spot_img

ફાયર એન.ઓ.સી. ના નિયમો લાગુ ન પડતાં હોય ત્યાં પણ સીલ શા માટે ?! રાજકોટ અગ્નિકાંડ બાદ ફાયર એન.ઓ.સી. તથા બી.યુ. પરમિશન મુદ્દે સરકારના તઘલખી આદેશ સામે ધંધાર્થીઓનો આક્રોશ…

મિલ્કત સિલિંગ અંગે સરકારની ઢંગધડા વિનાની લાલિયાવાડી: ધંધાર્થીઓને નય નોટીસ કે પૂર્વ જાણકારી આપ્યા વિના ફાયર પોલીસીના નિયમો લાગુ પડતા નથી છતાં ધંધાકીય સ્થળને સિલ કરી તાળા લટકાવી દેવાયા.

અનેક ધંધાર્થીઓ કોર્ટના ચરણે જવાની તૈયારીઓ..: સંખ્યાબંધ ધંધાકીય એકમો બિનજરૂરી રીતે સીલ થતાં ધંધાર્થીઓને આર્થિક નુકસાન તથા માનસિક ત્રાસ:

શહેરમાં મોટાભાગના બાંધકામ બી.યુ. પરમિશન ધરાવતાં નથી…

જામનગર મિરર તા.જામનગર સહિત સમગ્ર રાજ્યમાં ફાયર એન.ઓ.સી. તથા બી.યુ.પરમિશન મુદ્દે રાજ્ય સરકાર તથા સરકાર હસ્તકની મહાનગરપાલિકાઓ રીતસર લાલિયાવાડીઓ ચલાવે છે અને હવે રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ બાદ સરકાર કામ કરવાનો દેખાડો કરી રહી છે, જેમાં સૂકાની પાછળ લીલું પણ બળી રહ્યું હોય સેંકડો ધંધાર્થીઓ આર્થિક નુકસાન સહન કરી રહ્યા છે અને માનસિક ત્રાસ પણ વેઠી રહ્યા છે. બીજી તરફ મહાનગરપાલિકાઓ કાયમ પોતે કેટલાં ધંધાકીય એકમો સીલ કર્યા તેની યાદીઓ બહાર પાડી હરખાય છે અને પોતે કામ કરી રહ્યા છે એવું દેખાડે છે. અને આ અધિકારીઓ ધંધાર્થીઓને ડરાવી રહ્યા છે, જેને કારણે સમગ્ર જામનગર શહેરમાં અફડાતફડી મચી ગઈ છે. કેટલાંક ધંધાર્થીઓ હવે આ મુદ્દે કાયદાકીય માર્ગદર્શન મેળવી રહ્યા છે અને મહાનગરપાલિકા તથા સરકારને કાનૂની પડકાર આપવા તૈયારીઓ કરી રહ્યા હોવાનું પણ જાણવા મળે છે. જામનગરની જ વાત કરીએ તો, શહેરમાં અને શહેરની આસપાસ મહાનગરપાલિકા દ્વારા એવા કેટલાંય હોટેલ, રેસ્ટોરન્ટ તથા ઢાબા સહિતના ધંધાકીય યુનિટ સીલ કર્યા છે, જે સરકારની વ્યાખ્યાની બહાર છે. એટલે કે એમને સરકારના હાલના ફાયર સંબંધિત કાયદાઓ લાગુ પડતાં જ નથી. સીલ થયેલાં મોટાભાગના એટલે કે 80 ટકા જેટલા આ ધંધાકીય એકમોને ખોટી રીતે સીલ કરવામાં આવ્યા છે. અને આ ધંધાર્થીઓની કોઈ પણ વાત સાંભળવા તંત્ર તૈયાર નથી. સરકારનો સ્પષ્ટ આદેશ છે કે, જે ધંધાકીય એકમો 9 મીટરથી ઉંચુ બિલ્ડીંગ ધરાવે છે અથવા 500 સ્કવેર મીટર (આશરે 5,300 ચોરસ ફૂટ )થી વધુની જગ્યામાં ધંધો કરે છે તેમણે ફાયર એન.ઓ.સી. લેવું ફરજિયાત છે. જામનગરમાં જે ધંધાર્થીઓ આ નિયમ હેઠળ આવતાં નથી એટલે કે 9 મીટરથી વધુ ઉંચાઈનું બિલ્ડીંગ ધરાવતાં નથી અથવા જેઓ આ ધંધાનું સ્થળ 5,300 ચોરસ ફૂટનું ધરાવતાં નથી તેમના ધંધાકીય એકમોને પણ મહાનગરપાલિકાએ સીલ ઠપકારી દીધાં છે. ધંધાર્થીઓ પૂછી રહ્યા છે કે, અમે સરકારના કોઈ કાયદાનો ભંગ કર્યો નથી છતાં અમને શા માટે પરેશાન કરવામાં આવે છે ?! જામનગરમાં મહાનગરપાલિકાએ સીલ કરેલાં ધંધાકીય એકમો પૈકી 80 ટકા એકમો આમ ખોટી રીતે હેરાનગતિઓ વેઠી રહ્યા છે. તંત્ર પાસે આ સમસ્યાનો ઉકેલ નથી. તંત્ર સરકારની સૂચનાઓ છે એમ કહીને સીલ લગાવી દે છે !! આ ઉપરાંત બીજો મુદ્દો બી.યુ.પરમિશન એટલે કે બિલ્ડીંગનો ઉપયોગ કરવાની મંજૂરી. જેમની પાસે આ મંજૂરી નથી તેમના ધંધાકીય એકમો પણ સીલ કરવામાં આવી રહ્યા છે. ધંધાર્થીઓ કહે છે: સરકાર અને તંત્રો ઠાવકાઈ કરે છે પણ હકીકત એ છે કે, શહેરમાં મોટાભાગના વપરાશી બાંધકામ એવા છે જેમની પાસે બી.યુ.પરમિશન જ નથી, આમ છતાં તંત્ર માત્ર ધંધાર્થીઓને જ હેરાનગતિઓ કરે છે, સીલ લગાવે છે. બાકીના કસૂરવારો અંગે તંત્ર મૌન શા માટે છે ?! શહેરમાં મોટાભાગના બાંધકામ બી.યુ.પરમિશન ધરાવતાં નથી, તો શું તંત્ર આખા શહેરને સીલ કરશે ? અત્યાર સુધી તંત્ર આ બાબતે શા માટે ઉંઘતું રહ્યું છે ?! સંખ્યાબંધ એપાર્ટમેન્ટ અને બંગલા તથા અન્ય મકાનો બી.યુ.પરમિશન ધરાવતાં નથી, ત્યાં મહાનગરપાલિકા શા માટે જતી નથી ?! એ પણ સવાલ છે. જામનગર મહાનગરપાલિકા રાજ્ય સરકારની સૂચનાઓના નામે હોટેલ, રેસ્ટોરન્ટ, ઢાબા, હોસ્પિટલ અને શૈક્ષણિક સંસ્થાઓને સીલ કરી રહી છે. હકીકત એ છે કે, મહાનગરપાલિકાએ ખુદે અત્યાર સુધી આ કામગીરીઓ કરી નથી એટલે શહેર આજે જંગલ બની ગયું છે. હાલમાં મહાનગરપાલિકા ધંધાર્થીઓને કોઈ આગોતરી જાણકારીઓ કે સૂચનાઓ આપ્યા વિના સીધી જ સિલિંગ કાર્યવાહીઓ, તાળાં લટકાવી દેવાની કામગીરીઓ કરી રહી હોય, હજારો ધંધાર્થીઓમાં મહાનગરપાલિકાની કામગીરીઓ સામે ભારે આક્રોશ છે અને કેટલાંક ધંધાર્થીઓ તો મહાનગરપાલિકા અને સરકારની આ કામગીરીઓના વિરોધમાં અદાલતના શરણે જવાની તૈયારીઓ કરી રહ્યા હોવાનું જાણવા મળે છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles