લાલપુર બાયપાસ પાસે દોઢ લાખ ફૂટના વિશાળ ગ્રાઉન્ડમાં સુપ્રસિદ્ધ ગાયક કલાકારો ધ્વનિ પારીખ અને પ્રવીણ બારોટના સથવારે લેઉવા પટેલ સમાજનો શરદોત્સવ બન્યો યાદગાર, દાતાઓ અને અગ્રણીઓનું કરાયું સન્માન

જામનગરના આંગણે શરદ પૂર્ણિમાની ચાંદની રાત જાણે કે ધરતી પર ઉતરી આવી હોય તેવા દિવ્ય અને ભવ્ય માહોલ વચ્ચે, શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડની યુવા પાંખ અને સમાજની યુવા શક્તિના પ્રતિક સમી શ્રી ખોડલધામ યુવા સમિતિ (KDYS), જામનગર દ્વારા આયોજિત ભવ્યાતિભવ્ય “શરદ ઉત્સવ”માં હજારોની સંખ્યામાં ઉમટી પડેલા ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી ઇતિહાસ રચી દીધો હતો.

શહેરના લાલપુર બાયપાસ હાઇવે પર આવેલી પ્રતિષ્ઠિત કાલિન્દી સ્કૂલની બાજુમાં આવેલા દોઢ લાખ ચોરસ ફૂટના વિશાળ પ્લોટમાં આયોજિત આ રાસોત્સવમાં ગઈકાલે રાત્રે માનવ મહેરામણ ઉમટ્યો હતો, જ્યાં યુવક-યુવતીઓથી લઈને વડીલો સુધીના સૌ કોઈ પરંપરાગત પોશાકમાં સજ્જ થઈને મા ખોડલના જયનાદ સાથે મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. નવરાત્રિ મહોત્સવની ભવ્ય સફળતા બાદ આયોજિત આ શરદ ઉત્સવમાં ખેલૈયાઓના ઉત્સાહને ચાર ચાંદ લગાવવા માટે ગુજરાતના સુપ્રસિદ્ધ ગાયક કલાકાર પ્રવીણ બારોટ અને ધ્વનિ પારીખે પોતાના આગવા અંદાજમાં પ્રાચીન-અર્વાચીન ગરબા, રાસ અને સંગીતની એવી તો સુરાવલી રેલાવી હતી કે સમગ્ર વાતાવરણ ભક્તિ અને શક્તિના રંગે રંગાઈ ગયું હતું.અવનવા સંગીત અને અત્યાધુનિક ડીજેના તાલે હજારો પગ એક સાથે થિરકતા જોઈને અદ્ભુત નજારો સર્જાયો હતો.

આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે ખોડલધામ યુવા સમિતિના અસંખ્ય કાર્યકર્તાઓએ ખડેપગે રહીને સેવા બજાવી હતી અને તેમની સંગઠન શક્તિના ઉત્કૃષ્ટ દર્શન કરાવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન લેઉવા પટેલ સમાજ માટે હંમેશા યોગદાન આપનાર દાતાઓ અને સ્પોન્સરો સહિત, જામનગરના વિવિધ રાજકીય, સામાજિક અને જાહેર સંસ્થાઓના પ્રતિનિધિઓ અને અગ્રણીઓ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આયોજકો દ્વારા તમામ મહાનુભાવોનું મંચ પરથી મા ખોડલનો પવિત્ર ખેસ પહેરાવીને ભાવભીનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું, અને સમાજ નિર્માણમાં તેમના યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું. મોડી રાત સુધી ચાલેલા આ રાસોત્સવમાં ખેલૈયાઓનો ઉત્સાહ અનેરો હતો અને આયોજકોની મહેનત ખરા અર્થમાં રંગ લાવી હતી, જેણે જામનગરના સાંસ્કૃતિક ઇતિહાસમાં વધુ એક સુવર્ણ પ્રકરણ ઉમેર્યું હતું.


