
જામનગર,
જામનગર જિલ્લા જેલમાં આજે રાત્રે અચાનક પોલીસ દ્વારા મેગા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. શહેર-ગ્રામ્ય ડીવાયએસપી, એલસીબી, એસઓજી સહિતના 100 જેટલા પોલીસ કર્મચારીઓએ જેલ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. આ અચાનક ચેકિંગને પગલે જેલ પરિસરમાં ચકચાર મચી ગઈ હતી.
જામનગર જેલમાં આ પ્રકારનું મેગા ચેકિંગ અગાઉ પણ થઈ ચૂક્યું છે. પરંતુ, આજનું ચેકિંગ રાત્રિના સમયે અને મોટા પાયે પોલીસ બંદોબસ્ત સાથે હાથ ધરવામાં આવ્યું હોવાથી તે ચર્ચાનો વિષય બન્યું છે. આ અંગે પોલીસના સૂત્રોનું કહેવું છે કે, જેલમાં કોઈ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ થાય છે કે કેમ તેની ચકાસણી કરવા માટે આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
ગુજરાતની કેટલીક જેલોમાં આરોપીઓને વિશેષ સુવિધાઓ મળતી હોવાના સમાચાર અવારનવાર સામે આવતા હોય છે. આવી સ્થિતિમાં, જામનગર જેલમાં પણ આ પ્રકારની કોઈ ગેરરીતિઓ ચાલે છે કે નહીં તે જાણવા માટે આ ચેકિંગ કરવામાં આવ્યું હોવાની ચર્ચા છે.
પોલીસ દ્વારા જેલના તમામ વિભાગોનું કાળજીપૂર્વક નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. જેલવાસીઓના વ્યક્તિગત સામાનની તપાસ કરવામાં આવી રહી છે. જેલના કર્મચારીઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.
આ ચેકિંગમાં શું કંઈ મળી આવે છે તે જોવું રહ્યું. પરંતુ, આ ચેકિંગ દ્વારા જેલમાં વ્યવસ્થામાં સુધારો થશે તેવી આશા રાખવામાં આવી રહી છે.


