spot_img

મુંગણી ગામના ચકચારી ગરાસીયા આધેડ હત્યાકાંડમાં નવો વળાંક, ત્રણ આરોપીઓના જામીન મંજૂર

પ્રેમ સંબંધ અને નાણાકીય લેતી-દેતીના ખારમાં આચરેલા ગુનામાં નામદાર સેશન્સ કોર્ટનો હુકમ, બચાવ પક્ષની દલીલો ગ્રાહ્ય રખાઈ

જામનગર:જામનગર તાલુકાના મુંગણી ગામમાં ગરાસીયા સમાજના એક આધેડની નિર્મમ હત્યાના ચકચારી બનાવમાં, જામનગરની નામદાર સેશન્સ કોર્ટે મહત્વનો હુકમ ફરમાવ્યો છે. આ કેસના કુલ ચાર આરોપીઓમાંથી ત્રણ આરોપીઓની જામીન અરજી મંજૂર કરવામાં આવી છે, જેના પગલે ત્રણેયને જામીન પર મુક્ત કરવાનો આદેશ થયો છે. પ્રેમ સંબંધ અને માત્ર ત્રીસ હજાર રૂપિયાની લેતી-દેતીના મનદુઃખમાં થયેલી આ હત્યાએ સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાવી દીધી હતી.આ બનાવની વિગતવાર હકીકત એવી છે કે, ગત સમયમાં મુંગણી ગામે રહેતા અને કેસના ફરિયાદી યુવકને મુખ્ય આરોપી મહેન્દ્રસિંહ હેમતસિંહ પીંગળના કાકાની દીકરી સાથે પ્રેમ સંબંધ હતો. આ સંબંધ દરમિયાન યુવતીએ ફરિયાદીને પોતાનો ત્રણ તોલાનો સોનાનો હાર આપી તેના પર લોન લેવા જણાવ્યું હતું. આ વાતની જાણ જ્યારે આરોપી મહેન્દ્રસિંહ અને અન્ય પરિવારજનોને થઈ, ત્યારે તેમણે ફરિયાદી પાસેથી સોનાનો હાર પરત લઈ લીધો હતો અને તેના બદલામાં લોનની રકમ ચૂકવી આપી હતી. જોકે, આ રકમમાંથી ત્રીસ હજાર રૂપિયા ચૂકવવાના બાકી રાખવામાં આવ્યા હતા. આ બાકી નીકળતી રકમ અને પ્રેમ સંબંધની બાબતનો ઊંડો ખાર રાખીને આરોપીઓએ ફરિયાદીના પરિવાર પર જીવલેણ હુમલો કરવાનો પ્લાન ઘડ્યો હતો.પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપીઓ (૧) મહેન્દ્રસિંહ હેમતસિંહ પીંગળ, (૨) જયવિરસિંહ ચંદુભા પીંગળ, (૩) અનિરૂધ્ધસિંહ ભરતસિંહ પીંગળ, અને (૪) મનોજસિંહ ઉર્ફે મુન્નાભાઈ ભીમસંગજી કેર નામના શખ્સોએ એકસંપ કરી ફરિયાદીના પિતા, સ્વ. રાજેન્દ્રસિંહ રણુભા કેર જ્યારે પોતાના ઘરના ફળીયામાં સૂતા હતા, ત્યારે ત્યાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યો હતો. આરોપીઓ પૈકી જયવિરસિંહ ચંદુભા પીંગળ તથા અનિરૂધ્ધસિંહ ભરતસિંહ પીંગળએ સૂઈ રહેલા નિઃસહાય રાજેન્દ્રસિંહને દબાવીને જકડી રાખ્યા હતા, જ્યારે મુખ્ય આરોપી મહેન્દ્રસિંહ હેમતસિંહ પીંગળ અને મનોજસિંહ ઉર્ફે મુન્નાભાઈ ભીમસંગજી કેરએ પોતાની પાસે રહેલ છરી અને ગુપ્તી જેવા તીક્ષ્ણ હથિયારો વડે તેમના શરીર પર આડેધડ ઘા ઝીંકી દીધા હતા. આ ઘાતકી હુમલામાં રાજેન્દ્રસિંહને પેટ, છાતી અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ગંભીર ઈજાઓને કારણે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.આ ઘટના બાદ, મૃતકના પુત્ર દ્વારા જામનગરના સિક્કા પોલીસ સ્ટેશનમાં ચારેય આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ- ૧૦૩(૧) (હત્યા), ૧૦૯(૧) (મદદગારી), ૧૧૮(૧), ૩૩૨(એ), ૩(૫), ૫૪ તથા ગુજરાત પોલીસ એક્ટની કલમ ૧૩૫(૧) હેઠળ હત્યા અને ગુનાહિત ષડયંત્રની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. સિક્કા પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા ચારેય આરોપીઓની ધરપકડ કરી હતી અને તપાસ પૂર્ણ થતા નામદાર કોર્ટ સમક્ષ ચાર્જશીટ રજૂ કરી હતી.જેલવાસ દરમિયાન, આરોપીઓ (૧) જયવિરસિંહ ચંદુભા પીંગળ, (૨) અનિરૂધ્ધસિંહ ભરતસિંહ પીંગળ, અને (૩) મનોજસિંહ ઉર્ફે મુન્નાભાઈ ભીમસંગજી કેરએ તેમના વકીલ અશોક એચ. જોશી મારફત જામનગરની સેશન્સ કોર્ટમાં જામીન મેળવવા માટે અરજી દાખલ કરી હતી. આ જામીન અરજીની સુનાવણી દરમિયાન બચાવ પક્ષના વકીલ અને સરકાર પક્ષ (સરકારી વકીલ) દ્વારા લંબાણપૂર્વક અને ધારદાર દલીલો કરવામાં આવી હતી. બચાવ પક્ષે રજૂ કરેલી દલીલો, કેસના ગુણદોષ અને ઉપલબ્ધ પુરાવાઓને ધ્યાનમાં લીધા બાદ, નામદાર સેશન્સ કોર્ટે ત્રણેય અરજદારોની જામીન અરજી મંજૂર કરવાનો હુકમ કર્યો હતો અને તેમને શરતી જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. આ કેસમાં આરોપીઓ તરફે વકીલ અશોક એચ. જોશી, મોહસીન એચ. ખારા, પ્રદિપ પી. મકવાણા, સાઈઠ એચ. રૂન્જા અને જ્યોતિ બી. પરમાર દ્વારા સફળતાપૂર્વક કામગીરી બજાવવામાં આવી હતી.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles