શંકરટેકરી ઉદ્યોગનગરમાં વર્ષોથી માર્ગો, લાઈટ અને ગટર, સફાઈની સમસ્યાઓ યથાવત્: મનપાના પદાધિકારીઓના સન્માન સમારોહ અને પ્રેસનોટ બાદ નેતૃત્વની ક્ષમતા પર ઉઠતા ગંભીર સવાલો
જામનગર શહેરમાં શંકરટેકરી વિસ્તારમાં આવેલા સુપ્રસિદ્ધ બ્રાસ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી વર્ષો જૂની સંસ્થા ‘જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન’ હાલ ભારે ચર્ચાના એરણે ચડી છે. તાજેતરમાં જ સંસ્થાના પદાધિકારીઓએ એક પ્રેસનોટ જાહેર કરીને ઉદ્યોગનગરની વરવી વાસ્તવિકતા છતી કરી હતી.
જેમાં મુખ્ય માર્ગોના સમારકામનો અભાવ, લાંબા સમયથી બંધ પડેલી કે અસ્તિત્વમાં જ ન હોય તેવી એલઈડી સ્ટ્રીટ લાઈટો અને રોડ તથા ગટરની સફાઈની અત્યંત કથળેલી કામગીરી જેવા મુદ્દાઓ ઉજાગર કરવામાં આવ્યા હતા. જોકે, આ પ્રેસનોટ થકી સંસ્થાએ ભલે તંત્રનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હોય, પરંતુ તેની સામે વર્ષોથી આ પ્રાથમિક સુવિધાઓ ઊભી કરવામાં ખુદ એસોસિએશનની નિષ્ફળતા અને નિષ્ક્રિયતા પણ જગજાહેર થઈ ગઈ છે.
આ પરિસ્થિતિને પગલે નાના-મોટા ઉદ્યોગકારોમાં એસોસિએશનની કામગીરી અને સક્ષમતાને લઈને આક્રોશ અને ચર્ચાનો માહોલ ગરમાયો છે. ઉદ્યોગ વર્તુળોમાં સીધો સવાલ ઉઠી રહ્યો છે કે, વર્ષો જૂની આ સંસ્થાના પદાધિકારીઓ શું માત્ર જાહેર પ્રોગ્રામો અને ઈવેન્ટ્સ યોજીને ફોટા પડાવવા પૂરતા જ સીમિત રહી ગયા છે? આટલા મોટા ઉદ્યોગનગરની પાયાની સમસ્યાઓ ઉકેલવા માટે શું તેમની પાસે કોઈ સક્ષમ નેતૃત્વ બચ્યું નથી? લોકોમાં એવી પણ ચર્ચા છે કે શાસક પક્ષ ભાજપ કે વહીવટી અધિકારીઓ સામે આ પદાધિકારીઓનું કાંઈ ઉપજતું નથી.
પોતાને અન્ય સંસ્થાઓની ‘સ્વામિત્વ સંસ્થા’ ગણાવતા આ હોદ્દેદારોથી જો “કાચો પાપડ પણ ભાંગી શકતો ન હોય” અને સામાન્ય સુવિધાઓ પણ ન લાવી શકાતી હોય, તો પછી તેમની પાસેથી અન્ય મોટા કામોની અપેક્ષા જ શા માટે રાખવી?આ સમગ્ર વિવાદ અને ચર્ચાઓ વચ્ચે એસોસિએશન દ્વારા તાજેતરમાં જ જામનગર મહાનગરપાલિકાના પાંચ નવા વરાયેલા પદાધિકારીઓનો સન્માન સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં પ્રમુખ દ્વારા હોદ્દેદારોને પુષ્પગુચ્છ આપીને સન્માન કરવાની સાથે સાથે ઉદ્યોગનગરની ઉપરોક્ત સમસ્યાઓ અંગેની રજૂઆત પણ કરવામાં આવી હતી. આ ઘટનાએ ઉદ્યોગકારોમાં વધુ એક કટાક્ષને જન્મ આપ્યો છે કે, શું આટલી મોટી અને પ્રતિષ્ઠિત સંસ્થાએ પોતાના વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓના કામ કઢાવવા માટે મનપાના પદાધિકારીઓને સન્માનિત કરવા પડશે? ભપકાદાર કાર્યક્રમો અને વાસ્તવિક જમીની પરિસ્થિતિ વચ્ચેના આ મોટા તફાવતે એસોસિએશનની વિશ્વસનીયતા સામે મોટું પ્રશ્નાર્થ ચિન્હ મૂકી દીધું છે.


