જી.આઈ.ડી.સી. પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસીએશન (દરેડ) દ્વારા આયોજિત છઠ્ઠી મેગા એડિશન માટે તખ્તો તૈયાર: ૨૬૫થી વધુ સ્ટોલ્સના માધ્યમથી નવીનતમ ટેકનોલોજી અને ઉદ્યોગ સાહસિકતા વચ્ચે રચાશે મજબૂત સેતુ

ગુજરાતના ધમધમતા ઔદ્યોગિક ક્ષેત્રમાં ‘બ્રાસ સિટી’ તરીકે પોતાની અલાયદી ઓળખ પ્રસ્થાપિત કરનાર જામનગર શહેર, હવે ઔદ્યોગિક ક્રાંતિની દિશામાં એક નવું સીમાચિહ્ન અંકિત કરવા જઈ રહ્યું છે, જેના માટે જી.આઈ.ડી.સી. પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસીએશન (દરેડ) દ્વારા આયોજિત “ટેક ફેસ્ટ ઈન્ડસ્ટ્રીઝ ફેર”ની ભવ્ય ૬ઠ્ઠી (સિક્સથ) એડિશનનો આવતીકાલે, તારીખ ૭ જાન્યુઆરીથી રાજકોટ-ખંભાળીયા બાયપાસ રોડ પર સ્થિત જી.આઈ.ડી.સી. ફેસ-૩ ખાતે વિધિવત પ્રારંભ થઈ રહ્યો છે. જામનગરની ધરા પર છેલ્લા પાંચ દાયકાથી ૧૦,૦૦૦થી પણ વધુ નાના-મોટા બ્રાસપાર્ટસના એકમો કાર્યરત છે, ત્યારે આ ઉદ્યોગોને વૈશ્વિક બજારના પડકારો ઝીલવા સક્ષમ બનાવવા અને ગુણવત્તાના નવા માપદંડો સર કરવા માટે આ ચાર દિવસીય ‘વિરાટ ઔદ્યોગિક પ્રદર્શન’ એક ઉત્પ્રેરક બળ બની રહેશે. દેશભરના પ્રગતિશીલ ઉદ્યોગકારો ૨૬૫ જેટલા અત્યાધુનિક સ્ટોલ્સમાં પોતાની શ્રેષ્ઠ પ્રોડક્ટ્સ અને લાઈવ મશીનરીનું નિદર્શન કરવા સજ્જ છે, જેથી જામનગરના સ્થાનિક ઉત્પાદકોને ઘરઆંગણે જ આવતીકાલથી વિશ્વસ્તરીય ટેકનોલોજી નિહાળવાની અને અપનાવવાની સુવર્ણ તક સાંપડશે.

આ આયોજન પાછળ જી.આઈ.ડી.સી. પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસીએશન (દરેડ)નો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર પ્રદર્શન પૂરતો સીમિત નથી, પરંતુ જામનગરના પરંપરાગત ઉદ્યોગોને વૈજ્ઞાનિક ઢબે વિકસાવવાનો અને આધુનિકીકરણ (Modernization) તરફ વાળવાનો છે, જેથી ઉત્પાદન પ્રક્રિયા વધુ ઝડપી અને ગુણવત્તાયુક્ત બની શકે. આ મહત્વકાંક્ષી અભિયાનમાં એસોસીએશનને ‘સનલાઈન ઈન્ફોટેક ઈવેન્ટ ઈન્ડીયા’ જેવી પ્રોફેશનલ એજન્સીનો સાથ મળતા સમગ્ર વ્યવસ્થાપન આંતરરાષ્ટ્રીય કક્ષાનું બન્યું છે. આ મેગા ઈવેન્ટ ઉદ્યોગ સાહસિકો માટે જ્ઞાનના આદાન-પ્રદાનનું એક સશક્ત કેન્દ્ર બની રહેશે, જ્યાં મશીનરીના પ્રદર્શનની સાથે ઉત્પાદન ખર્ચ ઘટાડવા અને કાર્યક્ષમતા વધારવા જેવી બાબતો પર વિશેષ ભાર મૂકવામાં આવશે; વાસ્તવમાં આ પ્લેટફોર્મ જૂની પેઢીના બહોળા અનુભવ અને નવી પેઢીની ડિજિટલ વિચારસરણી વચ્ચે એક અનોખો ‘સમન્વય’ સાધશે જે જામનગરના અર્થતંત્રને નવી દિશા ચીંધશે.

આ મેગા ઈન્ડસ્ટ્રીઝ ફેરની વ્યાપકતાનો અંદાજ એ બાબત પરથી આવે છે કે, તેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રતિષ્ઠિત સંસ્થાઓ સહિત વિવિધ વ્યાપારી સંગઠનોનું મજબૂત પીઠબળ પ્રાપ્ત થયું છે. આ સહયોગીઓમાં ગુજરાત પોલ્યુસન કન્ટ્રોલ બોર્ડ, ઈન્ડસ્ટ્રીયો એકસટેન્સન બ્યુરો (iNDEXTb), ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન (GIDC), ભારત સરકારની મિનિસ્ટ્રી ઓફ એમ.એસ.એમ.ઈ., ગુજરાત એનર્જી ડેવલોપમેન્ટ એજન્સી (GEDA), ધી નેશનલ સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ (NSIC) અને ફેડરેશન ઓફ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ એસોસીએશનસ ગુજરાત (FIA) જેવી સંસ્થાઓ અગ્રિમ હરોળમાં છે. આ ઉપરાંત, સ્થાનિક અને પ્રાદેશિક સ્તરે જામનગર ચેમ્બર ઓફ કોમર્સ, જામનગર ફેકટરી ઓનર્સ એસોસીએશન, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ, રાજકોટ એન્જીનીયરીંગ એસોસીએશન, જામનગર એક્ઝીમ મેટલ મર્ચન્ટ એસોસીએશન, સાપર વેરાવલ અને લોધીકા ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશન, શ્રી જામનગર સહકારી ઉદ્યોગ સંઘ, લઘુ ઉદ્યોગ ભારતી અને સુરતથી સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ (SGCCI) જેવા સંગઠનોની સક્રિય ભાગીદારી આ ઈવેન્ટને રાજ્યવ્યાપી મહત્વ અપાવે છે.

ટેક ફેસ્ટના શુભારંભની ગૌરવવંતી પળોને માણવા માટે ઉદ્ઘાટન સમારોહ આવતીકાલે, તારીખ ૭ જાન્યુઆરીના રોજ સવારે ૯:૩૦ કલાકે નિર્ધારિત કરવામાં આવ્યો છે, જ્યાં ધર્મસત્તા અને રાજસત્તાનો સુમેળ જોવા મળશે. આ અવસરે શ્રી પ નવતન પુરીધામ ખીજડા મંદિરના પરમ પૂજ્ય આચાર્ય શ્રી કૃષ્ણમણીજી મહારાજના હસ્તે મંગલ દીપ પ્રાગટ્ય થશે; સાથે જ ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, શિક્ષણ મંત્રી શ્રીમતી રીવાબા જાડેજા, સાંસદ શ્રીમતી પૂનમબેન માડમ અને મેયર શ્રી વિનોદભાઈ ખીમસુરીયાની વિશેષ ઉપસ્થિતિ ઉદ્યોગકારોમાં નવા જોમનો સંચાર કરશે. વિશેષમાં, ૭૭-જામનગર (ગ્રામ્ય)ના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, પૂર્વ મંત્રી શ્રી આર.સી. ફળદુ, ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા અને શ્રી દિવ્યેશભાઈ અકબરી સહિતના મહાનુભાવોની પ્રેરક હાજરી, સરકાર અને ઉદ્યોગ જગત વચ્ચેના મજબૂત સંબંધોની સાક્ષી પૂરશે.
આટલા વિશાળ ફલક પર આયોજિત કાર્યક્રમને સફળતાના શિખરે લઈ જવા માટે એસોસીએશનના હોદ્દેદારોએ છેલ્લા કેટલાય સમયથી રાત-દિવસ એક કર્યા છે અને હવે તે મહેનત રંગ લાવવા જઈ રહી છે. આયોજનના સફળ સુકાની તરીકે એસોસીએશનના પ્રમુખ શ્રી વિષ્ણુભાઈ એમ. પટેલ, ઉપપ્રમુખ શ્રી અતુલભાઈ જી. પટેલ, મંત્રી શ્રી જીગ્નેશભાઈ બી. લાવટી અને ખજાનચી શ્રી જીતેનભાઈ કે. શાહ પોતાની આગવી સૂઝબૂઝથી નેતૃત્વ કરી રહ્યા છે. સાથે જ ‘ટેક ફેસ્ટ’ની જવાબદારી વહન કરતા ઈવેન્ટ ચેરમેન શ્રી અશોકભાઈ કાછડીયા, જોઈન્ટ ઈવેન્ટ ચેરમેન શ્રી પરેશભાઈ હરપાલ, ઈવેન્ટ વાઈસ ચેરમેન શ્રી પરેશભાઈ વાઘર, જોઈન્ટ વાઈસ ચેરમેન શ્રી અશોકભાઈ દોમડિયા અને ઈવેન્ટ મંત્રી શ્રી પિયુષભાઈ પાંભર તથા સમગ્ર કારોબારી ટીમ સજ્જ છે, જેથી આવતીકાલથી જામનગરના આંગણે આકાર લઈ રહેલો આ મહોત્સવ ઔદ્યોગિક વિકાસયાત્રામાં એક સોનેરી પૃષ્ઠ ઉમેરશે.


