
ખારાવેઢા ગામમાં લગ્ન પ્રસંગ પૂર્ણ કરીને જામનગર પરત ફરી રહેલા બે પરિવારને ટ્રક ચાલકે ઠોકરે ચડાવ્યા: એક ની હાલત ગંભીર

જામનગર ૨૨, જામનગર- કાલાવડ ધોરી માર્ગ પર મોડપર ગામના પાટીયા પાસે ૧૧.૩૦ વાગ્યે પૂર ઝડપે આવી રહેલા ટ્રકના ચાલકે સામેથી આવતી જુદી જુદી બે કાર ને ઠોકર મારતાં ત્રીપલ અકસ્માત સર્જાયો હતો, જે અકસ્માતમાં બંને કારમાં બેઠેલી છ વ્યક્તિને નાની-મોટી ઇજા થઈ છે, જેમાં એકની હાલત ગંભીર ગણાવાઇ રહી છે. જામનગર ના બે પરિવારના સભ્યો લગ્ન પ્રસંગ પૂર્ણ કરી પરત ફરતા હતા, જે દરમિયાન આ અકસ્માત નડ્યો હતો.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગરમાં ગોકુલ નગર નજીક મુરલીધરનગર શેરી નંબર ૧૧ માં રહેતા હિતેશભાઈ આંબાભાઈ ભંડેરી અને તેના પિતરાઈ ભાઈ જયેશભાઈ ભંડેરી કે જે બંનેના પરિવારના સભ્યો અલગ અલગ બે કારમાં બેસીને જામનગર થી ખારાવેઢા ગામે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ગયા હતા, અને ત્યાંથી ગઈકાલે રાત્રે લગ્ન પ્રસંગ પૂર્ણ કરીને જામનગર પરત ફરી રહ્યા હતા.
જે દરમિયાન મોડપર ગામના પાટીયા પાસે સામેથી પુરપાટ ઝડપે આવી રહેલા જી.જે.-૩ એ.ડબલ્યુ. ૪૨૦૩ નંબરના ટ્રકના ચાલકે એક પછી એક બંને કાર ને ટક્કર મારી દેતાં ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક કારમાં બેઠેલા હિતેશભાઈ ભંડેરી ને ફ્રેકચર સહિતની ઇજાઓ થઈ હતી, અને તેઓને જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા પછી માથામાં ટાંકા લેવા પડ્યા હતા.
આ ઉપરાંત પાછળ આવી રહેલી તેમના પિતરાઈ ભાઈ જયેશભાઈ ની કારમાં બેઠેલા જયેશભાઈ, ઉપરાંત તેમના ભાભી સંગીતાબેન, ભત્રીજી હિતાંશીબેન, ભત્રીજા ધ્રુવીક તેમજ ભાભી અનીલાબેન ને ફ્રેક્ચર સહિતની નાની મોટી ઇજાઓ થઈ હતી, જ્યારે જયેશભાઈ ના ભત્રીજા જેનીલ (ઉ.વ.૧૭) ને માથાના ભાગે તેમજ શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયાં તેની તબિયત લથડતાં વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાઇ રહ્યો છે.
આ અકસ્માતના બનાવની જાણ થતાં પંચકોશી એ. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ ટીનુભા જાડેજા બનાવના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલ દોડી ગયા હતા, અને કારચાલક હિતેશભાઈ ભંડેરીની ફરિયાદના આધારે ટ્રક ચાલક આરબલૂસ ગામના ઈકબાલ નામના ટ્રક ચાલક સામે અકસ્માત સર્જવા અંગે ગુનો નોંધ્યો છે, અને તેની અટકાયત કરી લીધી છે. જયારે ટ્રક પણ કબજે કર્યો છે.




