વિડીયો વાઇરલ કરવાની ધમકી આપી સગીરાને ગર્ભવતી બનાવનાર બંને આરોપીઓને પોક્સો કોર્ટે ફટકારી સજા; પીડિતાને રૂ. ૪ લાખનું વળતર ચૂકવવા કર્યો આદેશ
પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આરોપી નં.૧ તોસીફહુશેન સુલેમાનભાઈ લાખાએ ૧૩ વર્ષ અને ૬ માસની સગીરવયની બાળા સાથે તેની મરજી વિરુદ્ધ અવાર-નવાર દુષ્કર્મ આચરી શારીરિક શોષણ કર્યું હતું. ત્યારબાદ, અન્ય આરોપી નં.ર સમીરહુશેન હનીફભાઈ ગજીયાએ આ કૃત્યનો વિડીયો પોતાની પાસે હોવાની ધમકી આપીને સગીરા સાથે બળજબરીથી અવાર-નવાર શરીર સંબંધ બાંધ્યા હતા, જેના પરિણામે સગીરા ગર્ભવતી બની હતી.
આ કેસ જામનગરની સ્પેશિયલ પોક્સો અદાલતમાં ચાલ્યો હતો, જેમાં ભોગબનનાર, મેડીકલ ઓફીસર સહિત ૧૦ સાક્ષીઓની જુબાની અને ૪૦ જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કરાયા હતા. જીલ્લા સરકારી વકીલ જમન કે. ભંડેરીએ સમાજમાં દાખલો બેસે તે માટે આરોપીઓને મહત્તમ સજા કરવા ધારદાર દલીલો કરી હતી.
સ્પેશિયલ પોક્સો અદાલતના ન્યાયાધીશ શ્રી આર.પી.મોગેરાએ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને બંને આરોપીઓને પોક્સો એકટ અને ભારતીય દંડ સંહિતાની અલગ અલગ કલમો હેઠળ તકસીરવાન ઠરાવ્યા હતા. બંને આરોપીઓને ૨૦ વર્ષની સખત કેદની સજા અને રૂ. ૧૦,૦૦૦ નો દંડ ફટકાર્યો છે (જો દંડ ન ભરે તો વધુ ૧ વર્ષની સાદી કેદ ભોગવવી પડશે). આ ઉપરાંત પીડિતાને વળતર પેટે રૂ. ૪,૦૦,૦૦૦ ચૂકવવાનો ઐતિહાસિક હુકમ કર્યો છે.


