ખાટી કેરીના ગોઠલા જેવું રાજકરણ” જામનગર ભાજપમાં આંતરિક કલહ સપાટી પર મહામંત્રી ભાવેશ ઠુમ્મરની હકાલપટ્ટી

ધારાસભ્ય દિવ્યેશ અકબરીની ‘જી હજૂરી’ ન કરતા ભોગ બન્યાનો ભાવેશ ઠુમ્મરનો ખુલાસો; લેઉવા પટેલ સમાજના ભાવેશ કાનાણીને સોંપાઈ મહામંત્રીની નવી જવાબદારી

1294708

જામનગર ભારતીય જનતા પાર્ટીના આંતરિક રાજકારણમાં હાલ ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. પક્ષ માટે રાત-દિવસ મહામહેનત કરનાર નેતાઓને કેરીના ગોટલાનો કસ કાઢીને ફેંકી દેવામા આવે એ સમાન નીતિનો ભોગ બનવું પડ્યું હોવાનો કડવો અહેસાસ ખુદ ભાજપના જ પૂર્વ મહામંત્રી ભાવેશ ઠુમ્મરને થયો છે. જામનગર ભાજપના સંગઠનમાં મોટો ફેરફાર કરીને પ્રદેશ નેતૃત્વ દ્વારા ભાવેશ ઠુમ્મરને અચાનક ઘરે બેસાડી દેવાયા છે અને તેમના સ્થાને લેઉવા પટેલ સમાજના સક્રિય કારોબારી સભ્ય ભાવેશ કાનાણીની નવા મહામંત્રી તરીકે તાજપોશી કરવામાં આવી છે. આ રાતોરાત થયેલા ફેરફારથી સ્થાનિક રાજકારણમાં અનેક તર્ક-વિતર્કો સર્જાયા છે.


આ સમગ્ર ઘટનાક્રમ પાછળ જામનગરના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીનું અંદરોઅંદરનું રાજકારણ જવાબદાર હોવાનો સીધો અને સનસનીખેજ આક્ષેપ ભાવેશ ઠુમ્મરે કર્યો છે. ઠુમ્મરના સ્પષ્ટ એકરાર મુજબ, તેઓ ધારાસભ્યના ઇશારે ચાલતા ન હતા અને તેમના મનગમતા કાર્યો કરવા કે તેમની ‘હા માં હા’ મેળવવામાં તેઓ બંધબેસતા ન હતા. લાંબા સમયથી બંને નેતાઓ વચ્ચે ચાલતા આંતરિક અણગમાના પરિણામે જ ધારાસભ્યે પ્રદેશ પ્રમુખને રજૂઆત કરીને તેમને પદ પરથી હટાવી રિપ્લેસ કરાવ્યા છે.

ભાવેશ ઠુમ્મરે કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, જો પક્ષના ધારાસભ્યોની મનગમતી આજ્ઞાનું આંધળું પાલન કરતા રહીએ તો જ તેમના માનીતા બની શકાય છે, અન્યથા મારા જેમ ભોગ બનવાનો વારો આવે છે.


સંગઠનના આ આંતરિક કલહ અને પદ પરથી હટાવાયા બાદ રાજીનામાના મુદ્દે ભાવેશ ઠુમ્મરે પોતાની પક્ષ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવતા સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું છે કે, અત્યાર સુધી તેમને પક્ષના કોઈ જ નેતા દ્વારા રાજીનામું આપવા અંગે જણાવાયું નથી. જોકે, તેમણે ખુલ્લા મને સ્વીકાર્યું છે કે જો પાર્ટી તરફથી તેમને રાજીનામું આપવા માટે કહેવામાં આવશે તો તેઓ આજે જ પોતાનું રાજીનામું ધરી દેવા માટે તત્પર છે. પક્ષના કોઈપણ હુકમ કે આદેશને શિરોમાન્ય રાખવાની તૈયારી દર્શાવીને તેમણે આ સ્થાનિક રાજકીય કાવાદાવાઓ વચ્ચે પોતાનું શિસ્તબદ્ધ વલણ સ્પષ્ટ કરી દીધું છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles