જૂન માસ પૂર્ણ થવા આવ્યો છતાં વરસાદ ખેંચાતા નદી-નાળાં અને ચેકડેમ સુકાયા, પશુઓનો ઘાસચારો ખૂટ્યો અને આગોતરા વાવેતર કરેલા કપાસ-મગફળીના પાક બચાવવા ખેડૂતોની સરકાર સમક્ષ આજીજી.

જામનગર: સામાન્ય રીતે જૂન મહિનાના અંત સુધીમાં રાજ્યમાં વિધિવત રીતે ચોમાસું બેસી જતું હોય છે, પરંતુ આ વર્ષે જુલાઈ માસ દસ્તક દઈ રહ્યો હોવા છતાં આકાશમાંથી વરસાદનો એક છાંટો પણ ન પડતાં જગતનો તાત ભારે ચિંતાતુર બન્યો છે.
મેઘરાજા સમયસર ન પધારતા નદી, નાળાં અને ચેકડેમો સંપૂર્ણપણે સુકાઈ ભઠ્ઠ થઈ ગયા છે અને ખેડૂતોના પશુઓ માટેના ઘાસચારાની પણ તીવ્ર અછત સર્જાઈ છે. અનેક ખેડૂતો હજુ પણ વાવણીલાયક વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે; પરંતુ બીજી તરફ, જે ખેડૂતોએ વરસાદની આશાએ કપાસ અને મગફળી સહિતના પાકોનું આગોતરું વાવેતર કરી દીધું હતું, તેઓની હાલત અત્યંત કફોડી બની છે.
પાણી વિના ખેતરોમાં ઊભો આગોતરો પાક હવે ચીમળાઈને સુકાઈ રહ્યો છે, જેના કારણે ખેડૂતોના માથે આર્થિક સંકટ તોળાઈ રહ્યું છે.વરસાદ ખેંચાવાની આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે મરવા પડેલા આગોતરા પાકોને બચાવવા અને પશુઓને જીવાડવા માટે ખેડૂતોને હવે નર્મદાના પાણીની તાતી જરૂરિયાત ઊભી થઈ છે. રાજ્યના ખેડૂતો સરકાર સમક્ષ તાત્કાલિક ધોરણે નર્મદા કેનાલના દરવાજા ખોલીને તેમજ ‘સૌની યોજના’ હેઠળ સૂકી નદીઓ અને કેનાલોમાં નર્મદાના નીર વહેવડાવવા માટે ઉગ્ર માંગ કરી રહ્યા છે.
ખેડૂતોની આટલી વિકટ સ્થિતિ હોવા છતાં સરકાર જાણે ‘પાણીમાં બેઠી હોય’ તેવી નિષ્ક્રિયતા દાખવી રહી હોવાનો જગતના તાતમાં ભારે રોષ અને નિરાશા જોવા મળી રહી છે. જો સત્વરે સિંચાઈ માટે કેનાલો મારફતે પાણી પૂરું પાડવામાં નહીં આવે તો મોટું નુકસાન વેઠવાનો વારો આવશે, તેથી સરકાર તાત્કાલિક જાગે અને ખેડૂતોના હિતમાં નિર્ણય લે તેવી માંગ પ્રબળ બની છે.


