spot_img

આંતરરાષ્ટ્રીય કુર્મી સેના દ્વારા રાજકોટમાં અગામી 27 ઓક્ટોબરે પૂર્વ મુખ્યમંત્રી પદ્મભૂષણ સ્વ.કેશુભાઈ પટેલ ની ભવ્ય સ્મરણાંજલિ સભા યોજાશે: સામાજિક- રાજકીય ક્ષેત્રના મહાનુભાવો સહીત દેશના 10 થી વધુ રાજ્યોમાંથી કુર્મિ પટેલ સમાજના આગેવાનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે

આંતરરાષ્ટ્રીય કુર્મી સેના દ્વારા રાજકોટમાં અગામી 27 ઓક્ટોબરે પૂર્વ મુખ્યમંત્રી પદ્મભૂષણ સ્વ.કેશુભાઈ પટેલ ની ભવ્ય સ્મરણાંજલિ સભા

કેશુ બાપા ની ચોથી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય આયોજન : સામાજિક- રાજકીય ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહેશે

દેશના 10 થી વધુ રાજ્યોમાંથી કુર્મિ પટેલ સમાજના આગેવાનો કાર્યક્રમમાં હાજર રહેશે

કુર્મી સેના દ્વારા આગામી સમયમાં કેશુભાઈ પટેલ સ્મૃતિ સંસ્થાન, આંતરરાષ્ટ્રીય સમૂહ લગ્ન સહિતના અનેક પ્રકલ્પોની કાર્યક્રમમાં જાહેરાત કરાશે

કેશુબાપાના જીવનસંઘર્ષ પર આધારિત પુસ્તકનું વિમોચન કરવામાં આવશે : કેશુબાપાનાં જીવન પર આધારિત શોર્ટ ફિલ્મનું હજારો ચાહકોની ઉપસ્થિતિમાં સ્ક્રિનિંગ કરવામાં આવશે

સર્વે સમાજના યુવાનો,માતાઓ, વડીલો, ભાઈઓ, બહેનો ને સ્વ.કેશુભાઈ પટેલની રાજકોટ, બાપા સીતારામ ચોક, મવડી ખાતે આયોજિત શ્રદ્ધાંજલિ સભામાં ઉપસ્થિત રહેવા આહવાન

કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો અને માનવમેદનીની હાજરીમાં રાજકોટના હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટને કેશુભાઈ પટેલ ના નામ સાથે જોડવાનો ઠરાવ પસાર કરવામાં આવશે

રાજકોટ તા.24 સમગ્ર ભારતમાં વસતા કૂર્મી પટેલોની સામાજિક એકતા અને વૈચારિક ક્રાંતિના ઉદેશ્યથી નવગઠિત સામાજિક સંગઠન “આંતરરાષ્ટ્રીય કુર્મી સેના” દ્વારા ગુજરાત રાજ્યમાં તેનો સૌ પ્રથમ કાર્યક્રમ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને કરોડો લોકોના હૃદયમાં બિરાજતા પદ્મભૂષણ સ્વ.કેશુભાઈ પટેલની સ્મરણાંજલિ સભાના સ્વરૂપમાં બાપાસીતારામ ચોક, મવડી- રાજકોટ ખાતે આગામી 27 ઓક્ટોબર રવિવારના રોજ રાત્રે 8:00 કલાકે રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમ બાબતે આજરોજ પ્રેસ કોન્ફરન્સ દ્વારા “આંતરરાષ્ટ્રીય કૂર્મી સેના” સંસ્થાપક સદસ્યો જિજ્ઞેશ કાલાવડિયા, ચિરાગ પટેલ(અમદાવાદ )અને ચિરાગ કાકડીયા એ કાર્યક્રમની વિગતો જણાવી હતી તે મુજબ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને પદ્મભૂષણ કેશુભાઈ પટેલ ની ચતુર્થ પુણ્યતિથિ નિમિત્તે રાજકોટ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં સમગ્ર રાજ્યમાંથી રાજકીય – સામાજિક મહાનુભાવો તથા 10 થી વધુ રાજ્યોમાંથી કુર્મિ પટેલ સમાજના સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહેશે અને સ્વ કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. કાર્યક્રમના આયોજનને લઈને આયોજકો દ્વારા છેલ્લા ત્રણ મહિનાથી સતત તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

ગુજરાત રાજ્યમાં આવેલ પાટીદાર સમાજની તમામ સંસ્થાના મુખ્ય મુખ્ય આગેવાનોને રૂબરૂ મળીને કાર્યક્રમનું આમંત્રણ આપવામાં આવ્યું છે તથા આ કાર્યક્રમમાં સર્વે સમાજની ભાગીદારી રહે તે માટે દરેક સમાજના આગેવાનો સુધી હાલ આમંત્રણ આપવાનું કામ ચાલી રહ્યું છે. સ્વ.કેશુભાઈ પટેલની આ ભવ્યાતિ ભવ્ય સ્મરણાંજલિ સભામાં તેમના સમગ્ર જીવનસંઘર્ષ ની સફરને ઉજાગર કરતું પુસ્તક “ધરતીપુત્ર કેશુભાઈ”નું વિમોચન કરવામાં આવશે. આ પુસ્તકના લેખક મેઈન સ્ટ્રીમ મીડિયામાં લગભગ તમામ માતબર અખબારોમાં કામ કરી ચૂકેલા સિનિયર પત્રકાર- લેખક- તંત્રી એવા દિલીપભાઈ પટેલ છે. તેમના દ્વારા પૂર્વ પણ કેશુભાઈ પટેલ પર એક નાનકડી પુસ્તિકા નો આલેખન કરવામાં આવ્યું હતું.

સ્મરણાંજલિ સભાના કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદની સમક્ષ સ્વ કેશુભાઈ પટેલના જીવન પર આધારિત એક શોર્ટ ફિલ્મનું પણ સ્ક્રિનિંગ કરવામાં આવશે. આ શોર્ટ ફિલ્મ કસુંબો જેવી ફિલ્મના આસિસ્ટન્ટ ડાયરેક્ટ રહી ચૂકેલા ઋષભભાઈ ભાવસારના ડાયરેક્શનમાં બનાવવામાં આવી છે.

કેશુભાઈ પટેલની શ્રદ્ધાંજલિ સભામાં સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિના લોકપ્રિય લોક સાહિત્યકાર અને પોતાની આગવી શૈલી માટે જાણીતા મનસુખભાઈ વસોયા, દાદુભાઇ ગઢવી સહિતના કલાકારો દ્વારા સરદાર પટેલ અને સ્વ.કેશુભાઈ પટેલના જીવન પર તેમની આગવી શૈલીમાં રજૂઆત કરવામાં આવશે. કાર્યક્રમમાં આવનાર જનતા જનાર્દન માટે પણ અનેક આકર્ષણો મૂકવામાં આવ્યા છે જેમાં સરદાર પટેલ અને છત્રપતિ શિવાજીના વિશાળ કટ આઉટ સાથેના સેલ્ફી પોઇન્ટ તથા સ્વ .કેશુભાઈ પટેલના વિશાળ કટ આઉટ મેદાનમાં નજરે ચડશે. સ્વ .કેશુભાઈ પટેલ દ્વારા તેમના મુખ્યમંત્રીકાળ દરમિયાન સમગ્ર ગુજરાત રાજ્યની પ્રજા માટે જે આયોજનો કરવામાં આવ્યા હતા તેની ઝલક પણ કાર્યક્રમ દરમિયાન આપવામાં આવશે. સ્વ . કેશુભાઈ પટેલ દ્વારા નર્મદા ડેમ નું પાણી પાઇપલાઇન દ્વારા સૌરાષ્ટ્ર સુધી પહોંચાડી ગામડાઓ અને શહેરોને પીવાના પાણીની સમસ્યાથી મુક્ત કર્યા હતા, ગુજરાત રાજ્યમાં પ્રચલિત ગુંડાગીરી સામે અવાજ ઉઠાવી તેને નાબૂદ કરી હતી, ગોકુળ ગ્રામ યોજના દ્વારા ગામડાઓને પણ શહેરો જેવા પાકા રોડ રસ્તાઓ આપ્યા હતા, જ્યોતિ ગ્રામ યોજના દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં 24 કલાક વીજળી મળી રહે તે પ્રકારનું અદકેરું આયોજન કર્યું હતું, સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં હજારો ચેકડેમ બનાવીને પાણીનું તળ ઊંચું લાવી ખેતી અને ખેડૂતોને અનન્ય ભેટ આપી હતી. આવી તો અનેક યોજનાઓ કેશુભાઈ પટેલ ના મુખ્યમંત્રી કાળમાં ગુજરાતની જનતાને મળી છે ત્યારે આપણે સૌએ પણ તેમની યાદગીરીને જીવંત રાખવી જોઈએ તે હેતુથી કેશુભાઈ પટેલ સ્મૃતિ સંસ્થાન બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે જેની ઘોષણા કાર્યક્રમ દરમિયાન કરવામાં આવશે.સ્વ .કેશુભાઈ પટેલની સ્મરણાંજલિ સભામાં ઉપસ્થિત સામાજિક મહાનુભાવો અને જનમેદની ની હાજરીમાં રાજકોટ ખાતે આવેલા આંતરરાષ્ટ્રીય હવાઈ મથક નું નામ “સ્વ . કેશુભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ” આપવામાં આવે તેવો ઠરાવ પણ કરવામાં આવશે,

આગામી સમયમાં સરકાર સમક્ષ આ બાબતને લઈને વિધિવત રજૂઆત કરવામાં આવે તેવું પણ આયોજન “આંતરરાષ્ટ્રીય કૂર્મી સેના” દ્વારા કરવામાં આવ્યું છે સમગ્ર કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને આપણા સૌના લોકલાડીલા કેશુભાઈ પટેલને ભવ્યાતિ ભવ્ય શ્રદ્ધાંજલિ આપીએ તે હેતુથી ભાઈઓ-બહેનો- માતાઓ વડીલોને કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉમટી પડવા આયોજકો વિજય શિયાણી, ધવલ વડાલિયા, સંજય ખીરસરિયા, ભાસ્કર પટેલ, કેતન તાળા, રામાનુજ પટેલ, નરેન્દ્ર પટેલ દ્વારા આહવાન કરવામાં આવ્યું છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles