spot_img

વડોદરાના આંગણે વૈષ્ણવ સંપ્રદાયના ૫૫૦ વર્ષના ઈતિહાસનો સર્વ શ્રેષ્ઠ અને વિરાટ આધ્યાત્મિક કુંભ: ગ્લોબલ હિન્દુ પ્રેરણા મહોત્સવનો દબદબાભેર પ્રારંભ

જામનગરથી ૭૦૦૦ જેટલા વૈષ્ણવોના વિશાળ સંઘ સાથે લાખો ભાવિકોનું ઘોડાપૂર ઉમટ્યું; ૧૦૦૮ તીર્થ કલશ, ૩૫૦ સ્ટોલ્સના બિઝનેસ એક્સ્પો અને ૧૮૬ દેશોમાં જીવંત પ્રસારણ સાથે સંસ્કૃતિ અને સેવાના મહાકુંભનું સાક્ષી બનતું નવલખી મેદાન.

જામનગર: વૈશ્વિક ફલક પર ભારતીય સંસ્કૃતિ અને પુષ્ટિમાર્ગીય પરંપરાનો ડંકો વગાડનાર વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન (VYO) ના ૧૫ વર્ષ અને વ્રજધામ આધ્યાત્મિક સંકુલના ૨૫ વર્ષની ઉજવણીના સુવર્ણ અવસરે, વડોદરાના ઐતિહાસિક નવલખી મેદાન ખાતે આજથી ૨૯ ડિસેમ્બર ૨૦૨૫ સુધી ચાલનારા ‘ગ્લોબલ હિન્દુ પ્રેરણા મહોત્સવ’નો આજે પૂજ્ય વૈષ્ણવાચાર્ય શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીની પાવન નિશ્રામાં મંગલ પ્રારંભ થયો છે.

વૈષ્ણવ સંપ્રદાયના સાડા પાંચસો વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત આટલા વિશાળ સ્તરે યોજાઈ રહેલા આ મહોત્સવમાં ભાગ લેવા માટે સમગ્ર ગુજરાત અને ભારતભરમાંથી ભક્તોનો પ્રવાહ શરૂ થયો છે, જેમાં ખાસ કરીને જામનગર VYO સમિતિ દ્વારા અભૂતપૂર્વ ઉત્સાહ દર્શાવવામાં આવ્યો છે. જામનગરથી આશરે ૭૦ લક્ઝરી બસો અને ૨૫૦૦ જેટલાં શ્રધ્ધાળુંઓ ખાનગી કારના કાફલા સાથે કુલ ૬૫૦૦ થી ૭૦૦૦ જેટલા વૈષ્ણવો આ દિવ્ય મહોત્સવનો લહાવો લેવા માટે વડોદરા આવી પહોંચ્યા છે, જે આ આયોજનની ભવ્યતા અને શ્રદ્ધાળુઓની અતૂટ આસ્થાનું જીવંત પ્રમાણ છે.

આ નવ દિવસીય મહોત્સવ માત્ર એક ધાર્મિક ઉત્સવ ન રહેતા, ભારતની સનાતન સંસ્કૃતિનું એક લઘુ વિશ્વ બની ગયું છે, જ્યાં શ્રદ્ધાળુઓને એક જ સ્થળે ‘તીર્થ દર્શન’ અને ‘વ્રજ દર્શન’નો અલભ્ય લાભ મળી રહ્યો છે. મહોત્સવ સ્થળે બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી, યમુનોત્રી, જગન્નાથ પુરી, રામેશ્વરમ, દ્વારકાધીશ જેવા પુરાતન ધામો ઉપરાંત અયોધ્યાના રામ મંદિર, તિરૂપતિ બાલાજી અને નાથદ્વારાના શ્રીનાથજી મંદિરની આબેહૂબ ઝાંખીઓ તૈયાર કરવામાં આવી છે,

જે દર્શનાર્થીઓને સાક્ષાત્ તીર્થયાત્રાનો અનુભવ કરાવે છે. આ ઉપરાંત, દેશમાં સૌપ્રથમવાર ગંગા, યમુના, નર્મદા સહિત ભારતની ૨૯ પવિત્ર નદીઓ અને ૬૪ કુંડના જળને એકત્રિત કરીને ‘૧૦૦૮ ભારત તીર્થ કલશ મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે, જેના દ્વારા શ્રદ્ધાળુઓને પવિત્ર જળના દર્શન અને માર્જનનો દિવ્ય લાભ પ્રાપ્ત થશે, જે આધ્યાત્મિક ચેતનાને જાગૃત કરનારો એક અનોખો લહાવો બની રહેશે.આધ્યાત્મિકતાના આ મહાસાગરમાં જ્ઞાન અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાયો છે, જેમાં ૧૦૦૮ પોથી શ્રીમદ્ ભાગવત જ્ઞાન યજ્ઞ અંતર્ગત ભૂદેવો દ્વારા પરાયણ અને પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીના શ્રીમુખેથી દરરોજ મુખ્ય શ્રીમદ્ ભાગવત કથાનું રસપાન કરાવવામાં આવશે. ધર્મમય વાતાવરણને વધુ પવિત્ર બનાવવા માટે મહોત્સવ પરિસરમાં અલગ-અલગ મંડપોમાં વિષ્ણુ સહસ્રનામ યજ્ઞ, પુરુષોત્તમ યજ્ઞ, સંકર્ષણ યજ્ઞ, નરસિંહ-લક્ષ્મી યજ્ઞ અને અપમાર્જન યજ્ઞ એમ કુલ પાંચ વિશેષ યજ્ઞોનું દરરોજ આયોજન કરવામાં આવ્યું છે.

મહોત્સવના પ્રથમ દિવસે આજે બપોરે ૧ વાગ્યે વ્રજધામ સંકુલથી નીકળેલી ભવ્ય શોભાયાત્રા જ્યારે બપોરે ૩ વાગ્યે નવલખી મેદાન પહોંચી ત્યારે વાતાવરણ જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું અને ત્યારબાદ વિધિવત રીતે મહાકથાનો પ્રારંભ થયો હતો, જેમાં હજારોની મેદની ભક્તિભાવમાં તરબોળ થઈ હતી.આ મહોત્સવનો આત્મા ‘સેવા પરમો ધર્મ’ના સિદ્ધાંતમાં રહેલો છે, કારણ કે અહીં આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે VYO દ્વારા અભૂતપૂર્વ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. મહોત્સવ દરમિયાન દરરોજ ૧,૦૦,૦૦૦ થી વધુ શ્રદ્ધાળુઓ માટે નિઃશુલ્ક સાત્વિક ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે, તેમજ માનવતાના કાર્યરૂપે શહેર અને બહારગામના જરૂરિયાતમંદ નાગરિકોને ૧૫,૦૦૦ જેટલા ઊનના ધાબળાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે. ગુજરાત અને દેશના ખૂણે-ખૂણેથી આવતા ભાવિકો માટે રોજના ૫૦૦થી વધુ બસો અને હજારો ખાનગી વાહનોના પાર્કિંગ, ટ્રાફિક મેનેજમેન્ટ, રહેઠાણ અને સુરક્ષા માટેની વ્યવસ્થા એટલી સુવ્યવસ્થિત છે કે શ્રદ્ધાળુઓ કોઈપણ અગવડતા વિના ૯ દિવસ સુધી કથા, યજ્ઞ અને દર્શનનો લાભ લઈ શકશે, જે આયોજક સંસ્થાઓની કુનેહ અને સમર્પણ ભાવ દર્શાવે છે.

ધર્મ અને સેવાની સાથે આ મહોત્સવ ઉદ્યોગ સાહસિકતા અને વૈશ્વિક નેતૃત્વનું પણ કેન્દ્ર બન્યો છે, જ્યાં ૩૫૦થી વધુ સ્ટોલ્સ સાથેનો ભવ્ય બિઝનેસ એક્સ્પો અને ‘VYO ઇન્ટરનેશનલ લીડર્સ કોન્કલેવ’ વૈષ્ણવ ઉદ્યોગપતિઓ તથા યુવા સાહસિકો માટે એક અનોખું પ્લેટફોર્મ પૂરું પાડશે. દેશ-વિદેશના સંતો, મહંતો, પીઠાધીશરો અને રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાઈ રહેલો આ મહોત્સવ વિશ્વના ૧૮૬ દેશોમાં ‘આસ્થા ચેનલ’ દ્વારા જીવંત પ્રસારિત થઈ રહ્યો છે, જે વૈષ્ણવ સંપ્રદાય અને ભારતીય સંસ્કૃતિનો સંદેશ સમગ્ર વિશ્વમાં પહોંચાડી રહ્યો છે. વ્રજધામ આધ્યાત્મિક સંકુલ અને VYO ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલો આ ‘ગ્લોબલ હિન્દુ પ્રેરણા મહોત્સવ’ આવનારા સમયમાં માનવતા, સનાતન ધર્મ અને વૈશ્વિક એકતા માટે એક ઐતિહાસિક પ્રેરણા સ્ત્રોત બની રહેશે તે નિશ્ચિત છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles