ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીએ રોબિટક આર્મ અને CNC મશીનરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું: ઉદ્યોગ સાથેનો જૂનો નાતો તાજો થયો, સામાજિક સંસ્થાઓ, રાજકીય અને ઔદ્યોગિક આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિ
જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશન દ્વારા આયોજિત ભવ્ય ‘ટેક-ફેસ્ટ એક્સ્પો ૨૦૨૬’ આજે શુક્રવારે જાણે ઉદ્યોગ સાહસિકો માટે તીર્થધામ બની ગયું હતું.

જામનગરના વિશ્વવિખ્યાત બ્રાસ ઉદ્યોગમાં શુક્રવારે સાપ્તાહિક રજા હોવાથી, આ અવસરનો લાભ લેવા માટે શહેરના હજારો નાના-મોટા કારખાનેદારો, વેપારીઓ અને કામદારોની ભીડ પ્રદર્શન નિહાળવા ઉમટી પડી હતી.

૨૬૫થી વધુ સ્ટોલ ધરાવતા આ વિશાળ એક્ઝિબિશનમાં લેઉવા પટેલ સમાજના પ્રમુખ અને કારોબારી સભ્યો, પૂર્વ ભાજપ શહેર પ્રમુખ વિમલભાઈ કગથરા સહિત અનેક રાજકીય પદાધિકારીઓ, સરકારી અધિકારીઓ અને અગ્રણી ઉદ્યોગપતિઓએ ખાસ હાજરી આપી હતી. રજાના દિવસનો સદુપયોગ કરી નવી ટેકનોલોજી જાણવા માટે ઉમટેલા માનવ મહેરામણથી એક્સ્પો સેન્ટર ધમધમી ઉઠ્યું હતું અને આયોજકોની મહેનત રંગ લાવી હતી.

આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ જામનગરના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીની વિશેષ મુલાકાત રહી હતી. દિવ્યેશભાઈ સ્વયં વર્ષોથી બ્રાસ પાર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાથી, ટેક-ફેસ્ટમાં તેમણે માત્ર એક અતિથિ તરીકે નહીં પરંતુ એક અનુભવી ઉદ્યોગકારની દ્રષ્ટિએ મશીનરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે પ્રદર્શન દરમિયાન સીએનસી (CNC), વીએમસી (VMC), સેમી-ઓટોમેટિક અને ફુલ્લી ઓટોમેટિક મશીનોની કાર્યક્ષમતા રસપૂર્વક નિહાળી હતી. ખાસ કરીને બ્રાસ પાર્ટના ઉત્પાદનમાં ક્રાંતિ લાવનાર અદ્યતન ‘રોબર્ટ આર્મ ટેકનોલોજી’ અને ઓટોમેશન પ્રોસેસ જોઈને તેઓ અત્યંત પ્રભાવિત થયા હતા અને મશીનરીના લાઈવ ડેમોન્સ્ટ્રેશન (નિદર્શન) દ્વારા ઝીણવટભરી માહિતી મેળવી હતી.

ટેકનોલોજી અને પરંપરાગત ઉદ્યોગના આ સમન્વયને જોઈને તેમણે ઉદ્યોગકારોને આધુનિકીકરણ તરફ વળવા પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.સમગ્ર દિવસ દરમિયાન એક્સ્પોમાં જ્ઞાન અને વ્યાપારનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. એક તરફ જ્યાં રાજકીય અને સામાજિક આગેવાનોએ ઉદ્યોગકારોની પીઠ થાબડી હતી, તો બીજી તરફ ૨૬૫ જેટલા સ્ટોલ ધારકોએ પોતાની શ્રેષ્ઠ પ્રોડક્ટ્સ અને મશીનરીનું પ્રદર્શન કરી મુલાકાતીઓને મંત્રમુગ્ધ કર્યા હતા. શુક્રવારની રજા હોવાને કારણે ફેક્ટરી ઓનર્સને નિરાંતે મશીનરી સમજવાનો અને ભાવિ પ્લાનિંગ કરવાનો ઉત્તમ અવસર મળ્યો હતો. આધુનિક માશીનોના આ પ્રદર્શન થકી જામનગરના બ્રાસ ઉદ્યોગને વૈશ્વિક કક્ષાએ લઈ જવા માટે નવી દિશા મળી છે. આયોજકો, મુલાકાતીઓ અને અતિથિઓના ઉત્સાહને જોતા એમ ચોક્કસ કહી શકાય કે આ ટેક-ફેસ્ટ જામનગરના ઔદ્યોગિક વિકાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થશે.



