
જામનગર નજીકના વિભાપરમાં અબોલ પશુઓના મૃતદેહોને અત્યંત ધૃણાસ્પદ રીતે દાટી દેવામાં આવતા ખળભળાટ: માંસ અને હાડકાંનો વેપાર થતો હોવાનો નગરસેવિકાનો સનસનાટીપૂર્ણ આક્ષેપ: મામલો ગુજરાત કોંગ્રેસના એકમાત્ર સાંસદ ગેનીબેન સુધી પહોંચાડવામાં આવશે…
જામનગર મિરર,તા.8: શિવાલયોની નગરી છોટી કાશી જામનગરમાં પવિત્ર શ્રાવણ માસમાં એક નગરસેવિકાના સનસનાટી પૂર્ણ આક્ષેપોએ ખળભળાટ મચાવી દીધો છે. જામનગર નજીકના વિભાપરમાં બહુ ક્રૂર રીતે ગૌવંશના મૃતદેહોને જેસીબી વડે જમીનમાં દાટી દેવામાં આવી રહ્યા છે. વિભાપરનો આ મામલો આગામી સમયમાં દેશની સંસદમાં પણ ગાજશે એવું દેખાઈ રહ્યું છે. જામનગર કોંગ્રેસના નગરસેવિકા રચનાબેન નંદાણીયાએ કાલે બુધવારે શહેરમાં ખળભળાટ મચાવી દીધો. રચનાબેન કાલે બુધવારે પોતાના મતવિસ્તાર અંતર્ગતના વિભાપર ગામ પાસે પહોંચી ગયા હતાં. અહીં તેમણે જોયું કે, ગૌવંશના પશુઓના મૃતદેહોને જેસીબીની મદદથી જમીનમાં વિશાળ ખાડો કરીને બહુ ક્રૂર અને ચીતરી ચડે એ રીતે દાટી દેવામાં આવી રહ્યા હતાં. છોટી કાશી જામનગરમાં એક તરફ હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો હોય, સેંકડો શિવાલયોમાં શિવજીના વાહન નંદી (બળદ)ની ભક્તિભાવથી પૂજા અર્ચના કરી રહ્યા છે, બીજી તરફ વિભાપર નજીક જ્યાં સંખ્યાબંધ અબોલ પશુઓને દાટી દેવામાં આવી રહ્યા છે તેમાં બળદોના મૃતદેહોનો પણ સમાવેશ થાય છે. નગરસવિકા રચનાબેન નંદાણીયાએ આ તકે એવો ચોંકાવનારો આક્ષેપ પણ કર્યો કે, મૃત પશુઓના માંસ અને ચામડા વેચાણ માટે કાઢી લેવામાં આવ્યા હોય એવા પશુઓના હાડપિંજરો આ ઢગલામાં નીચે દાટી દઈ ઉપર પશુઓના અન્ય મૃતદેહો ગોઠવવામાં આવ્યા છે અને અણઘડ રીતે આ મૃતદેહોનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. ખરેખર તો આ પશુઓના મૃતદેહ જમીનમાં અંદર ઓગળી જાય તે માટે મૃતદેહોને ફરતે તથા ઉપર મીઠાંનો મોટો જથ્થો રાખવો જોઈએ તેને બદલે અત્યંત ક્રૂર રીતે આ કામગીરીઓ કરવામાં આવી રહી છે. નગરસેવિકાએ આ સંપૂર્ણ ઘટનાક્રમના ફોટોઝ, વીડિયોઝ અને આ અંગેની પોતાની ઓડિયો ક્લિપ પણ વાયરલ કરી છે તેથી છોટી કાશી જામનગરમાં ચકચાર મચી ગઈ છે. રચનાબેન નંદાણીયાએ પોતાની ઓડિયો ક્લિપમાં જણાવ્યું છે કે, આ સમગ્ર મામલો ગુજરાત કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર સુધી પહોંચાડવામાં આવશે અને આ મુદ્દો દેશની સંસદમાં પણ ગજાવવામાં આવશે. રચનાબેનના આ નિવેદનને કારણે સનસનાટી અને ખળભળાટ સર્જાયો છે. પવિત્ર શ્રાવણ માસમાં આ આખું પ્રકરણ બહાર આવતાં હજારો ભાવિકોની ગૌવંશ સંબંધી લાગણીઓ દૂભાવા પામી છે.


