કાર્યકારી અધ્યક્ષની આગેવાનીમાં પ્રાથમિક શિક્ષણથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધીની વરવી વાસ્તવિકતા ઉજાગર કરાઈ. એક શિક્ષકવાળી શાળાઓ, ડમી સ્કૂલો, ભરતીમાં થતા કોર્ટ કેસ અને યુનિવર્સિટીઓના ભગવાકરણ જેવા મુદ્દાઓ પર ઉગ્ર વિરોધ પ્રદર્શન.
રાજકોટ:
ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાની કથળતી સ્થિતિ અને સરકારની કથિત આંધળી નીતિઓના વિરોધમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ઇન્દ્રવિજયસિંહ ગોહિલની અધ્યક્ષતામાં કોંગ્રેસના શિક્ષણ વિભાગ દ્વારા રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રાંગણમાં એક વિશાળ ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં જામનગર યુવક કોંગ્રેસના પ્રમુખ ડો. તોસિફખાન પઠાણ, ગુજરાત યુવક કોંગ્રેસના મહામંત્રી શક્તિસિંહ જેઠવા, NSUI ગુજરાતના મહામંત્રી મહિપાલસિંહ જાડેજા, તેમજ જાવેદભાઈ ખફી, દર્શનભાઈ રાઠોડ, અને દેવરાજ બાબરીયા સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કોંગ્રેસ દ્વારા રાજ્યના શૈક્ષણિક માળખાની દુર્દશાને ઉજાગર કરતા અનેક ગંભીર મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા, જે પ્રાથમિક શાળાના ઓરડાથી લઈને યુનિવર્સિટીના સંશોધન સુધીની સમસ્યાઓને આવરી લે છે.
કોંગ્રેસના આગેવાનોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, ગુજરાતમાં આજે પણ એવી અસંખ્ય શાળાઓ છે જે માત્ર એક જ શિક્ષકના ભરોસે ચાલી રહી છે, જ્યારે ઘણી શાળાઓ પાસે પોતાના ઓરડા પણ નથી અને તે જર્જરિત મકાનોમાં કાર્યરત છે, જે વિદ્યાર્થીઓના ભવિષ્ય અને સુરક્ષા બંને માટે ખતરારૂપ છે. સરકારની અણઘડ નીતિઓને કારણે વિદ્યાસહાયકોની ભરતી પ્રક્રિયા વારંવાર કોર્ટ કેસમાં ગુંચવાય છે, જેના કારણે લાંબા સમય સુધી ભરતીઓ અટકી પડે છે અને શાળાઓ શિક્ષકોની અછતથી પીડાય છે. ચિંતાજનક વાત એ છે કે છેલ્લા ૩૦ વર્ષથી સંગીત, લાયબ્રેરિયન અને રમતગમતના શિક્ષકોની કોઈ નિમણૂક જ કરવામાં આવી નથી, જે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસના ખ્યાલને જ મારી રહ્યું છે. આધુનિક યુગમાં પણ એક પણ શાળામાં કમ્પ્યુટર શિક્ષકની કાયમી ભરતી ન થવી એ ડિજિટલ ગુજરાતના દાવાઓની પોલ ખોલે છે. રાજકોટ જેવા મોટા શહેરમાં જિલ્લા અને શહેર માટે બે અલગ-અલગ DEO (જિલ્લા શિક્ષણાધિકારી) હોવા જોઈએ તેવી વર્ષો જૂની માંગણી પણ સરકાર દ્વારા સતત અવગણવામાં આવી રહી છે.
વધુમાં, રાજ્યમાં “ડમી શાળાઓ”નું એક મોટું કૌભાંડ ચાલી રહ્યું હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો. ધોરણ ૧૧-૧૨ના વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડની મંજૂરીવાળી શાળાઓમાં માત્ર પ્રવેશ મેળવે છે, જ્યારે ભણતર માટે ખાનગી કોચિંગ સંસ્થાઓમાં NEET-JEEની તૈયારી કરે છે. આવી ડમી શાળાઓ પર સરકાર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. બીજી તરફ, બાલમંદિરોમાં રજીસ્ટ્રેશનની જટિલ પ્રક્રિયાઓ ઊભી કરીને ઘરમાં પારિવારિક કામ કરીને ઘર ચલાવતી હજારો મહિલાઓને બેરોજગાર બનાવી દેવાઈ છે. આ ઉપરાંત, શિક્ષકો પાસે ભણાવવા સિવાયના અસંખ્ય કામો જેવા કે ચૂંટણી કામગીરી, વસ્તી ગણતરી અને સરકારી યોજનાઓના પ્રચારનું ભારણ નાખવામાં આવે છે, જેના કારણે તેઓ શિક્ષણકાર્યને યોગ્ય ન્યાય આપી શકતા નથી અને જે કામ બેરોજગારોને મળી શકે છે તે પણ છીનવાઈ રહ્યું છે. શાળાઓ અને વિદ્યાર્થીઓનો ઉપયોગ ભાજપના રાજકીય કાર્યક્રમોમાં ભીડ એકત્રિત કરવા માટે થતો હોવાનો અને આ મામલે પ્રશાસન આંખ આડા કાન કરતું હોવાનો પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો.
ઉચ્ચ શિક્ષણની સ્થિતિ પણ એટલી જ ચિંતાજનક છે. GCAS પ્રવેશ પદ્ધતિની ખામીઓને કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓ વારંવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ખાનગી યુનિવર્સિટીઓ પર સરકારનો કોઈ જ અંકુશ નથી, જાણે કે માત્ર ફી ઉઘરાવીને ડિગ્રીઓ વેચવાના લાયસન્સ આપી દેવાયા હોય તેવો ઘાટ સર્જાયો છે. આ યુનિવર્સિટીઓમાં કોણ ભણાવે છે, કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, અને કેટલા વિદ્યાર્થીઓ માત્ર ફી ભરીને ડિગ્રી ખરીદે છે તેની કોઈ જ તપાસ થતી નથી. આનું જ પરિણામ છે કે ગુજરાતની એક પણ સરકારી યુનિવર્સિટી NIRF રેન્કિંગમાં પ્રથમ ૧૦૦માં સ્થાન પામી શકી નથી, જે રાજ્યની કથળતી શિક્ષણ વ્યવસ્થાનું જીવંત પ્રતિબિંબ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દર વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યામાં થતો ઘટાડો પણ એક મોટા સંકટ તરફ ઈશારો કરે છે.
કોંગ્રેસે આક્ષેપ કર્યો કે ગુજરાતની યુનિવર્સિટીઓ હવે શિક્ષણના ધામને બદલે RSSની ભગિની સંસ્થાઓ માટે પ્રયોગશાળા બની ગઈ છે. યુનિવર્સિટીઓમાં શૈક્ષણિક સેમિનારને બદલે સંઘની કાર્યશિબિરોનું આયોજન થઈ રહ્યું છે. યુનિવર્સિટીના અધ્યાપકો પોતાના વિષયના શૈક્ષણિક મંડળો અને સંશોધન સંસ્થાઓમાં સભ્ય બનવાને બદલે સંઘની ભગિની સંસ્થાઓમાં હોદ્દેદાર બનવાનું ગૌરવ લઈ રહ્યા છે, જે શિક્ષણના ભોગે રાજકીય વિચારધારાને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ છે. આ જ કારણે કોલેજના લાયક અધ્યાપકોને સંશોધન માટે માર્ગદર્શક (ગાઈડ) ન બનાવીને અન્યાય કરવામાં આવી રહ્યો છે, જેથી સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓને પીએચ.ડી. જેવી ઉચ્ચ ડિગ્રી માટે મજબૂરીવશ ખાનગી યુનિવર્સિટીઓનો સહારો લેવો પડી રહ્યો છે. કોંગ્રેસે માંગણી કરી કે સરકાર આ તમામ મુદ્દાઓ પર તાત્કાલિક ધ્યાન આપે અને ગુજરાતના શૈક્ષણિક માળખાને બચાવવા માટે નક્કર પગલાં ભરે, અન્યથા આવનારી પેઢીનું ભવિષ્ય અંધકારમય બની જશે.


