હવે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન માટે જૂનાગઢ સુધી લંબાવવું નહીં પડે; ૨૬મી જાન્યુઆરીથી લાલ બંગલો સ્થિત જિલ્લા સેવા સદન ખાતે દર ગુરુ-શુક્રવારે વિશેષ કામગીરી હાથ ધરાશે.
જામનગર જિલ્લાના વેપારીઓ અને ઉદ્યોગકારો માટે લાંબા સમયથી પ્રવર્તતી એક વિકટ સમસ્યાનો હવે સુખદ અંત આવ્યો છે. અત્યાર સુધી જામનગરના નવા સાહસિકો કે વેપારીઓને નવો GST નંબર મેળવવા માટે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન કરાવવા છેક જૂનાગઢ સુધી લાંબા થવું પડતું હતું, જેના કારણે સમય અને શક્તિનો વ્યય થતો હતો. આ સમસ્યાના નિવારણ અર્થે જામનગરના માનનીય સાંસદસભ્ય, ધારાસભ્યઓ અને વિવિધ વેપારી સંગઠનો દ્વારા કરવામાં આવેલી સતત રજૂઆતો અને ‘ધી કોમર્શિયલ ટેક્ષ પ્રેકટીશનર્સ એસોસિએશન’ના પ્રયાસો રંગ લાવ્યા છે. ગુજરાત રાજ્યના મુખ્ય રાજ્ય વેરા કમિશનર એ “Ease of Doing Business” ના ઉમદા હેતુને સાર્થક કરતા અને સરકારના કરદાતાલક્ષી અભિગમને અનુસરીને જામનગર ખાતે જ સ્વતંત્ર ‘GST સેવા કેન્દ્ર’ (GST Seva Kendra – GSK) શરૂ કરવાનો જનહિતકારી નિર્ણય લીધો છે. આગામી ૨૬ જાન્યુઆરી ૨૦૨૬થી જામનગરના લાલ બંગલો કેમ્પસમાં આવેલ જિલ્લા સેવા સદન-૨, બીજા માળે આ કેન્દ્ર કાર્યરત થશે. આ કેન્દ્ર દર અઠવાડિયે ગુરુવાર અને શુક્રવારના રોજ સવારે ૧૦:૩૦ થી સાંજે ૬:૧૦ સુધી કાર્યરત રહેશે, જેથી અરજદારો તેમના દસ્તાવેજોની ચકાસણી અને આધાર ઓથેન્ટિકેશનની પ્રક્રિયા ઘરઆંગણે જ પૂર્ણ કરી શકશે.
આ નવી વ્યવસ્થામાં કેટલીક તકનીકી બાબતો અને પ્રક્રિયાગત સ્પષ્ટતા પણ કરવામાં આવી છે જેથી કરદાતાઓને મૂંઝવણ ન થાય. સિસ્ટમની મર્યાદાને કારણે ઓનલાઈન સ્લોટ બુકિંગમાં કદાચ હજુ પણ “Junagadh” દર્શાવવામાં આવે, તો પણ જામનગરના અરજદારોએ હવે જૂનાગઢ જવાની આવશ્યકતા નથી; તેમણે નિર્ધારિત દિવસોમાં (ગુરુવાર-શુક્રવાર) જામનગરના કેન્દ્ર પર જ હાજર રહેવાનું રહેશે. આ પ્રક્રિયાનો મુખ્ય ઉદ્દેશ્ય બોગસ બિલિંગ અને ખોટી નોંધણી અટકાવવાનો છે, કારણ કે રૂબરૂ દસ્તાવેજ ચકાસણી અને બાયોમેટ્રિકથી પારદર્શકતા વધશે.
આ નિર્ણયને વધાવતા ધી કોમર્શિયલ ટેક્ષ પ્રેકટીશનર્સ એસોસિએશનના પ્રમુખ અક્ષતભાઈએ જણાવ્યું હતું કે આ સુવિધા વેપારીઓ માટે મોટી રાહત સમાન છે. આ પ્રક્રિયામાં કરદાતાઓને કોઈપણ મુશ્કેલી પડે તો માર્ગદર્શન માટે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર ધારા પરીખનો (મો. ૯૭૧૪૫૦૬૫૬૦) સંપર્ક પણ જાહેર કરવામાં આવ્યો છે. આમ, વેપાર-વાણિજ્યથી ધમધમતા જામનગરમાં હવે GSTની પ્રક્રિયા વધુ સુગમ અને ઝડપી બનશે.


