

લાલપુર રોડ પર સહજાનંદ પાર્ક નજીક ‘હરિની હવેલી’નું ભવ્ય નિર્માણ, સાંજે ૫:૦૦ કલાકથી ભૂમિપૂજન અને દીપ પ્રાગટ્ય બાદ ભોજન પ્રસાદ; VYOના વૈશ્વિક ધાર્મિક અને સામાજિક કાર્યોની કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા સરાહના
જામનગર:ધર્મનગરી અને ‘કાશીનગરી’ તરીકે વિખ્યાત જામનગરના આંગણે પુષ્ટિ સંપ્રદાયના ઇતિહાસમાં એક સુવર્ણ પ્રકરણ ઉમેરાવા જઈ રહ્યું છે.
સમસ્ત હાલાર પંથકના વૈષ્ણવ સમાજમાં આનંદ અને ઉત્સાહની લહેર પ્રસરી છે, કારણ કે શ્રી વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન (VYO)ની સ્થાનિક શાખા દ્વારા શહેરમાં ભવ્ય VYO વ્રજધામ હવેલીનું નિર્માણ થવા જઈ રહ્યું છે. આ ‘હરિની હવેલી’ના ભૂમિપૂજનનો પવિત્ર કાર્યક્રમ આવતીકાલે, આસો વદ ૮ ને મંગળવાર, તારીખ ૧૪ ઓક્ટોબર, ૨૦૨૫ના શુભ દિને સાંજે ૫:૦૦ કલાકથી આયોજિત કરવામાં આવ્યો છે. શ્રી નિકુંજનાયક અને શ્રી ગોવર્ધનધરની અવિરત કૃપાથી યોજાનારી આ વિધિ અનંત વિભૂષિત વલ્લભકુળભૂષણ વૈષ્ણવાચાર્ય પૂજ્ય પાદ ગોસ્વામી શ્રી ૧૦૮ વ્રજરાજકુમારજી મહોદયના કરકમલો દ્વારા સંપન્ન થશે, જેમના દિવ્ય આશીર્વચનનો અમૂલ્ય લાભ લેવા સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિને VYO-જામનગર શાખા દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
આ નવીન હવેલીનું સ્થાન જામનગરના લાલપુર ચોકડી પાસે, ક્રિશ કોમ્પ્લેક્ષ સામેના રોડ પર આવેલા સહજાનંદ પાર્ક વિસ્તારમાં, શ્રી દ્વારકાધીશ રેસ્ટોરન્ટની નજીકની વિશાળ જગ્યા પર નક્કી કરવામાં આવ્યું છે, જે ટૂંક સમયમાં જ જામનગરના વૈષ્ણવો માટે આસ્થાનું નવું ધામ બનશે. કાર્યક્રમની વિગતવાર માહિતી આપતા VYOએ જણાવ્યું હતું કે, સાંજે ૫:૦૦ કલાકે ભૂમિપૂજન અને દીપ પ્રાગટ્યની પવિત્ર વિધિ શરૂ થશે, ત્યારબાદ પૂજ્યશ્રીના વચનામૃતનો લાભ મળશે અને કાર્યક્રમ બાદ સહુ વૈષ્ણવો માટે સાંજે ૫:૩૦ કલાકથી ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.
અહીં ઉલ્લેખનીય છે કે, વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ કાર્યરત વૈશ્વિક સંસ્થા VYO, વિશ્વભરમાં પુષ્ટિ સંપ્રદાય, સનાતન ધર્મ અને હિન્દુ સંસ્કૃતિની જ્યોત પ્રજ્વલિત કરવાનું મહાન કાર્ય કરી રહી છે.
VYOની શાખાઓ ‘We Serve Happiness’ના ધ્યેય સાથે માત્ર ધાર્મિક પ્રવૃત્તિઓ જ નહીં, પરંતુ યુવા જાગૃતિ, સામાજિક ઉત્થાન, આરોગ્યલક્ષી સેવાઓ અને પર્યાવરણના રક્ષણ જેવા અનેકવિધ પ્રોજેક્ટ્સને માનવ કલ્યાણના અર્થે સતત આગળ ધપાવી રહી છે, જેના વ્યાપક અને સકારાત્મક પ્રભાવની નોંધ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા પણ વારંવાર લેવામાં આવી છે અને સંસ્થાના કાર્યોને બિરદાવવામાં આવ્યા છે. જામનગરમાં હવેલીના નિર્માણથી સ્થાનિક યુવાનો અને વૈષ્ણવ સમાજને ધર્મ, સંસ્કૃતિ અને સેવાના માર્ગે વધુ જોડાવા માટે પ્રેરણા મળશે, જેના કારણે સમગ્ર પંથકમાં હરખની હેલી પ્રસરી છે અને વૈષ્ણવો મોટી સંખ્યામાં પૂજ્ય જેજે શ્રીના આશીર્વાદ મેળવવા થનગની રહ્યા છે.


