શાંતિપૂર્ણ માહોલમાં ૫ વાગ્યા સુધી મતદાન ચાલુ, આજે રાત્રે જ ૨૧ બેઠકોનું પરિણામ; સૂત્રોના મતે ‘ત્રિશૂળ’ પ્રતીક ધરાવતી ‘ઉદ્યોગિક હિતકારી પેનલ’ની જીતની સંભાવના
જામનગરના બ્રાસ ઉદ્યોગના હબ ગણાતા દરેડ GIDC પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશનની ૨૧ કારોબારી સભ્યોની પસંદગી માટેની આજે યોજાયેલી ચૂંટણીમાં ઉદ્યોગકારોએ ભારે ઉત્સાહ દર્શાવ્યો છે, જેના પગલે બપોર સુધીમાં જ રેકોર્ડબ્રેક ૭૦% મતદાન નોંધાયું છે. કુલ ૧૮૪૬ નોંધાયેલા મતદારોમાંથી ૧૨૮૦ સભ્યોએ બપોરના ગાળા સુધીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લીધો છે, જે GIDCના ચૂંટણી ઇતિહાસમાં એક ઐતિહાસિક આંકડો ગણી શકાય.
મતદાનની સમગ્ર પ્રક્રિયા અત્યંત શાંતિપૂર્ણ માહોલમાં અને સૌહાર્દપૂર્ણ રીતે ચાલી રહી છે, જેમાં મતદારોનો જબરદસ્ત ઉત્સાહ સ્પષ્ટપણે જોઈ શકાય છે. ચૂંટણી પંચની સુંદર વ્યવસ્થા અને કામગીરી પણ વંદનીય રહી છે. સાંજના ૫ વાગ્યા સુધી મતદાન અવિરત ચાલુ રહેશે, ત્યારબાદ તાત્કાલિક મત ગણતરી શરૂ કરવામાં આવશે અને આજે રાત્રે જ આ પ્રતિષ્ઠાભરી ચૂંટણીનું અંતિમ પરિણામ જાહેર કરવામાં આવશે, જેના પર સમગ્ર ઉદ્યોગ જગતની નજર ટકેલી છે. શહેર ના જાણીતા ધારા શાસ્ત્રી દીનેશભાઈ વિરાણીએ, અને ઉદ્યોગિક હિતકારી પેનલ ઉમેદવાર વિષ્ણુભાઈ પટેલે મતદાન કર્યું.
આ ચૂંટણીમાં ટક્કર આપી રહેલી બંને પેનલો, વર્તમાન શાસક ‘પ્રગતિશીલ પેનલ’ (સૂર્ય) અને પડકારરૂપ ‘ઉદ્યોગિક હિતકારી પેનલ’ (ત્રિશૂળ) વચ્ચેના સીધા જંગમાં, ઉંચા મતદાન અને વર્તમાન પ્રવાહોના આધારે સૂત્રો દ્વારા મળેલા અહેવાલો મુજબ, પરિવર્તનની માંગ સાથે મેદાનમાં ઉતરેલી ‘ઉદ્યોગિક હિતકારી પેનલ’ની તરફેણમાં વધુ મતદાન થયું હોવાના અને આ પેનલની જીત નિશ્ચિત હોવાના પ્રબળ સંકેતો મળી રહ્યા છે. ઉદ્યોગકારોએ વર્તમાન શાસકો પ્રત્યેનો અસંતોષ અને ‘ઉદ્યોગિક હિતકારી પેનલ’ દ્વારા રજૂ કરાયેલા ETP પ્લાન્ટ, આરોગ્ય કેન્દ્ર અને પારદર્શક વહીવટના વિઝનને બહોળો સમર્થન આપ્યું હોવાનું આ રેકોર્ડ મતદાન પરથી ફલિત થાય છે, ત્યારે આજે રાત સુધીમાં જ સ્પષ્ટ થઈ જશે કે દરેડ GIDCના ઉદ્યોગકારોએ વિકાસના શિખરો સર કરવા માટે કઈ પેનલના હાથમાં સુકાન સોંપ્યું છે.


