

જામનગર: જામનગરના બેડી વિસ્તારમાં આજે પોલીસ દ્વારા મોટા પાયે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અનેક ગુનાઓમાં સંડોવાયેલા સાયચા બંધુઓના ગેરકાયદેસર રીતે ખડકાયેલા બંગલાઓ પર પોલીસનું બુલડોઝર ફરી વળ્યું હતું. બેડીમાં ફરી એકવાર સાયચા બંધુઓના મકાનો પર દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

પોલીસ દ્વારા રાતોરાત ડિમોલેશન કરીને વિસ્તારના માથાભારે તત્વોને ઉખેડી ફેંકવામાં આવ્યા હતા.આ ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન જિલ્લા પોલીસ અધિક્ષક, નાયબ પોલીસ અધિક્ષક અને શહેરના દરેક ડિવિઝનના પીઆઇ સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસ્થળે હાજર રહ્યો હતો.

આ ઉપરાંત કલેક્ટર તંત્ર પણ ખડેપગે આ કાર્યવાહીમાં જોડાયું હતું.પ્રાપ્ત માહિતી અનુસાર, બેડીમાં સાયચા બંધુઓ દ્વારા ગેરકાયદેસર રીતે ઊભા કરવામાં આવેલા રહેણાંકના બાંધકામોને તોડી પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં જે મકાનો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું તેમાં મુખ્યત્વે નુરમામદ હાજી સાઈચાનું સર્વે નંબર ૬૨ વાળું ૨૭૯ ચોરસ મીટરનું રહેણાંક મકાન, જેની અંદાજિત કિંમત ૨૧,૩૭,૬૦૦ રૂપિયા છે.

આ ઉપરાંત નુરમામદ હાજી સાઈચાનું અન્ય એક મકાન સર્વે નંબર ૪૦/૧-૨૯-૫૦ વાળું ૧૬૭ ચોરસ મીટરનું રહેણાંક મકાન જેની કિંમત ૧૨,૮૦૦ રૂપિયા દર્શાવવામાં આવી છે. ઈસ્માઈલ ઈબ્રાહીમ મોવરનું સર્વે નંબર ૪૦/પેઢી વાળું ૬૫ ચોરસ મીટરનું રહેણાંક મકાન જેની કિંમત ૮,૩૨,૦૦૦ રૂપિયા છે. હાજી હુશેન સાઈચાનું સર્વે નંબર ૪૦/ડી વાળું ૬૫ ચોરસ મીટરનું રહેણાંક મકાન જેની કિંમત પણ ૮,૩૨,૦૦૦ રૂપિયા છે. ફારૂક હુશેન સાઈચાનું સર્વે નંબર ૪૦/૧-૨૯-૫૦ વાળું ૧૩૯ ચોરસ મીટરનું રહેણાંક મકાન જેની કિંમત ૧૭,૭૯,૨૦૦ રૂપિયા છે. ઉમર દાઉદ સાઈચાનું સર્વે નંબર ૪૦/પેઢી વાળું ૧૩૯ ચોરસ મીટરનું રહેણાંક મકાન જેની કિંમત ૧૭,૭૯,૨૦૦ રૂપિયા છે. એઝાઝ ઉંમર સાઈચાનું સર્વે નંબર ૪૦/પેઢી વાળું ૧૩૯ ચોરસ મીટરનું રહેણાંક મકાન જેની કિંમત ૧૭,૭૯,૨૦૦ રૂપિયા છે. બશીર જુસબ સાઈયાનું સર્વે નંબર ૪૦/પેઢી વાળું ૧૩૯ ચોરસ મીટરનું રહેણાંક મકાન જેની કિંમત ૧૭,૭૯,૨૦૦ રૂપિયા છે. બશીર જુસબ સાઈચોનું સર્વે નંબર ૪૦/પેઢી વાળું ૧૩૯ ચોરસ મીટરનું રહેણાંક મકાન જેની કિંમત ૧૭,૭૯,૨૦૦ રૂપિયા છે. અકબર મામદ સાઈચાનું સર્વે નંબર ૪૦/પેઢી વાળું ૧૩૯ ચોરસ મીટરનું રહેણાંક મકાન જેની કિંમત ૧૭,૭૯,૨૦૦ રૂપિયા છે અને સુલતાન મામદ સાઈચાનું સર્વે નંબર ૪૦/પેઢી વાળું ૧૩૯ ચોરસ મીટરનું રહેણાંક મકાન જેની કિંમત ૧૭,૭૯,૨૦૦ રૂપિયા છે. આ તમામ બાંધકામો ગેરકાયદેસર હોવાનું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.

આ ડિમોલિશનની કાર્યવાહી તારીખ ૧ એપ્રિલ અને ૨ એપ્રિલ ૨૦૨૫ ના રોજ હાથ ધરવામાં આવી હતી. કુલ ૧૬૮૮ ચોરસ મીટર જેટલું ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું જેની કુલ કિંમત ૨,૩૬,૧૫,૨૦૦ રૂપિયા આંકવામાં આવી છે.પોલીસ દ્વારા આ કાર્યવાહીને વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે લેવામાં આવેલું એક મહત્વપૂર્ણ પગલું ગણાવવામાં આવી રહ્યું છે. આ ડિમોલિશનથી વિસ્તારના ગુનાખોરી સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.


