ચેરમેન જીતુભાઈ લાલની અધ્યક્ષતામાં બેંકમાં સૌપ્રથમ વખત UPI સુવિધાનો શુભારંભ; વરસાદ ખેંચાવાની કપરી સ્થિતિમાં બેંક સદાય ખેડૂતોની પડખે હોવાનો આગેવાનોનો હુંકાર.
જામનગર
ધી જામનગર ડીસ્ટ્રીકટ કો. ઓપ. બેંક લી. દ્વારા બેંકના ચેરમેન શ્રી જીતુભાઈ લાલની કુશળ અધ્યક્ષતામાં ૬૭મી વાર્ષિક સાધારણ સભાનું ભવ્ય અને સફળ આયોજન કરવામાં આવ્યું હતું. બેંકના ઇતિહાસમાં એક નવો અધ્યાય ઉમેરતા, ગ્રાહકોની સુવિધા અર્થે સૌપ્રથમ વખત ‘યુપીઆઈ (UPI)’ સેવાનો વિધિવત શુભારંભ કરવામાં આવ્યો છે. આ ઐતિહાસિક અને પ્રગતિશીલ પગલાંને બિરદાવતા રાજ્યના પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના મંત્રી શ્રીમતી રીવાબા જાડેજાએ પોતાના પ્રાસંગિક ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે, આજના આધુનિક યુગમાં આપણે ડિજિટલ પ્લેટફોર્મ થકી ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યા છીએ, ત્યારે બેંક દ્વારા પૂરી પાડવામાં આવતી આ અત્યાધુનિક સુવિધાઓ અને પારદર્શક કામગીરી ખરા અર્થમાં અભિનંદનને પાત્ર છે. તેમણે ઉપસ્થિત સૌને બેન્કિંગ ક્ષેત્રની વિવિધ આધુનિક સુવિધાઓ અને ડિજિટલ ટ્રાન્ઝેક્શન વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડીને બેંકની ભવિષ્યલક્ષી અને ગ્રાહક-કેન્દ્રીત કામગીરીની મુક્તકંઠે પ્રશંસા કરી હતી. આ સાધારણ સભા માત્ર વાર્ષિક લેખા-જોખા પૂરતી સીમિત ન રહેતા, બેંકના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને પારદર્શિતાનું ઉત્તમ ઉદાહરણ બની રહી હતી.

વર્તમાન સમયમાં જ્યારે વરસાદ ખેંચાયો છે અને જગતનો તાત ભારે ચિંતામાં મુકાયો છે, ત્યારે આ સાધારણ સભાને સંબોધતા પૂર્વ કેબિનેટ મંત્રી અને જામનગર ગ્રામ્યના ધારાસભ્ય શ્રી રાઘવજીભાઈ પટેલે ખેડૂતોને હૈયાધારણા આપતા સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, આવી કુદરતી આપત્તિની કપરી પરિસ્થિતિમાં અમારી બેંક સંપૂર્ણપણે ખેડૂતોની પડખે ઊભી છે અને તમામ ખેડૂત ભાઈઓને જરૂરી આર્થિક મદદ પૂરી પાડવા માટે સદાય તત્પર છે. આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં જામનગરના સાંસદ સભ્ય શ્રી પૂનમબેન માડમ, કાલાવડના ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા, જામનગર જિલ્લા ભાજપા પ્રમુખ ડો. વિનુભાઈ ભંડેરી, ખંભાળિયાના ધારાસભ્ય શ્રી મુળુભાઈ બેરા, જામજોધપુરના ધારાસભ્ય શ્રી હેમતભાઈ ખવા, જામનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, ડેપ્યુટી મેયર, શાસક પક્ષના નેતા તેમજ શહેર ભાજપા અધ્યક્ષ શ્રીમતી બિનાબેન કોઠારી સહિતના અનેક રાજકીય તથા સામાજિક આગેવાનોએ ખાસ ઉપસ્થિત રહીને સભાની શોભા વધારી હતી. આ ઉપરાંત, બહોળી સંખ્યામાં બેંકના સભાસદો અને ખેડૂત ખાતેદારોએ પણ ઉત્સાહભેર હાજરી આપી હતી, જે સહકારી માળખા અને બેંક પ્રત્યેના તેમના અતૂટ વિશ્વાસનું જીવંત પ્રમાણ છે.


