spot_img

જામનગરનું પ્રતિનિધિત્વ વૈશ્વિક મંચ પર: સાંસદ પૂનમબેન માડમ દ્વારા ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર પરિષદમાં સક્રિય ભાગીદારી, રાષ્ટ્રપિતા ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ

આંતરરાષ્ટ્રીય કટોકટી ગ્રુપના ડાયરેક્ટર સાથે “સંયુક્ત રાષ્ટ્રને ઉદ્દેશ્ય અનુસાર બનાવવા” વિષય પર ગહન મંત્રણા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત @2047ના સંકલ્પને વૈશ્વિક સ્તરે ગુંજતો કર્યો

ન્યૂયોર્ક:૧૨-જામનગર લોકસભા મતવિસ્તારના લોકપ્રિય સાંસદ પૂનમબેન માડમ હાલ યુનાઇટેડ નેશન્સ (સંયુક્ત રાષ્ટ્ર સંઘ)ની એક મહત્વપૂર્ણ વૈશ્વિક પરિષદમાં ભાગ લેવા માટે અમેરિકાના પ્રવાસે છે, જ્યાં તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.

આ મુલાકાત દરમિયાન, તેમણે ન્યુયોર્ક સ્થિત સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય મથક ખાતે સાથી સાંસદોના પ્રતિનિધિમંડળ સાથે ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમા સમક્ષ પહોંચીને ભાવપૂર્વક વંદન કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે પૂનમબેન માડમે જણાવ્યું હતું કે પૂજ્ય ગાંધીજી દ્વારા પ્રબોધિત સત્ય, અહિંસા અને સ્વચ્છતા સહિતના ઉમદા વિચારો, આદર્શો અને જીવન દર્શન આજે પણ વૈશ્વિક શાંતિ તેમજ સદભાવનાની સ્થાપના માટે એટલા જ સાંપ્રત અને પ્રસ્તુત છે.

તેમની આ મુલાકાત માત્ર ઔપચારિક ન રહેતા, તેમણે વૈશ્વિક મુદ્દાઓ પર ગહન ચર્ચાઓમાં પણ સક્રિયપણે ભાગ લીધો હતો. સંયુક્ત રાષ્ટ્ર સંઘના ઇન્ટરનેશનલ ક્રાઈસિસ ગ્રુપના ડાયરેક્ટર રિચર્ડ ગોવન સાથે પૂનમબેન માડમ અને સહ પ્રતિનિધિમંડળની એક અત્યંત સાર્થક બેઠક યોજાઈ હતી, જેમાં “સંયુક્ત રાષ્ટ્રને ઉદ્દેશ્ય અનુસાર બનાવવું” જેવા ગંભીર વિષય પર વિસ્તૃત અને વૈશ્વિક સ્તરની ચર્ચા કરવામાં આવી હતી.

આ મંત્રણા દરમિયાન, પૂનમબેન માડમે ભારપૂર્વક જણાવ્યું હતું કે, “અમે સૌ સાથે મળીને વૈશ્વિક નેતા અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત @2047ના મહાન લક્ષ્યોની સિદ્ધિ માટે આ સંયુક્ત રાષ્ટ્ર પરિષદમાં પ્રતિબદ્ધ છીએ. ભારતની ‘વિશ્વબંધુત્વ’ અને ‘સર્વ જન હિતાય-સર્વજન સુખાય’ની ભાવનાને કેન્દ્રમાં રાખીને ‘સૌના સાથ’ સાથે પ્રગતિ અને મૂલ્યનિષ્ઠ પરિશ્રમ દ્વારા શ્રેષ્ઠ અને ટકાઉ વિકાસના ભારતીય મોડેલની શ્રેષ્ઠ રજૂઆતને સાકાર કરવા અમે પ્રયત્નશીલ રહીશું.” તેમણે એમ પણ ઉમેર્યું હતું કે યુનાઇટેડ નેશનના આ મંચ પર વર્તમાન વૈશ્વિક પડકારો અને સમગ્ર વિશ્વની જટિલ પરિસ્થિતિઓ સહિતના અનેક મુદ્દાઓ પર અત્યંત રસપ્રદ અને ઊંડાણપૂર્વકની ચર્ચાઓ થઈ હતી, જે આવનારા સમયમાં વિશ્વની દિશા નિર્ધારિત કરવામાં મદદરૂપ થશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles