
જામનગર તા ૨૬, જામનગર શહેરમાં જુદા જુદા ૧૪ જેટલા ગેમઝોન, વિડીયો પાર્લર વગેરે આવેલા છે, અને તે સ્થળે ક્યાંક બાળકો માટેની નાની મોટી રાઈડ ચાલી રહી છે, અથવા તો વિડીયો ગેમ મશીનો વગેરે મૂકીને બાળકોને ગેમ રમવા માટેની વ્યવસ્થા કરાઇ છે. પરંતુ એક પણ સ્થળે જામનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગની એનઓસી લેવામાં આવી નથી, ઉપરાંત યાંત્રિક રાઈડ સંબંધે મેળવાતાં જરૂરી સર્ટિફિકેટ, ઈલેક્ટ્રીક વિભાગ ની એન.ઓ.સી. કે કોઈપણ પ્રકારની મંજૂરી લેવામાં આવી ન હોવાનું જાણવા મળી રહ્યું છે. એકમાત્ર જામનગર મહાનગરપાલિકા સંચાલિત એમ્યુઝમેન્ટ પાર્કમાં યાંત્રિક રાઈડ ની અગાઉ મંજૂરી અને એન.ઓ.સી. લેવામાં આવી હતી, પરંતુ હાલ ત્યાં મનોરંજનની રાઈડ બંધ છે. જ્યારે જામનગર નજીક આવેલા જેસીઆર માં મનોરંજનની બાળકોની નાની રાઇડ ચાલુ છે. પરંતુ ગેમઝોન ની અલગથી અથવા તો અન્ય કોઈ જરૂરી મંજૂરીકે એન.ઓ.સી. લેવામાં આવી નથી. એક માત્ર સમગ્ર એરિયા ની ફાયર ની એન.ઓ.સી. લેવાઈ છે. જેની પણ ચકાસણી થઈ રહી છે. જયારે જામનગરમાં લાખોટા તળાવની પાળ વિસ્તારમાં બાળકોની રાઇડ ચાલી રહી છે, જેની એક પણ પ્રકારની મંજૂરી નથી. જ્યારે શહેરના ખોડિયાર કોલોની સહિતના અન્ય ખાનગી પ્લોટમાં ચાલતી બાળકોની રાઈડ અથવા અન્ય ગેમઝોનની મંજૂરી મેળવાઈ નથી, અને હાલ તમામ બંધ કરવાના આદેશો થયા છે.

જામનગરમાં ગેમ ઝોન- વિડીયો પાર્લર વગેરેનો સર્વે કરવા માટે નવ અધિકારીઓની ટીમ બનાવાઇ
જામનગર તા ૨૬, રાજકોટ ગેમઝોન દુર્ઘટનાના પગલે રાજ્ય સરકાર દ્વારા કરાયેલા આદેશ અનુસાર જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં ચાલતા ગેમ ઝોન, એમ્યુઝમેન્ટ પાર્ક, ફન પાર્ક, આનંદ પ્રમોદના સાધન ના સ્થળ વગેરે ની ચકાસણી કરવાના હેતુસર એક ટીમનું ગઠન કરવામાં આવ્યું છે, અને જેમાં જુદા જુદા વિભાગના ૯ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. જામનગર મહાનગરપાલિકાના મ્યુનિ. કમિશનર ડી.એન.મોદીના આદેશ અનુસાર જામનગર મહાનગરપાલિકાના સીટી ઇજનેર ભાવે જાની ના સીધી દોરવણી હેઠળ જુદા-જુદા નવ અધિકારીઓની ટિમ બનાવાઈ છે. જેમાં જામનગર મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર કે. કે. બિશ્ર્નોઈ, જામનગર શહેર વિભાગના ડીવાયએસપી જયવીર સિંહ ઝાલા, જામનગર શહેર વિભાગના મામલતદાર વી.આર. માકડીયા, પી.જી.વી.સી.એલ. ના નાયબ ઈજનેર દિનેશચંદ્ર ડી. મારૂ, આસી. ટીપીઓ અનિલ ભટ્ટ, નાયબ કાર્યપાલક ઇજનેર ઋષભ મહેતા, જુનિયર ઈજનેર (મિકેનિકલ) સંદીપ પટેલ, એસ્ટેટ ઓફિસર નીતિન દીક્ષિત અને ફાયર બ્રિગેડ શાખાના ડેપ્યુટી ફાયર ઓફિસ ડી.એસ.પાંડિયન સહીતના ૯ અધિકારીઓની ટીમ બનાવાઇ છે. જે સમગ્ર અધિકારીઓ દ્વારા ગેમઝોન બાબતે ચકાસણી ની કાર્યવાહી ચાલી રહી છે, અને ૨૪ કલાકમાં તમામ નો રિપોર્ટ તૈયાર કરાશે.



