spot_img

જામનગર ના બેડી વિસ્તારમાં પ્રખ્યાત સાયચા ગેંગની મિલકતો પર પોલીસ તંત્ર નો જબરો પ્રહાર

એડવોકેટ ની હત્યા નીપજાવનારા ગુન્હેગારો ની મિલકતો પર વહેલી સવારથી બુલડોઝર ફેરવી દેવાતાં ભારે દોડધામ

સાયચા ગેંગની જુદી જુદી છ મિલકતોને જમીનદોસ્ત કરવા માટે એસ.પી. ની આગેવાનીમાં જબરુ ઓપરેશન

અગાઉ ત્રણ બંગલાને જમીન દોસ્ત કર્યા પછી આજે વધુ છ મિલકતો ના દબાણ દૂર કરી ૫૫ હજાર વર્ગ ફૂટ જમીન ખુલ્લી કરાવવા તંત્રની કાર્યવાહી.

જામનગર તા ૧૮, જામનગરના એડવોકેટની હત્યા નીપજાવવાનો જેના પર આરોપ લગાવાયો છે, તે સાયચા ગેંગ હત્યાની ઘટનાને અંજામ આપી ભાગી છુટ્યા પછી તેઓની મિલકતોને નેસ્ત નાબૂદ કરી દેવા માટે પોલીસ તંત્રએ કમર કસી છે, અને ખુદ જિલ્લા પોલીસવડા આજે વહેલી સવારથી મેદાનમાં આવી ગયા છે, અને સાયચા ગેંગના સમગ્ર સામ્રાજ્યને નેસ્ત નાબૂદ કરી દેવાના ભાગરૂપે બેડી વિસ્તારમાં આજે મેગા ડિમોલેશન હાથ ધર્યું છે. અગાઉ ત્રણ બંગલા જમીનદોસ્ત કર્યા પછી આજે સાયચા ગેંગની વધુ છ મિલકતો પર બુલડોઝર ફેરવી દેવાયું છે, અને સરકારી કરોડો રૂપિયાની કીમતી ગણાતી ૫૫ હજાર વર્ગ ફૂટ જમીનને ખુલ્લી કરાવવા માટેની કાર્યવાહી હાથ ધરાઈ છે. જેને લઈને બેડી વિસ્તારમાં ભારે હલચલ મચી ગઈ છે. જામનગરના પચવટી વિસ્તારમાં રહેતી એક શિક્ષિકા ને આત્મહત્યા ની ફરજ પાડવા માટેનો સૌપ્રથમ સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં સાયચા ગેંગના બે શખ્સો સામે ગુનો નોંધાયો હતો. જે કેસમાં પોલીસે બંનેની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા, ત્યારબાદ અદાલતમાં જામીન અરજીની સુનાવણી વખતે અદાલતી તારીખમાં શિક્ષિકા આપઘાત કેસ ના ફરિયાદી બનેલા મૃતકના ભાઈ અને તેના વતી કેસ લડતા વકીલ હારૂન પલેજા કે જેને અદાલતમાં ધાકધમકી અપાઈ હતી. જે અંગેનો બીજો ગુનો પણ પોલીસમાં નોંધાવાયો હતો. ત્યારબાદ સમગ્ર ઘટનાનું મનદુઃખ રાખીને સાયચા ગેંગના સાગરીતો એ મળીને તાજેતરમાં જામનગરના એડવોકેટ હારુન પલેજા ની સરા જાહેર હત્યા કરવામાં આવી હતી. જે બનાવ ના સંદર્ભમાં પોલીસે સાયચા ગેંગ ના ૧૫ સભ્ય સામે ગુનો નોંધ્યો છે, અને હાલ આરોપીઓ ભાગી છૂટ્યા હોવાથી તમામની શોધખોળ ચલાવાઇ રહી છે. રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી ના ગુન્હેગારો ને ડામી દેવાના આહવાન બાદ જામનગરમાં કોઈ પણ પ્રકારની ગેંગવોર રહે નહીં, અને આવા ગેંગ ના સભ્યોને નેસ્ત નાબૂદ કરવા માટેની જિલ્લા પોલીસવડા ને ખાસ સુચના અપાઇ હતી. જેના અનુસંધાને એસ.પી. પ્રેમસુખ ડેલૂ સમગ્ર પ્રકરણ મામલે એક્શનમાં આવી ગયા છે, અને ગેંગવોર ખતમ કરી દેવાના ભાગરૂપે આજે વહેલી સવારથી બેડી વિસ્તારમાં મેગા ડિમોલેસન હાથ ધર્યું હતું. સાયચા ગેંગ સામે અગાઉથી સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંગેની જુદી જુદી બે ફરિયાદો નોંધવામાં આવી છે, જેની પણ તપાસ ચાલુ છે. અને તેના અનુસંધાને સાયચા ગેંગ ના અગાઉ ત્રણ બંગલાને તોડી પાડવામાં આવ્યા હતા, અને તેના પર બુલડોઝર ફેરવાયું હતું. ત્યારબાદ આ પ્રક્રિયા આગળ ધપાવવામાં આવી છે, અને આજે સાયચા ગેંગની એકી સાથે વૈભવી બંગલા સહિતની વધુ છ મિલકતો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. જામનગરના એસ.પી સાથે જયેન્દ્રસિંહ ઝાલા તેમજ સીટી બી. ડિવિઝન નો પોલીસ સ્ટાફ, એલસીબી ની ટુકડી, એસ.ઓ.જી. ની ટિમ સહિતની પોલીસ ટુકડીઓ સ્થળે પહોંચી ગઇ હતી, અને બેડી વિસ્તારમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. જેઓની સાથે શહેર વિભાગના મામલતદાર ની ટીમ અને જામનગર મહા નગરપાલિકાની દબાણ હટાવ શાખાની ટુકડી વગેરે જોડાયા હતા, અને બુલડોઝર ની મદદથી સાયચા ગેંગની વધુ છ મિલકતો પર ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અને અંદાજે ૫૫ હજાર વર્ગ ફૂટ જમીનને ખુલ્લી કરવા માટેની કાર્યવાહી ચાલી રહી છે. આ મેગા ડીમોલેશનને લઈને સમગ્ર બેડી વિસ્તારમાં સોપો પડી ગયો છે. હાલ સાયચા ગેંગના તમામ સભ્યો ભાગી છૂટ્યા છે, પરંતુ તેઓની મિલકત ને જમીનદોસ્ત કરી દેવાઇ છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles