક ઠુંમર સાથેની વિસ્તૃત વાતચીતમાં તેમણે પોતાની સફળતા અને સંઘર્ષની વિગતો આપતા જણાવ્યું હતું કે, લેઉવા પટેલ સમાજની દીકરીઓ સામાન્ય રીતે શિક્ષણ અને અન્ય વ્યવસાયિક ક્ષેત્રોમાં અગ્રેસર રહેતી હોય છે, પરંતુ દેશની રક્ષા કાજે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) જેવી કઠિન સેવામાં જોડાવાનો આ કદાચ વિરલ અને પ્રથમ કિસ્સો છે. તેમના આ સાહસથી સમગ્ર હાલાર પંથક અને લેઉવા પટેલ સમાજમાં અનેરો આનંદ અને ગૌરવ છવાયો છે. એક ખેડૂતની દીકરી તરીકે ખેતરની માટીથી લઈને હવે દેશની સરહદ સુધી પહોંચવાની મિરલબેનની આ સફર સાબિત કરે છે કે આજની નારી શક્તિ માત્ર ઘરની ચાર દીવાલોમાં સીમિત નથી, પરંતુ હાથમાં હથિયાર ઉઠાવીને દુશ્મનોનો સામનો કરવા પણ સક્ષમ છે.એડિટર દિપક ઠુંમર સાથેના સંવાદમાં મિરલબેને જણાવ્યું હતું કે તેમની આ સફળતા પાછળ લોખંડી મનોબળ અને તનતોડ મહેનત રહેલી છે.

ધોરણ ૧૦ ના અભ્યાસ બાદ દેશસેવાના સ્વપ્નને સાકાર કરવા તેમણે સ્ટાફ સિલેક્શન કમિશન (SSCGD) દ્વારા લેવાતી અત્યંત કઠિન સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી શરૂ કરી હતી. ભુજ ખાતે યોજાયેલી ગ્રાઉન્ડ ટેસ્ટમાં શારીરિક ક્ષમતા પુરવાર કર્યા બાદ રાજકોટ ખાતે લેખિત પરીક્ષામાં પણ તેઓ ઉત્તીર્ણ થયા હતા. ત્યારબાદ કડક મેડિકલ અને ફિઝિકલ ટેસ્ટના ચક્રવ્યૂહને સફળતાપૂર્વક પાર કરી, સમગ્ર ગુજરાતમાંથી પસંદગી પામેલી માત્ર ૨૨ વીરાંગનાઓમાં અને જામનગર જિલ્લાની બે યુવતીઓમાં સ્થાન મેળવીને એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. આટલેથી ન અટકતા, આ પહેલા તેમણે મધ્યપ્રદેશના ગ્વાલિયર જિલ્લાના ટેકનપુર ખાતે ૪૪ અઠવાડિયાની હાડમારી ભરેલી અને અત્યંત કઠોર સૈન્ય તાલીમ (ટ્રેનિંગ) પૂર્ણ કરી છે. આ આકરી તાલીમે એક સામાન્ય યુવતીમાંથી તેમને એક સક્ષમ, શિસ્તબદ્ધ અને ખડતલ સૈનિક તરીકેનું ઘડતર કર્યું છે, જે હવે દેશના કોઈપણ ખૂણે અને કોઈ પણ પરિસ્થિતિમાં ફરજ બજાવવા માટે તૈયાર છે.આગામી ૨જી ફેબ્રુઆરીના રોજ મિરલબેન મોલિયા વિધિવત રીતે BSF માં જોઈનિંગ મેળવી પોતાની કારકિર્દીનો નવો અધ્યાય શરૂ કરવા જઈ રહ્યા છે.
મિરલબેને ‘જામનગર મિરર’ને માહિતી આપતા કહ્યું હતું કે સરકાર દ્વારા તેમની પ્રથમ નિયુક્તિ સંવેદનશીલ ગણાતા નોર્થ બંગાળના પંજીપારા સેક્ટરમાં કરવામાં આવી છે. ત્યાં તેમની ફરજ માત્ર સીમાડા સાચવવાની જ નહીં રહે, પરંતુ સરહદ પર થતી ગેરકાયદેસર પશુઓની તસ્કરી અને નશાકારક પદાર્થોની હેરફેર રોકવાની મહત્વપૂર્ણ જવાબદારી પણ તેમના શિરે રહેશે. દૈનિક ૬ કલાકની સઘન અને પડકારજનક ડ્યુટી બજાવીને તેઓ દેશની સુરક્ષામાં યોગદાન આપશે. ગોકુલનગરના મુરલીધર નગર વિસ્તારમાં રહેતા તેમના પિતા દિનેશભાઈ મોલિયા, જેઓ પોતે એક ખેડૂત છે, તેમણે પોતાની વહાલસોયી દીકરીને ભારત માતાના ચરણે ધરીને એક સાચા દેશભક્ત તરીકેની ફરજ બજાવી છે. મિરલબેનનું આ સાહસ જામનગર સહિત સમગ્ર ગુજરાતની યુવતીઓ માટે પ્રેરણારૂપ બન્યું છે અને સાબિત કર્યું છે કે દેશસેવા માટેના આકર્ષણ અને જુસ્સા સામે કોઈ પણ પડકાર ટકી શકતો નથી.


